હવે પીળા ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં
સાંગલી અને સોલાપુરના ખેડૂતનો નવતર પ્રયોગ
પુણે: શું તમે ક્યારેય પીળા ડ્રેગન ફ્રૂટ જોયા છે? અત્યાર સુધી મુખ્યત્વે લાલ ડ્રેગન બજારમાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત સાંગલી જિલ્લાના જત તાલુકામાંથી ગુલટેકડીના છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડમાં પીળા ડ્રેગન ફ્રૂટની પ્રથમ આવક થઈ છે. ખાટા, ખારા અને થોડા મીઠા સ્વાદ સાથે આ ફળ ઇઝરાયલ ડ્રેગન ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે.
જત તાલુકાના ઉટગી ગામના ખેડૂત ઉમેશ લિગાડેનો ૨૪૮ કિલો માલ રવિવારે અડતે રાવસાહેબ કુંજીરના ગાળા પર આવ્યો હતો અને તેને ૩૮ હજાર રૂપિયાનો દર મળ્યો. લિગાડેએ અડધા એકર વિસ્તારમાં પીળા ડ્રેગનનું વાવેતર કર્યું છે. તેણે ૨૦૧૪માં પહેલીવાર રેડ ડ્રેગનની ખેતી કરી હતી અને તેમાં વિવિધ પ્રયોગો કર્યા. ૨૦૨૧માં, પીળા ડ્રેગનના બે હજાર રોપાઓ વાવવામાં આવ્યા હતા. તેનું ઉત્પાદન હવે શરૂ થઈ ગયું છે. પીળા ડ્રેગનમાં લાલ ડ્રેગન કરતાં વધુ ટકાઉપણું હોય છે. આ ફળનો માવો સફેદ હોય છે. સાંગલીની સાથે મહારાષ્ટ્રમાં સોલાપુરના એક ખેડૂતે પણ આ ફળની ખેતી કરી છે.
લાલ ડ્રેગનની સરખામણીમાં આ ફળ સ્વાદિષ્ટ હોવાથી તેની સારી માગ છે અને તેની કિંમત પણ સારી છે.
ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે
ડ્રેગન ફ્રૂટ ઘણા રોગો અને ત્વચા માટે સારું કામ કરે છે અને રાજ્યના ખેડૂતો તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે. અમેરિકાના રણમાંથી આવતા આ ફળની હવે રાજ્ય સહિત દેશના ઘણા ભાગોમાં ખેતી થાય છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ૧ લાખ ૬૦ હજાર હેક્ટરની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સબસિડી મેળવવા માગતા હોય તો તેમણે મહાડીબીટી ઑનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે.