11 મહિના પહેલા મૃત્યુ પામેલી બહેનના ‘હાથે’ આજે ભાઈને રાખડી બાંધી, જાણો આ ભાઈ બહેનના અનોખા સંબંધની કહાની

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક સ્વરૂપ આ તહેવારની ઘણી ભાવુક કથાઓ જાણીતી છે. તો તહેવાર સાથે ઘણી ભાવુક કથા જોડાતી રહે છે. આ તહેવાર માત્ર લોહીના સંબંધ નહીં પણ ભાવનાના સંબંધને પણ ઉજાગર કરે છે. સુરતના એક પરિવારે પોતાની ફુલ જેવી નાની દિકરીને બ્રેઈન ડેડના કારણે ગુમાવી હતી.
પણ પરિવારના એક નિર્ણયથી દિકરીની યાદો અનંત સમય સુધી ઉજાગર રહી છે. આ વાર્તા સૌથી અલગ તરી આવે છે કેમ કે આ ઘટનાએ લોકોની આંખો ભીની કરી દીધી, જે અંગદાન અને માનવતાની શક્તિનું અનોખું ઉદાહરણ બની.
વાસ્તવિક આખી વાત એમ છે કે, વલસાડમાં રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ, ડોનેટ લાઈફ એનજીઓ દ્વારા આયોજિત રક્ષાબંધન સમારોહમાં અનમતા અહેમદે શિવમ મિસ્ત્રીને રાખડી બાંધી. આ ખાસ પળની પાછળ એક ભાવુક વાર્તા છે.
આપણ વાંચો: આકાશ મારી પાંખમાં : ન્યુ લાઈફ- ન્યૂ વિઝન, સાચી ઘટનાઓ પર આધારિત છે આ કથા
નવ વર્ષની રિયા મિસ્ત્રીનું બ્રેઈન ડેડ થવાથી નિધન થયું હતું, અને તેના પરિવારે અંગદાનનો નિર્ણય લઈને તેનો જમણો હાથ અનમતાને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે દાન કર્યો. આ ટ્રાન્સપ્લાન્ટ સુરતના એનજીઓની મદદથી 17 સપ્ટેમ્બર, 2024ના રોજ મુંબઈમાં થયું હતું. શિવમના પિતા બોબી મિસ્ત્રીએ કહ્યું, “અનમતાનો હાથ સ્પર્શતાં એવું લાગ્યું કે અમારી રિયા હજુ જીવે છે.”
સપ્ટેમ્બર 2024માં રિયાને ઉલટી અને માથાનો દુખાવો શરૂ થયો, જે બાદ તેને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે તે બ્રેઈન ડેડ થઈ ગયું છે.
આપણ વાંચો: પ્રકાશક સાથે સહિયારો હિસ્સો ઈન્વેસ્ટ કરીને કમિશન ઉપર નવલકથા વેચનારી હું પ્રથમ લેખક હોઈશ!
આ દુઃખદ સમયે ડોનેટ લાઈફ એનજીઓએ રિયાના પરિવારનો સંપર્ક કર્યો અને અંગદાનની સલાહ આપી. પરિવારે આ નિર્ણય લઈને રિયાના જમણા હાથ, કિડની અને લીવરનું દાન કર્યું. આ નિર્ણયે અનમતા સહિત અન્ય લોકોના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો હતો.
અનમતા અહેમદ, જે મુંબઈના ગોરેગાંવમાં રહે છે, તે 2022માં દસમા ધોરણમાં હતી જ્યારે હાઈ-ટેન્શન વીજળીના તારના સંપર્કમાં આવવાથી તેનો જમણો હાથ ગુમાવવો પડ્યો. તેનો ડાબો હાથ પણ માત્ર 20 ટકા જ કામ કરતો હતો. આમ છતાં, અનમતાએ હાર ન માની. તેણે યૂટ્યૂબ પર વ્યાયામના વીડિયો જોઈને ડાબા હાથને મજબૂત કર્યો અને લખવાની પ્રેક્ટિસ શરૂ કરી.
2023માં તેણે દસમા ધોરણની પરીક્ષામાં 92 ટકા ગુણ મેળવ્યા. રિયાના હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયા પછી અનમતાનું જીવન બદલાઈ ગયું, અને તેણે આ રક્ષાબંધનના દિવસે શિવમને રાખડી બાંધી ભાવનાત્મક બંધનનું નવું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ ઘટનાએ અંગદાનના મહત્વ અને ભાઈ-બહેનના પ્રેમની શક્તિને ઉજાગર કરી, જે દરેકના હૃદયને સ્પર્શી ગઈ.