નવરાત્રી: ઘટસ્થાપન કરતી વખતે આટલી વાતનું ધ્યાન રાખજો તો માતાજીની કૃપા થશે!

શારદીય નવરાત્રી એ શક્તિની ઉપાસનાનો સૌથી પવિત્ર અને ભવ્ય અવસર છે, જે ભક્તોના હૃદયમાં ઉત્સાહ અને ભક્તિનો સંચાર કરે છે. આ વર્ષે નવરાત્રી ખાસ છે કેમ કે આ વખતે તે નવ દિવસના બદલે દસ દિવસ સુધી ચાલવાની છે.
હિન્દુ પંચાંગ અનુસાર, આ નવરાત્રિનો પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ વિજયા દશમી સાથે સમાપ્ત થશે. આ દરમિયાન માં આદ્યશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.
શારદીય નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બરના થશે, જેમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના સાથે ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ હોઈ છે. શાસ્ત્રો અનુસાર, યોગ્ય વિધિથી ઘટ સ્થાપના કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ઘટ સ્થાપના માટે માટીનો ગરબો લઈ, તેને સાફ કરીને લાલ દોરો બાંધવામાં આવે છે. આ ગરબામાં ગંગાજળ, સોપારી, હળદરની ગાંઠીયો, સિક્કો, લવિંગ, એલચી અને તાજાં ફૂલો પધરાવવામાં આવે છે, જે શુભ ફળ આપે છે.
ઘટ સ્થાપનાની વિધિ
ઘટ સ્થાપના દરમિયાન પાંચ આંબાના પાન પર કંકુ અને હળદર લગાવીને ગરબાના મુખ પર ગોઠવવામાં આવે છે, અને તેની ઉપર નાળિયેર મૂકવામાં આવે છે. નાળિયેર પર લાલ ચુંદડી બાંધવી જરૂરી છે, કારણ કે તે માં દુર્ગાનું પ્રતીક માનવામાં આવે છે.
નાળિયેર એવી રીતે મૂકવું જોઈએ કે તેનો ઉપરનો ભાગ બહાર રહે. પૂજા સ્થળ પર થોડા ચોખા રાખીને તેની ઉપર ઘટની સ્થાપના કરવામાં આવે છે. ઘરમાં ઘટ સ્થાપના કરવાથી માં અંબ જગદંબાનો વિશેષ આશીર્વાદ મળે છે.
નવરાત્રીની પૂજા અને શ્રૃંગાર
નવરાત્રી દરમિયાન માં દુર્ગાને શ્રૃંગારનો સામાન, લાલ ચુંદડી, કંકુ અને ફૂલો અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. દરરોજ સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવીને માતાજીના ભજન-કીર્તન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
ઘણા ભક્તો નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે, જે માટે ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો અખંડ જ્યોત શક્ય ન હોય, તો દરરોજ દીવો પ્રગટાવીને પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.
નવરાત્રીનું મહત્વ અને શ્રદ્ધા
શારદીય નવરાત્રી એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આધ્યાત્મિક શક્તિ અને શ્રદ્ધાનો સંગમ છે. આ દસ દિવસનો ઉત્સવ ભક્તોને માં દુર્ગાની કૃપા મેળવવાની તક આપે છે, જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ઘટ સ્થાપના અને નવરાત્રીની પૂજા વિધિઓનું યોગ્ય રીતે પાલન કરવાથી ભક્તોના જીવનમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે.
નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. સચોટ માહિતી માટે નિષ્ણાંત બ્રાહ્મણનો સંપર્ક કરવો
આ પણ વાંચો…આવતીકાલથી શરૂ થશે નવલા નોરતા; આ વર્ષે નવ નહીં, 10 નોરતા! જાણો ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ