બોલો, ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ જીતવા પાછળ આ ભારતીય મહિલાનું કનેક્શન છે ગજબનું…

મેંગલુરુઃ ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતના નબળા પ્રદર્શનથી લાખો ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. આ મેચનો હીરો ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ હતો જેણે શાનદાર સદી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. તેવી જ રીતે કમિન્સના નેતૃત્વમાં અન્ય ખેલાડીઓનું યોગદાન પણ આ મેચમાં મહત્વનું રહ્યું હતું. જોકે, એની સાથે ભારતીય મહિલાનું કનેક્શન પણ ઓસ્ટ્રેલિયન ટીમ માટે ગજબનું છે.
આજે અમે એક ભારતીય મહિલા વિશે વાત કરીશું જેણે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી. આ ભારતીય મહિલાનું નામ ઉર્મિલા રોસારિયો છે. ઉર્મિલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની મેનેજર છે. તેના માતા-પિતા, આઇવી અને વેલેન્ટાઇન રોસારિયો કર્ણાટકના મેંગલોર નજીક કિન્નિગોલીના છે. ઉર્મિલાનો જન્મ થયો ત્યારે આઇવી અને વેલેન્ટાઇન કતારમાં કામ કરી રહ્યા હતા. ઉર્મિલાને બાળપણથી જ રમતગમતનો શોખ છે. શાળાના દિવસોમાં તે ક્રિકેટની સાથે બાસ્કેટબોલ અને ટેનિસ પણ રમતી હતી. ઉર્મિલાએ ત્રણ વર્ષ કતાર ટેનિસ ફેડરેશનમાં કામ કર્યું.
ઉર્મિલાએ કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી બીબીએ કર્યું અને બાદમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે કામ કર્યું. ટીમ મેનેજર તરીકે બિન-ઓસ્ટ્રેલિયનની નિમણૂક ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતી. ફૂટબોલ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને થોડા મહિનાઓ માટે ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી તેણે કતારમાં ફૂટબોલ સ્ટેડિયમના સંચાલનની જવાબદારી લીધી. આ પછી ઓસ્ટ્રેલિયા પરત ફરી હતી.
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે ઉર્મિલાનું પ્રદર્શન અને હિન્દી, કન્નડ, કોંકણી વગેરે જેવી ભારતીય ભાષાઓમાં નિષ્ણાંત હોવાના કારણે તેણીને ભારતમાં આયોજીત વર્લ્ડ કપ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મેનેજર તરીકે પસંદ કરવામાં આવી હતી. સાત વર્ષ પહેલાં ઉર્મિલાના માતા-પિતા દોહાથી ભારત આવ્યા હતા. આ રીતે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસેથી વર્લ્ડ કપ છીનવવા પાછળ એક ભારતીયની મહેનત છે.