શિયાળામાં દરની બહાર આવશે સાપ અને અજગર: જોઈને ગભરાશો નહીં, કરજો આ કામ

Snake Rescue Tips: ભારતમાં મોનસૂનની વિદાય સાથે જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની આ શરૂઆતમાં વન વિભાગ અને જીવવિજ્ઞાનના નિષ્ણાતો માટે એક નવો પડકાર આવે છે. કારણ કે, આ ઋતુમાં કોબરા અને કરૈત જેવા સાપ તેમના દરની બહાર આવે છે. આ સરીસૃપોને જોઈને સામાન્ય રીતે લોકો ડરી જતા હોય છે. ઘણીવાર ગભરાયેલા લોકો તેઓને મારી પણ નાખતા હોય છે. જોકે, તેઓ પણ પર્યાવરણનો એક ભાગ છે. જેથી વન વિભાગ આવું ન કરવાની સલાહ આપે છે. ત્યારે આવો જાણીએ, સાપ કે અજગર દેખાય તો શું કરવું અને શું ન કરવું?
અજગર ખુલ્લા વિસ્તારોમાં કેમ આવે છે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અજગર ઠંડા લોહીવાળા (Cold-Blooded) જીવ છે. તેઓ પોતાના શરીરનું તાપમાન બાહ્ય વાતાવરણ અનુસાર નિયંત્રિત કરી શકતા નથી. તેથી, ઠંડી શરૂ થતાં જ તેઓ ઠંડીથી બચવા માટે ગરમ સ્થળોની શોધમાં નીકળે છે. દિવસ દરમિયાન, તેઓ તેમના શરીરને ગરમ કરવા માટે લાંબા સમય સુધી તડકાવાળા વિસ્તારોમાં પડ્યા રહે છે. આ કારણે જ તેઓ રસ્તાના કિનારે, ખેતરોમાં, મકાનોની છત કે ખુલ્લા આંગણામાં રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જાય છે. નિષ્ણાતોના મતે, આ ઠંડીમાં સુપ્તાવસ્થા (Hibernation) માં જતાં પહેલાં શરીરને ગરમ કરવાની તેમની કુદરતી પ્રક્રિયા છે.
તાપમાન ઘટતાં જ આ મહાકાય સાપ પાણીના સ્ત્રોતો અથવા બિલોમાંથી નીકળીને તડકાવાળા સ્થળો તરફ આગળ વધે છે. આવા સાપ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં કામ કરતા લોકો અથવા રસ્તાના કિનારે બેઠેલા લોકોને જોઈને ડરી જાય છે.
શું કરવું અને શું ન કરવું?
વન વિભાગના નિષ્ણાતોએ લોકોને અજગર અથવા અન્ય કોઈપણ સાપ દેખાય તો ગભરાયા વગર કેટલીક સલાહનું પાલન કરવાનું સૂચન કરે છે. જણાવ્યું છે. જો સાપ કે અજગર દેખાય તો તેને મારવાનો કે ભગાડવાનો પ્રયાસ ન કરવો અને બિનજરૂરી ગભરાટ ફેલાવવો નહીં. તરત જ વન વિભાગની સ્નેક રેસ્ક્યુ ટીમ અથવા સ્થાનિક વન કર્મચારીઓનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને રાત્રે પશુઓને ખુલ્લા ન છોડવા જોઈએ, કારણ કે અજગર તેમનો શિકાર કરી શકે છે. સાપ અથવા અજગર ઘરની આસપાસના જૂના ટાયર, પાઇપ કે બિલ જેવી જગ્યાઓ જ્યાં તે છુપાઈ શકે, તેને અવ્યવસ્થિત ન રાખવી. ખેતરો કે ઘરની આસપાસના ઘાસ કે ઝાડનો વધુ પડતો ઉછેર ન કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અજગર ડરામણા હોવા છતાં પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી જીવ છે. તેઓ ઉંદર, સસલા અને અન્ય નાના જીવોનો શિકાર કરીને પાકને નુકસાન થતું અટકાવે છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, તેઓ ખેડૂતના પણ મિત્રો છે. તેથી, જો તમારી આસપાસ અજગર કે સાપ દેખાય તો તેમને મારવાના બદલે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવા જોઈએ.
આપણ વાંચો: તુલસી વિવાહમાં તમારા તુલસીના છોડને કેવી રીતે સજાવશો? જાણો સંપૂર્ણ પૂજા વિધિ…



