મહાકુંભ મેળાથી લઈને વિજયની રેલી સુધી: આ વર્ષે સર્જાઈ નાસભાગની 5 દુર્ઘટનાઓ

Tragedies caused by stampede: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના રાજકીય પક્ષ તમિલગા વેટ્ટી કઝગમની રેલીમાં 10,000ની ક્ષમતાવાળા મેદાનમાં 27,000 જેટલા લોકો આવી ગયા હતા. ત્યારે કેટલાક કારણોસર થયેલી નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોનું મૃત્યુ થયું છે. રેલીમાં આવેલા કેટલાક લોકો બેભાન થવાને કારણે અથવા એક ગુમ થયેલી બાળકીને શોધવાને કારણે નાસભાગ થઈ હોય તેવા પ્રાથમિક કારણો સામે આવી રહ્યા છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે નાસભાગનું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. જોકે, કરુર દુર્ઘટના સિવાય આપણા દેશમાં આ વર્ષે નાસભાગની 4 ઘટનાઓ બની હતી. આવો તેના પર એક નજર નાખીએ.

મહાકુંભ મેળા દરમિયાન થઈ બે દુર્ઘટના
વર્ષ 2025ની શરૂઆતમાં પ્રયાગરાજ ખાતે શરૂ થયેલા મહાકુંભમાં જાન્યુઆરી માસ દરમિયાન મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે 28 જાન્યુઆરી 2025ની મોડી રાત્રે થયેલી નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અમૃત સ્નાન દરમિયાન ભારે ભીડને કારણે બેરિકેડ તૂટી ગયા હતા. બેરિકેડ તૂટવાને કારણે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગની આ દુર્ઘટનામાં 37 લોકોના મૃત્યુ થયા હતા. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી 2025માં મહાકુંભનો સમય હતો. દિલ્હીના રેલવે સ્ટેશન 15 ફેબ્રુઆરી 2025ની રાત્ર 8 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર 12 પરથી શિવગંગા એક્સપ્રેસ રવાના થઈ ત્યારબાદ મુસાફરોની ભીડ જમા થવા માંડી હતી, જેના કારણે 12, 13, 14, 15, 16 પ્લેટફોર્મ પર જતાં રૂટ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા. એવામાં પ્રયાગરાજ જનારા લોકોની ભીડ સતત વધતી જઈ રહી હતી. ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12થી રવાના થશે. થોડા સમય પછી સ્ટેશન પર ફરીથી જાહેરાત કરવામાં આવી એ કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી રવાના થશે. આવી જાહેરાતના કારણે 8.48 વાગ્યે રેલવે સ્ટેશન પર નાસભાગ થઈ હતી. જેમાં 18 લોકોનું મૃત્યુ થયું હતું. મૃતકોને સરકાર દ્વારા 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.

RCBની વિક્ટ્રી પરેડમાં થયા 11ના મોત
3 જૂન, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ ઈલેવન ટીમ વચ્ચે IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2025ની ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂએ IPLના ઇતિહાસમાં પહેલી વખત ભવ્ય જીત મેળવી હતી. જેની ઉજવણી માટે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3 લાખથી વધુ લોકોની જનમેદની એકઠી થઈ હતી. પરંતુ ભારે ભીડના કારણે પરિસ્થિતિ વણસી હતી અને સ્ટેડિયમમાં નાસભાગ થઈ હતી. જેમાં 11 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિર ખાતે 27 જુલાઈ 2025ને નાગ પંચમીની તિથિએ સવારે નાસભાગ થઈ હતી. આ ઘટના મામલે લોકોએ અફવા ફેલાવી હતી કે તારમાંથી કરંટ આવી રહ્યો હતો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હોવાથી આ ઘટના વધારે ગંભીર બની ગઈ હતી. નાસભાગમાં 8 લોકોના મોત તથા 25થી 30 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો…તમિલનાડુના કરૂર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 31 લોકોના મોતની આશંકા