ફટાકડાનો તણખો આંખમાં જાય તો ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર આવશે અંધાપો...
સ્પેશિયલ ફિચર્સ

ફટાકડાનો તણખો આંખમાં જાય તો ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર આવશે અંધાપો…

Eye care from firecrackers: આંખ આપણા શરીરની અગત્યની ઈન્દ્રીય છે. આંખ વગરના શરીરની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી આંખની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. જોકે, દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ઘણીવાર આંખમાં દારુખાનું અથવા તણખો આંખમાં પડે છે. તેનાથી આંખોની કોર્નિયાને નુકસાન પહોંચે છે. તેથી ફટાકડા ફોડતી વખતે આંખની સંભાળ કેવી રીતે રાખવી એ જાણી લેવું જરૂરી છે.

આંખમાં તણખો જાય તો શું કરશો?

દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા ફોડતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યારે પણ ફટાકડા ફોટો ત્યારે પાસે પાણીની ડોલની વ્યવસ્થા રાખો. ઘણીવાર એવું થાય છે કે, ફટાકડો સળગાવ્યો હોવા છતાં ફૂટતો નથી. એવા સંજોગોમાં લોકો તેની નજીક જોવા જાય છે અને ફટાકડો ફૂટી જાય છે. આવી દુર્ઘટનામાં આંખોની કોર્નિયાને નુકસાન થાય છે. તેથી ફટાકડો સળગાવ્યા બાદ તે ન ફૂટે તે તેની નજીક જવું જોઈએ નહીં.

જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો કોન્ટેક્ટ લેન્સને ઉતારીને જ ફટાકડા ફોડવા જોઈએ. જો તમારી આંખમાં ફટાકડાનું દારુખાનું અથવા તણખો ચાલ્યો ગયો છે. તો આંખોને ચોળશો નહીં. આવું કરવાથી દારુખાનું કોર્નિયા પર ફેલાય છે. તેનાથી કોર્નિયા પર અબ્રેઝન થઈ જાય છે. આગળ જતાં આંખમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તેનાથી આંખમાં અલ્સર પણ થઈ શકે છે અને અંધાપો પણ આવી શકે છે. તેથી જો આંખમાં દારુખાનું જતું રહે છે, તો આંખને ચોળશો નહીં. જ્યાં સુધી દારુખાનું આંખની બહાર ના નીકળી જાય ત્યાં સુધી તેને ધોતા રહો. આટલું કરવા છતાં પણ જો તમારી આંખમાંથી બળતરા શાંત નથી થતી. તો તરત ડૉક્ટર પાસે જવું જોઈએ. સવાર થવાની રાહ ન જોવી જોઈએ.

પારદર્શક ચશ્મા આંખને આપશે રક્ષણ

ફટાકડા ફોડતી વખતે ઢીલા, લહેરાતા કપડા ન પહેરવા જોઈએ. કારણ કે આવા કપડાઓને કારણે ઘણીવાર આગ લાગતી હોય છે. ઘણા લોકો તારામંડળ સળગાવીને પોતાના મિત્રના માથા પર ગોળ ગોળ ફેરવતા હોય છે અથવા પોતાના ચહેરાની એકદમ સામે તારામંડળ(ફૂલઝડી) ગોળ ગોળ ફેરવતા હોય છે. પરંતુ આવું ન કરવું જોઈએ. કારણ કે આવું કરવાને કારણે પણ આંખમાં તળખો જવાની શક્યતાઓ રહેલી હોય છે. ફટાકડા ફોડતી વખતે એક પ્રોટેક્ટિવ આઈવિયર(પારદર્શક ચશ્મા)નો ઉપયોગ પણ કરવો જોઈએ.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…દિવાળી 2025 ક્યારે છેઃ ધનતેરસથી ભાઈબીજ સુધીના પર્વની તારીખો, લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિની માહિતી…



Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button