અનંત ચતુર્દશીના દિવસે આ રીતે બાંધજો અનંત સૂત્ર: ભગવાન વિષ્ણુ સંકટ દૂર કરી આપશે સુખ-સમૃદ્ધિ

Anant Chaturdashi 2025 Vrat Pooja: સામાન્ય રીતે અનંત ચતુર્દશીનો દિવસ ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન માટે જાણીતો છે. આ સિવાય પણ અનંત ચતુર્દશીનું એક આગવું મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસે વ્રત કરવાથી દુ:ખ દૂર થાય છે.
અનંત ચતુર્દશીની પૌરાણિક કથા
પૌરાણિક માન્યતાઅનુસાર, અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુએ ચૌદ લોકનું સર્જન કર્યું હતું. આ ચૌદ લૌકના રક્ષણ માટે ભગવાન વિષ્ણુએ પોતાના 14 સ્વરૂપો પ્રગટ કર્યા હતા. તેથી આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરનારને શાસ્ત્રો અનુસાર 14 લોકનું સુખ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે.
મહાભારત કાળમાં જ્યારે પાંડવો મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકાયા હતા. ત્યારે તેમણે અનંત ચતુર્દશીનું વ્રત કર્યું હતું. આ વ્રતના ફળ સ્વરુપે પાંડવોના સંકટ દૂર થયા હતા. તેથી અનંત ચતુર્દશીનું વ્રત સંકટ દૂર કરીને સુખ-સમૃદ્ધિ આપનારૂં છે.
અનંત ચતુર્દશીનું વ્રત કેવી રીતે કરવું?
આ વર્ષે અનંત ચતુર્દશીનો દિવસ 6 સપ્ટેમ્બર, 2025ના રોજ છે. આ દિવસે સવારે 3:12 વાગ્યે અનંત ચતુર્દશીનો તિથિ શરૂ થાય છે. જે 7 સપ્ટેમ્બર 2025ની બપારે 1:41 વાગ્યે સમાપ્ત થશે. અનંત ચતુર્દશીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે સવારે 06:02 થી બપોરે 01:41 વાગ્યા સુધી છે.
અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૂજાના અંતે 14 ગાંઠ મારીને એક ખાસ દોરો બાંધવામાં આવે છે. જેને ભગવાન વિષ્ણુના 14 સ્વરૂપો અને 14 લોકનું પ્રતીક માનવામાં આવે છે. આ દોરાને અનંત સૂત્ર કહેવાય છે. આ દોરો બાંધવાથી જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)