આજે નવરાત્રિનો છેલ્લો દિવસ, નવમીના દિવસે આ કરવાથી મા સિદ્ધિદાત્રીની થશે વિશેષ કૃપા…

શારદીય નવરાત્રિનો આજે નવમો અને અંતિમ દિવસ છે, જેને મા દુર્ગાના નવ સ્વરૂપોમાં સૌથી શક્તિશાળી મા સિદ્ધિદાત્રીની ઉપસનાનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ભક્તો મા સિદ્ધિદાત્રીની આરાધના કરીને સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્યની કામના કરે છે. ‘સિદ્ધિદાત્રી’ એટલે એવી દેવી કે જે તમામ સિદ્ધિઓ અને ઐશ્વર્યનું વરદાન આપે. આ પવિત્ર દિવસે ભક્તો દેવીની કૃપા મેળવવા માટે વિશેષ પૂજા, હવન અને દાનનું આયોજન કરે છે, જેથી જીવનમાં ખુશહાલી અને સફળતા પ્રાપ્ત થાય.
એવુ માનવામાં આવે છે કે, નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સમગ્ર નવદુર્ગાના આશીર્વાદ મળે છે, કારણ કે આ દેવીમાં મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ અને મહાગૌરીની સમગ્ર શક્તિઓ સમાયેલી છે. એવું માનવામાં આવે છે કે ફક્ત મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી જ નવદુર્ગાની પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભક્તો દેવીની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને મનોકામનાઓની પૂર્તિની આશા રાખે છે.

મા સિદ્ધિદાત્રીની પૂજા અને હવન વિધિ
મહાનવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા માટે ખાસ વિધિનું પાલન કરવામાં આવે છે. ભક્તોએ કમળના ફૂલ પર વિરાજમાન દેવીનું ધ્યાન કરવું જોઈએ અને તેમને સુગંધિત ફૂલો, મધ, ઘી અને અન્ય પૂજન સામગ્રી અર્પણ કરવી જોઈએ. આ દિવસે દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાય, કવચ, કીલક અને અર્ઘ્યનો પાઠ કરવો શુભ ગણાય છે.
આ ઉપરાંત બપોરે હવન કરવો અનિવાર્ય છે, જેમાં જવ, કાળા તલ અને ઘીનો ઉપયોગ થાય છે. આ હવન ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને દેવીની કૃપા પ્રાપ્ત કરાવે છે. હવન બાદ કન્યા પૂજન અને ભોજન દાન પણ કરવું જોઈએ.
મહાનવમીના દિવસે દાન અને હવનનું વિશેષ મહત્વ છે. ગરીબોને ભોજન, કપડાં અને શિક્ષણ સામગ્રીનું દાન કરવું શુભ ફળ આપે છે. પીપળાના ઝાડની પૂજા કરવી પણ ફાયદાકારક ગણવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે સુહાગન મહિલાઓને ચૂંદડી, સિંદૂર, મહેંદી જેવી શૃંગારની વસ્તુઓ દાન કરવી જોઈએ. સૌભાગ્ય અને આર્થિક સમૃદ્ધિ માટે તિજોરીમાં લાલ કપડામાં ચોખા બાંધીને અને ચાંદીનો સિક્કો રાખવો શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો…મંદિરમાં દીવો કરવાની સાચી દિશા કઈ, શું ભગવાનની સામે દીવો કરવો યોગ્ય છે? જાણો શું કહે છે નિષ્ણાતો…