બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત

ભારતમાં પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે, આ બુલેટ ટ્રેનને લઈને લોકોમાં ગજબનું ઉત્સુક્તા જોવા મળી રહી છે. બુલેટ ટ્રેન ક્યારથી દોડતી થશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, આ માટે બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પહેલી બુલેટ ટ્રેન વર્ષ 2026માં તૈયાર થઈ જશે અને સુરતથી એક સેક્શનમાં ચાલશે. રેલ મંત્રીએ કહ્યું કે- સ્ટેશનોના નિર્માણમાં મહત્વપૂર્ણ પ્રોગ્રેસ થઈ છે. આ સાથે જ સમુદ્ર સુરંગ પર પણ કામ શરુ થઈ ગયું છે. બુલેટ ટ્રેન આ ટનલ થકી થાણેથી મુંબઈ પહોંચશે. રેલવે પ્રધાને કહ્યું હતું કે- બુલેટ ટ્રેન શરુ થયા બાદ મુંબઈ, થાણે, વાપી, વડોદરા, સુરત, આણંદ અને અમદાવાદની ઈકોનોમી એક થઈ જશે.
આપણ વાંચો: અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે દોડશે બુલેટ ટ્રેન? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ
તેમણે વધુમાં જણાવ્યું કે- આ રુટ પર બુલેટ ટ્રેન શરુ થયા બાદ તમે સુરતમાં સવારનો નાશ્તો કરીને મુંબઈ જઈને કામ કરી શકશો અને રાત્રે ફરી સુરત પોતાના પરિવાર પાસે આવી શકો છે. સવાર 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં આ રુટ પર બુલેટ ટ્રેનના કુલ 70 ચક્કર લાગશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર કામ નવેમ્બર 2021માં સ્ટાર્ટ થઈ ગયું હતું. શરુઆતમાં 1 કિલોમીટરના વાયડક્ટનું કામ 6 મહિનામાં પુરુ થયું હતું. જે બાદ એપ્રિલ 2023 સુધી 50 કિલોમીટરનું કામ પુરુ થઈ ગયું છે.
એક કાર્યક્રમમાં બુલેટ ટ્રેનના ભાડાને લઈને સવાલ કરવા પર રેલવે પ્રધાને કહ્યું હતું કે વિશ્વમાં જ્યાં પણ બુલેટ ટ્રેન ચાલી રહી છે, ત્યાં 90 ટકા લોકો લાંબા અંતરની યાત્રા માટે બુલેટ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યાં છે. જેનો અર્થ છે કે બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઈટના ભાડાથી સસ્તું હશે. એક રિપોર્ટ મુજબ મુંબઈથી અમદાવાદ સુધીનું બુલેટ ટ્રેનનું ભાડું લગભગ 3 હજાર રુપિયા હોઈ શકે છે.
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1.08 લાખ કરોડ રુપિયા છે, જેમાંથી 10 હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર 5 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરશે. બાકીની રકમની ફંડિંગ જાપાનથી લોન લઈને થઈ રહી છે, જેનું વ્યાજ 0.1 ટકા છે.