વહુના ગૃહપ્રવેશની પરંપરા, શા માટે ચોખા ભરેલા કળશથી કરવામાં આવે છે સ્વાગત?

દેવ દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. ચારે બાજું લગ્ની ધૂમ મચી રહી છે. ચારેય તરફ વરઘોડા અને માંડવાની રોકન જામી છે. હિંદુ પંચાંગ પ્રમાણે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય વિવાહ માટે શુભ મુહૂર્તોનો માનવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિમાં વિવાહ માત્ર બે વ્યક્તિઓનો મેળ નહીં, પરંતુ બે કુટુંબો, પરંપરાઓ અને રીત-રિવાજોનો ગાઢ સંગમ છે, જેમાં દરેક રીત રિવાઝો પાછળ ઊંડો અર્થ છુપાયેલો હોય છે.
વિવાહ પછી વહુ પહેલી વાર સાસરે પગ મૂકે ત્યારે ગૃહપ્રવેશની રસમ કરવામાં આવે છે. આમાં વહુ પોતાના જમણા પગથી ચોખાથી ભરેલો કળશ ધકેલીને અથવા ઉલટાવીને ઘરમાં પ્રવેશ કરે છે. આ રિવાઝ માત્ર નવા જીવનની શરૂઆતનું પ્રતીક નથી, પરંતુ વધૂના આગમનથી ઘરમાં સમૃદ્ધિ અને શુભતાના આગમનનો સંકેત આપે છે.
આ રીતમાં ચોખા અને કળશને અન્ન, ધન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. વહુ કળશ ઉલટાવે ત્યારે એવું માનવામાં આવે છે કે તે માતા લક્ષ્મીના સ્વરૂપમાં ઘરમાં પ્રવેશ કરી રહી છે, જેથી ઘરમાં અન્ન-ધનની ઉણપ ન આવે. આનાથી વહુને ગૃહલક્ષ્મી તરીકેનું સન્માન મળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિની કાયમી વૃદ્ધિ થાય છે.
હિંદુ શાસ્ત્રોમાં આ પરંપરા અત્યંત પ્રાચીન છે. સામાન્ય દિવસોમાં અન્નને પગથી અડકવું અશુભ ગણાય, પરંતુ ગૃહપ્રવેશ વખતે આ જ ક્રિયા શુકનવંતી બને છે. વહુના શુભ પગલાને સકારાત્મક ઊર્જાના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે, જે ઘરમાં મંગળકારી વાતાવરણનું સર્જન કરે છે અને નવા જીવનની સુંદર શરૂઆત કરાવે છે.
આપણ વાંચો: ગુજરાતના યુવાનોમાં કરોડરજ્જુનું જોખમ વધ્યું! સ્ક્રીન ટાઇમ અને ખોટી કસરતથી દર્દીઓમાં ૪૦% નો ઉછાળો



