ઘરે ડ્રેગન ફ્રૂટનો છોડ ઉગાડવાની જાણી લો રીત, શરીર માટે ફાયદાકારક છે તેના ફળ

Dragon Fruit Kitchen Garden Tips: આજકાલ ઘણા લોકોમાં કિચન ગાર્ડનિંગનો શોખ વધી રહ્યો છે. લોકો હવે ફળ અને શાકભાજી પણ ઘરે કિચન ગાર્ડનમાં ઉગાડી રહ્યા છે. તમને એ જાણીને નવાઈ થશે કે, ડ્રેગન ફ્રૂટને પણ તમે કિચન ગાર્ડનમાં ઉગાડી શકો છો. ડ્રેગન ફ્રૂટનો છોડ ઉગાડવો ખૂબ જ સરળ છે. કિચન ગાર્ડનમાં ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ઉગાડવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આવો જાણીએ.
ઘરે કેવી રીતે ઉછેરશો ડ્રેગન ફ્રૂટ
જે કુંડામાં તમે ડ્રેગન ફ્રૂટનો છોડ ઉછેરવા ઇચ્છો છો, તે કૂંડુ ઓછામાં ઓછું 12-16 ઇંચ વ્યાસનું હોવું જોઈએ અને તેમાં પાણીના સારા ડ્રેનેજની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી પાણી ભરાઈ ન રહે. સારી ગુણવત્તાવાળી માટી લેવી. માટી તૈયાર કરવા માટે રેતી, પર્લાઇટ અને પોટિંગ મિશ્રણ સમાન ભાગમાં ભેગા કરીને તૈયાર કરો.
આપણ વાચો: હવે પીળા ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં
ડ્રેગન ફ્રૂટના છોડને દરરોજ ઓછામાં ઓછા 6 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જો છાંયડો હોય, તો વૃદ્ધિ માટે ગ્રો લાઇટનો ઉપયોગ કરી શકાય. આ છોડ માટે 18°C થી 30°C વચ્ચેનું તાપમાન શ્રેષ્ઠ છે. જો ઠંડુ હવામાન હોય, તો છોડને ઘરની અંદર ખસેડવો અથવા હીટરનો ઉપયોગ કરવો જરૂરી છે.
છોડને અઠવાડિયામાં માત્ર એક જ વાર પાણી આપો, પણ ત્યારે જ જ્યારે માટી પૂરતી સૂકી હોય. વધુ પાણી આપવાથી મૂળ બળી શકે છે. છોડની લાંબી ડાળીઓ કાપી નાખો (છટણી કરો), જેથી નાની ડાળીઓ સારી રીતે ઉગી શકે અને ફળ વધુ આવે છે.
જો આ છોડને કાપવા (કટીંગ) અથવા બીજમાંથી ઉગાડવામાં આવે, તો તે સામાન્ય રીતે 1-2 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દે છે. ફળ ત્યારે તૈયાર થાય છે જ્યારે તેની છાલ ગુલાબી, લાલ અથવા પીળી થઈ જાય છે અને દબાવવાથી થોડી નરમ લાગે છે.
આપણ વાચો: Dragon fruitનું હબ બની રહ્યું છે Gujarat : આ વર્ષે કચ્છમાં 4300 ટન ઉત્પાદન!
ડ્રેગન ફ્રૂટના સ્વાસ્થ્ય લાભ
ડ્રેગન ફ્રૂટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ અસરકારક છે, જેના કારણે શરીર રોગો સામે લડવા માટે વધુ સક્ષમ બને છે. ન્યુટ્રિશનિસ્ટ્સ ખાસ કરીને તે લોકોને આ ફળ ખાવાની સલાહ આપે છે, જેમના શરીરમાં શ્વેત રક્તકણો (WBC) ની સંખ્યા ઘટી ગઈ હોય. WBCs રોગપ્રતિકારક તંત્રનો મહત્વનો ભાગ છે.
આ ફળ વાયરલ રોગો, તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, કમળો અને અન્ય તમામ રોગો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન A, વિટામિન C અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરના પોષણ માટે જરૂરી છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
 
 
 
 


