અસૂરો પર સૂરોનો ભવ્ય વિજય: આ રીતે પડ્યું હતું કાળી ચૌદશનું નામ નરક ચતુર્દશી

ભારતમાં દિવાળીના એક દિવસ પહેલાં ઉજવાતો કાળી ચૌદસનો તહેવાર, જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તહેવારને પણ ખૂબ ઉત્સાહ અને ધાર્મિક ભાવના સાથે મનાવવામાં આવે છે. આ વર્ષે, 19 ઓક્ટોબર રવિવાર એટલે કે આજે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણની નરકાસુર પર વિજયની યાદમાં પ્રકાશ અને સત્યની જીતનું પ્રતીક ગણાય છે, જે લોકોમાં આનંદ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
વૈદિક પંચાંગ અનુસાર, કાળી ચૌદસ આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. પૌરાણિક કથા મુજબ, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે તેમની પત્ની સત્યભામાની સાથે મળીને ક્રૂર રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. આ વિજયથી હજારો સ્ત્રીઓને નરકાસુરની કેદમાંથી મુક્તિ મળી હતી, જેના કારણે આ દિવસ અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક બન્યો. નરક ચતુર્દશી આજે બપોરે 1:51થી શરૂ થશે અને 20 ઓક્ટોબરે બપોરે 3:44 સુધી રહેશે.
આ પણ વાંચો : ધનતેરસની સાંજે કરો આ ખાસ ઉપાય, આખું વર્ષ થશે ધનવર્ષા, માતા લક્ષ્મીની કૃપા વરસશે…
કાળી ચૌદસની પૂજા માટેનો સૌથી શુભ સમય રાત્રે 10:57થી 11:46 સુધીનો છે. આ મોડી રાત્રિના સમયે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે દેવી કાલરાત્રિ અને વીર વેતાળ જેવા રક્ષક દેવતાઓની પૂજા કરે છે, જે ઘરો, મંદિરો કે કેટલાક સ્થળોએ સ્મશાનભૂમિમાં પણ થાય છે. આજે લોકો મંદિરમાં કે દેવ સ્થાને દીવા પ્રગટાવે છે, મંત્રોનો જાપ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનો પ્રયાસ કરે છે.
કેટલાક લોકો શુભ કાર્યો માટે ચોઘડિયાનો ઉપયોગ કરે છે, જેથી પૂજા અને અન્ય પ્રવૃત્તિઓ શુભ સમયે કરી શકાય. આ દિવસે દીવા પ્રગટાવવા અને ઘરને શુદ્ધ કરવાની પરંપરા છે, જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. નોંધનીય છે કે કાળી ચૌદસ, રૂપ ચૌદસ અને નરક ચતુર્દશી અલગ-અલગ દિવસો નથી, પરંતુ એક જ તહેવારના વિવિધ નામો છે, જેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અલગ-અલગ સ્થળોએ જોવા મળે છે.
આ પણ વાંચો : દિવાળી પર માત્ર દીવા જ નહીં, આ છોડ પણ ચમકાવશે તમારું ભાગ્ય…
કાળી ચૌદસનો તહેવાર ભારતના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે ઘરની સફાઈ, સ્નાન અને દીવા પ્રગટાવવાની વિશેષ પરંપરા છે, જે આધ્યાત્મિક શુદ્ધિનું પ્રતીક છે. આ તહેવાર દિવાળીની તૈયારીનો એક મહત્વનો ભાગ છે, જે લોકોને નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જા માટે પ્રેરે છે.