મણિકર્ણિકા ઘાટે અંતિમસંસ્કાર બાદ રાખ પર કેમ લખાય છે નંબર 94ઃ જાણો આ રસપ્રદ માહિતી…

વારાણસી: ‘સૂરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત ઘણી પ્રચલીત છે. આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તેથી ઘણા લોકો જીવનનો અંતિમ સમય કાશીમાં પસાર કરે છે.
અહીં આવેલા મણિકર્ણીકા ઘાટ પર દરરોજ અનેક ચિતાઓનો અંતિમસંસ્કાર કરવામાં આવે છે. ચિતાને મુખાગ્નિ આપનાર વ્યક્તિ ચિતા ભસ્મ પર 94 લખે છે. આવું કેમ લખવામાં આવે છે? એ બનારસના સ્થાનિકો સિવાય કોઈ જાણતું નથી. આવો તેની પાછળનું કારણ જાણીએ.
જીવનમાં સાથે જોડાયેલા 100 કર્મો
હિંદુ સનાતન ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મનો મહિમા સમજાવ્યો છે. વ્યક્તિ જેવું કર્મ કરે છે. તેના આધારે મૃત્યુ બાદ વ્યક્તિને તેનું ફળ મળે છે. એવા 100 શુભ-અશુભ કર્મો છે, જેના આધારે મૃત્યુ બાદ તે વ્યક્તિને આગામી જીવનમાં શુભ અથવા અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
આ 100 પૈકીના 94 કર્મ વ્યક્તિ પર આધારીત છે. જ્યારે બાકીના 6 કર્મ બ્રહ્માજી પર આધારીત છે. જેમાં લાભ-હાનિ, જીવન-મરણ, યશ-અપયશનો સમાવેશ થાય છે. આ 6 કર્મો પર વિધિનું નિયંત્રણ હોય છે.
94 કર્મો ચિતા સાથે થાય છે રાખ
ગીતામાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ બાદ વ્યક્તિ પોતાના મનની સાથે 5 જ્ઞાનેન્દ્રિયોને લઈને જાય છે. આ કુલ સંખ્યા 6 છે. આ સિવાય ધાર્મિક માન્યતા અનુસાર, ચિતાની સાથે વ્યક્તિના 94 કર્મો રાખ થઈ જાય છે. જ્યારે બાકીના 6 કર્મો તમારી સાથે આવે છે. જે તમારા નવા જીવનનું સર્જન કરે છે.
તેથી મણિકર્ણિકા ઘાટ પર એવી માન્યતા છે કે, અંતિમસંસ્કાર બાદ 94 લખવાથી મૃતકને તેના 94 કર્મોના દુષ્પરિણામોમાંથી મુક્તિ મળે છે. તેથી ચિતાને મુખાગ્નિ આપ્યા બાદ ચિતા ભસ્મ પર 94 લખવામાં આવે છે.
આ પણ વાંચો…મણિકર્ણિકા ઘાટ પર આ કારણસર રવિવારથી અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે…