અયોધ્યા સિવાય ભારતમાં છે 4 અદ્ભુત રામ મંદિરો જ્યાં રામભક્તોની ઉમટે છે ભીડ

ભગવાન શ્રીરામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. ભાગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, જે જગ્યા પર તાજેતરમાં રામ ભગવાનના ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શનાર્થે આવે છે. પરંતુ ભારતમાં બીજા પણ એવા અનેક પ્રાચીન અને ચમત્કારિક રામ મંદિરો છે. જ્યાં રામ ભક્તોની ભારે ભીડ થાય છે. આ મંદિરોનું પોતાનું ઐતિહાસિક તથા આધ્યાત્મિક મહત્ત્વ છે. ચાલો, જાણીએ ભારતના જાણીતા રામમંદિરોની વિશેષતા અંગે.

કાલારામ મંદિર, મહારાષ્ટ્ર
નાશિકના પંચવટી વિસ્તારમાં આવેલું કાલારામ મંદિર કાળા પથ્થરની બનેલી શ્રીરામની મૂર્તિ માટે વિખ્યાત છે. માન્યતા છે કે વનવાસ દરમિયાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીએ અહીં કેટલોક સમય વિતાવ્યો હતો. એવી માન્યતા છે કે સરદાર રંગરાવ ઓઢેકરને સ્વપ્નમાં રામજીની કાળી મૂર્તિના દર્શન થયા હતા. આ મૂર્તિ ગોદાવરી નદી અંદર હોવાનું જણાતા તેમણે મૂર્તિ નદી બહાર પધરાવી તેના માટે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

રામસ્વામી મંદિર, તમિલનાડુ
દક્ષિણ ભારતમાં આ મંદિરને “દક્ષિણની અયોધ્યા” કહેવામાં આવે છે. મંદિરની દીવાલો પર રામાયણની બધી મુખ્ય ઘટનાઓની અદ્ભુત કોતરણી કરવામાં આવી છે. અહીં શ્રીરામ, સીતા, લક્ષ્મણ તથા શત્રુઘ્નજીની મૂર્તિઓ એકસાથે વિરાજમાન છે.

ત્રિપ્રયાર શ્રીરામ મંદિર, કેરળ
કેરળના ત્રિસૂર જિલ્લામાં આવેલું ત્રિપ્રાયર મંદિર ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા છે કે આ મૂર્તિ પહેલા દ્વારકામાં ભગવાન કૃષ્ણને પૂજતા હતા, પણ સમુદ્રમાં ડૂબી ગઈ પછી એક માછીમારના જાળામાં આવી અને વક્કયિલ કૈમલે તેને અહીં સ્થાપિત કરાવી. અહીં દર્શન કરવાથી દુષ્ટ શક્તિઓ તથા ભૂત-પ્રેતનો ભય દૂર થાય છે એવી લોકોની શ્રદ્ધા છે.

રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ
આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રીરામને રાજા તરીકે પૂજવામાં આવે છે. દરરોજ સવાર-સાંજ પોલીસ બંદૂકની સલામી આપે છે અને ગાર્ડ ઑફ ઑનર કરે છે. મધ્યકાલીન રાજા માધવસિંહે સ્વપ્નમાં રામજીના આદેશથી અયોધ્યાથી મૂર્તિ લાવીને અહીં સ્થાપિત કરાવી હતી. સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી તથા સુગ્રીવની મૂર્તિઓ પણ છે.
આપણ વાંચો: ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ ’72 કલાક કામ’નો કર્યો અનુરોધ: શું છે ચીનનું 9-9-6 મોડલ?



