Senior Citizen’s માટે મધ્ય અને પશ્ચિમ રેલવે લોકલ ટ્રેનમાં કરી આ ખાસ ગોઠવણ
મુંબઈ: મુંબઈ ઉપનગરની વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના લોકલના લગેજ કોચમાંથી એકમાં ફેરફાર કરીને વરિષ્ઠ નાગરિકો માટે અનામત રાખવાના પ્રસ્તાવને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં પહેલાં અને છેલ્લાં સેકન્ડ ક્લાસના કોચમાં સાત સીટ સિનિયર સિટીઝન માટે રિઝર્વ રાખવામાં આવી છે. સામાન્ય રીતે લોકલ ટ્રેનમાં ચાર લગેજ કોચ હોય છે અને હવે રેલવે દ્વારા હવે ટ્રેનની વચ્ચેના લગેજ કોચમાં ફેરફાર કરીને આ કોચ વરિષ્ઠ નાગરિકો માટે રિઝર્વ રાખવાનો પ્રસ્તાવ સેન્ટ્રલ વેસ્ટર્ન રેલવે દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
રેલવે મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રિકલ ડિરેક્ટોરેટ દ્વારા દરખાસ્તની ચકાસણી કર્યા બાદ ૧૦૪ મુસાફરોની ક્ષમતાવાળા રિઝર્વ કોચના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ૧૩ બેઠકો અને ૯૧ મુસાફરોના ઊભા રહવાની ક્ષમતા હશે.
વરિષ્ઠ નાગરિકોને તેમની દૈનિક સ્થાનિક મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મર્યાદિત બેઠકોના મુદ્દાઓ પર બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે મધ્ય અને પશ્ચિમ રેલવેને પૂછતા રેલવે સત્તાવાળાઓએ ખુલાસો કર્યો હતો કે લગેજ કોચનો ઉપયોગ ઓછો હોવાથી સિનિયર સિટીઝન માટે એક કોચને રૂપાંતરિત કરવાની યોજના હતી અને આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો હતો.