પાણીની ઉણપથી શરીરમાં થાય છે ગંભીર સમસ્યાઓ: જાણો દરરોજ કેટલું પાણી પીવું જોઈએ

Water deficiency problems: આપણું શરીર અંદાજે 70 ટકા પાણીનું બનેલું છે, જે દર્શાવે છે કે પાણી એ માત્ર તરસ છીપાવવાનું સાધન નથી, પરંતુ જીવનનો આધાર છે. તેથી દિવસમાં સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. ઘણી વખત ડૉક્ટર પણ વધારે પાણી પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં ખાવા-પીવાનો કોઈ નિશ્ચિત સમય રહ્યો નથી. જેની લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. પૂરતું પાણી ન પીવાની આદત અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.
ઓછું પાણી પીવાથી શું થાય?
ઘેરા પીળા રંગનો પેશાબ એ શરીરમાં પાણીની ઉણપની મુખ્ય નિશાની છે. ઓછું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. આવા સંજોગોમાં મોંમાં લાળ ઓછી બને છે, પરિણામે બેક્ટેરિયા વધે છે અને શ્વાસમાંથી દુર્ગંધ આવવા લાગે છે. પાણી વાળના મૂળ અને ખોપરી ઉપરની ચામડી (Scalp) ને પોષણ આપે છે. પાણીની અછતથી સ્કેલ્પ સૂકું પડે છે, જેનાથી વાળ નબળા થઈને ખરવા લાગે છે.
અપૂરતું પાણી પીવાથી રક્ત પરિભ્રમણ પર માઠી અસર થાય છે. આનાથી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી શકે છે, જે નબળાઈ અને એનિમિયા (પાંડુરોગ) જેવી સ્થિતિ સર્જે છે. ડિહાઇડ્રેશનના કારણે સીધી મગજ પર અસર પડે છે. આવા સંજોગોમાં વારંવાર માથામાં દુખાવો, ચીડિયાપણું, માનસિક તણાવ અને ચિંતા (Anxiety) અનુભવાય છે. જ્યારે શરીરમાં પાણી ઘટવાથી એનર્જી લેવલ પણ ઘટવા લાગે છે. પરિણામે વ્યક્તિ સતત થાક અને આળસ અનુભવે છે.
દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?
પાણીની કમીથી ત્વચાના કોષો સૂકાઈ જાય છે. પરિણામે લાંબા ગાળે ત્વચા નિસ્તેજ બને છે અને ચહેરા પર સમય કરતાં વહેલી કરચલીઓ દેખાવા લાગે છે. આવી સમસ્યાઓથી બચવા માટે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારે ઉઠીને ખાલી પેટે 1-2 ગ્લાસ હૂંફાળું પાણી પીવું ઉત્તમ છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)



