રમા એકાદશીનું નામ કેવી રીતે પડ્યું? જાણો ગુજરાતી કેલેન્ડર વર્ષની છેલ્લી એકાદશીનું મહાત્મ્ય | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

રમા એકાદશીનું નામ કેવી રીતે પડ્યું? જાણો ગુજરાતી કેલેન્ડર વર્ષની છેલ્લી એકાદશીનું મહાત્મ્ય

હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને આસો વદ એકાદશીએ રમા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને પાપમુક્તિ મળે છે. દિવાળીના ચાર દિવસ પહેલા આવતી આ એકાદશી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષની છેલ્લી એકાદશી છે. રમા એકાદશીનું વ્રત ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને મોક્ષની દિશામાં લઈ જાય છે.

કયારે છે રમા એકાદશી?
પંચાંગ મુજબ, રમા એકાદશીની તિથિ 16 ઓક્ટોબર એટલો કો આજે સવારે 10:35 વાગ્યે શરૂ થઈ ચૂકી છે, જ્યારે 17 ઓક્ટોબરના રોજ સવારે 11:12 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિને ધ્યાનમાં રાખીને આ વ્રત 17 ઓક્ટોબર, શુક્રવારે રાખવામાં આવશે. આ વ્રતનુ પારણુ 18 ઓક્ટોબરના રોજ સવારે 6:24 થી 8:41 વચ્ચે કરી શકાય છે, જ્યારે બારસ તિથિ બપોરે 12:18 વાગ્યે પૂર્ણ થશે.

રમા એકાદશીની પૂજા વિધિ
રમા એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠી, નિત્યકર્મ પૂર્ણ કરી, સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. તાંબાના વાસણમાં પાણી, ફૂલ અને અક્ષત લઈ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ત્યારબાદ વ્રતનો સંકલ્પ લો. બાજોઠ પર પીળું આસન પાથરી, ભગવાન વિષ્ણુ અથવા બાળ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરો. આચમન કરી, ચંદનનું તિલક, પુષ્પમાળા, ધૂપ અને દીવો અર્પણ કરો. રમા એકાદશીની કથા, વિષ્ણુ ચાલીસા અને મંત્રોનો પાઠ કરો. અંતે વિષ્ણુજીની આરતી કરી, ભૂલચૂક માટે ક્ષમા માગો અને બીજા દિવસે પારણું કરો.

રમા એકાદશીનું મહત્વ
આ એકાદશી ચાતુર્માસની અંતિમ એકાદશી તરીકે ઓળખાય છે, જે દિવાળીના તહેવારોની પહેલા આવે છે. ઘણા લોકો આ દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત માને છે. આ દિવસે દેવી લક્ષ્મી, જે રમા તરીકે ઓળખાય છે, તેમની પૂજા થાય છે, જેના કારણે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

પદ્મ પુરાણ અનુસાર, રમા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી ભક્તોને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને જીવનના સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત વાજપેય યજ્ઞ જેવું પુણ્યફળ આપે છે. આ દિવસે દાન, પૂજા અને ઉપવાસથી ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને મોક્ષનો માર્ગ મળે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી પંચાંગ, જ્યોતિષીઓ, શાસ્ત્રો અને પરંપરાઓ પર આધારિત છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. આ માહિતીની સત્યતા અંગે કોઈ દાવો કરવામાં આવતો નથી. કોઈ પણ પગલું લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આપણ વાંચો:  જાણો શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓ અને પુરુષો માટે રક્ષા સૂત્ર બાંધવાની શું છે સાચી રીત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button