ચોમાસું માત્ર રોમાન્સની ઋતુ નથી, રોગની ઋતુ પણ છે, આ ટીપ્સ અપનાવો અને તાજામાજા રહો

Monsoon health care: ઘણા લોકોને ચોમાસુ બહું ગમે છે. ચોમાસાના વરસાદમાં ન્હાવા માટે તેઓ તલપાપડ થતા હોય છે. જોકે, વરસાદમાં વધારે પ્રમાણમાં ન્હાવાથી શરદી-ખાંસી જેવી વાયરલ બીમારી પણ થઈ શકે છે. આ સિવાય મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવા ચોમાસાજન્ય રોગો પણ જોવા મળતા હોય છે. જો અગાઉ જણાવેલી કોઈ બીમારી કે રોગ ન થાય, તો ઘણા લોકોને અવારનવાર પેટ ખરાબ થવાની સમસ્યા જોવા મળે છે. જેનું કારણ ચોમાસા દરમિયાન ખવાતો ખોરાક છે.
ચોમાસામાં સ્ટ્રીટ ફૂડ બગાડશે સ્વાસ્થ
ચોમાસુ આવે અને પહેલો વરસાદ પડે એટલે લોકો ભજીયા, દાલવડા કે સમોસાની જ્યાફત ઉડાવતા હોય છે. પરંતુ ચોમાસામાં તળેલો ખોરાક ખાવાથી પેટ ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે ચોમાસામાં પાચનક્રિયા ધીમી પડી જાય છે. એવા સંજોગોમાં ભજીયા, દાલવડા કે સમોસા જેવો ભારે અને તેલવાળો ખોરાક પચાવવામાં જઠર તથા આંતરડાને તકલીફ પડે છે. તેથી ચોમાસા દરમિયાન પાચનક્રિયા પર આડઅસર ન પડે તેવો પ્રયાસો કરવા જોઈએ.

ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે જે રીતે ઘરની આસપાસની ગંદકી અને કચરો દૂર કરવો જરૂરી છે. એ જ રીતે શરીર અને ખાસ કરીને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પણ સ્વચ્છતાનું મહત્ત્વ છે. આપણા પેટમાં અરબોની સંખ્યામાં એવા બેક્ટેરિયા હોય છે, જે પાચનતંત્રમાં પોષક તત્વોનું શોષણ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. પરંતુ ચોમાસા દરમિયાન દુષિત પાણી અને સ્ટ્રીટ ફૂડનું સેવન આંતરડાનું સ્વાસ્થ્ય બગાડે છે. કારણ કે, સ્ટ્રીટ ફૂડમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી. તેથી ચોમાસામાં સ્ટ્રીટ ફૂડનું સેવન બંધ કરી દેવું જોઈએ.

ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જે બેક્ટેરિયા અને ફૂગના વિકાસને પ્રોત્સાહન આપે છે. જેથી નબળી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો જલ્દી કોઈપણ ચોમાસાજન્ય બીમારીનો શિકાર બની જાય છે.
ઘરેલુ ખોરાક એ એકમાત્ર ચોમાસામાં સ્વસ્થ રહેવાનો ઉપાય છે. આ ઋતુમાં કાચા નહીં પરંતુ બાફેલા શાકભાજી ખાવા જોઈએ. કાચા શાકભાજીમાં બેક્ટેરિયાના સંક્રમણનું જોખમ રહે છે. આ ઋતુમાં ટેસ્ટી-ચટાકેદાર સ્ટ્રીટ ફડ ખાવાનું ઘણું મન થાય છે, પરંતુ તેમાં બેક્ટેરિયા અને પરજીવીઓ ભરપૂર માત્રામાં હોય છે. તેથી સ્ટ્રીટ ફૂડને બદલે ઘરે બનેલી ઊની ઊની રોટલી અને કારેલાનું શાક સૌથી સારો ખોરાક છે.
