આજે પિતૃપક્ષનું દસમું શ્રાદ્ધ: પિતૃઓની આત્માની શાંતિ માટે મૃત્યુ બાદ પહેલુ શ્રાદ્ધ ક્યારે કરવું?

ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આજે 16 સપ્ટેમ્બરના પિતૃઓની યાદમા શ્રાદ્ધ કરવામાં આવે છે.
આ સમય દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ જેવી વિધિઓ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે તેમ જ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થઈ અમાવાસ્યા સુધી ચાલે છે, અને આ દિવસોમાં પૂર્વજોની યાદમાં ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ છે, જે કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહે છે.

શ્રાદ્ધનું ધાર્મિક મહત્વ
પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવું એ સનાતન ધર્મની મહત્વની પરંપરા છે. આ સમયે મૃત્યુ પામેલા પૂર્વજોની તિથિ મુજબ શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, જેનાથી તેમની આત્માને શાંતિ મળે છે.
શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધની વિધિ મૃત્યુની તિથિએ જ કરવી જોઈએ, જેમાં પિંડદાન, દાન અને બ્રાહ્મણ ભોજનનો સમાવેશ થાય છે. આ વિધિ કરવાથી પિતૃદોષ દૂર કરવામાં મદદ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે શ્રાદ્ધ વિશે લોકોમાં ઘણી ગેરસમજો પ્રવર્તે છે. ઘણા લોકો મૃત્યુના પહેલા વર્ષે અથવા ત્રીજા વર્ષે પહેલો શ્રાદ્ધ કરે છે, જે શાસ્ત્રોક્ત નથી. શાસ્ત્રો અનુસાર, મૃત્યુના 12મા દિવસે ‘નવખંડ શ્રાદ્ધ’ અને પહેલા વર્ષે ‘વર્ષી’ શ્રાદ્ધ કરવું જોઈએ.
ત્રણ વર્ષે શ્રાદ્ધની કોઈ ખાસ માન્યતા નથી. જ્યારે ઘણા લોકો એવું માને છે કે પહેલા વર્ષે કરવામાં આવતું શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણીમાન દિવસે કરવું જોઈએ જો કે, જ્યોતિષ નિષ્ણાંતોના મત પ્રમાણે પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ કરવું ખોટું છે.
જો કોઈ કારણસર શ્રાદ્ધ ન કરી શકાયું હોય, તો પિતૃ પક્ષમાં મૃત્યુ તિથિ મુજબ તે કરવું જોઈએ. આ ગેરસમજો દૂર કરીને શાસ્ત્રોક્ત રીતે શ્રાદ્ધ કરવું જરૂરી છે.

શ્રાદ્ધની વિધિ અને નિયમો
પિતૃ પક્ષમાં શ્રાદ્ધની વિધિમાં પિંડદાન, તર્પણ, બ્રાહ્મણ ભોજન અને દાનનો સમાવેશ થાય છે. મૃત્યુ તિથિ મુજબ શ્રાદ્ધ કરવું શાસ્ત્રોમાં આવશ્યક ગણાય છે. ગર્ભમાં મૃત્યુ પામેલા બાળકો માટે ‘મલિન ષોડશી’ વિધિ કરવામાં આવે છે.
જ્યારે 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું શ્રાદ્ધ મૃત્યુ તિથિ અથવા તેરશની તિથિએ કરવું જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન દક્ષિણ દિશામાં દીપક પ્રગટાવવો અને પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. આ વિધિઓથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો…પિતૃપક્ષમાં પૂર્વજોને શાંતિ મળે તે માટે તમે આ નાનકડા જીવને કરાવો ભોજન