શું તમે જાણો છો બાળકને અલગ રૂમમાં સુવાડવા માટેની યોગ્ય ઉંમર કઈ હોઈ છે?

ઘણા માતા-પિતાના મનમાં એક સામાન્ય સવાલ હોય છે કે બાળકને માતા-પિતાના રૂમથી અલગ કરીને તેના પોતાના રૂમમાં ક્યારે સુવાડવું જોઈએ? શું આ માટે કોઈ ચોક્કસ નિયમ કે યોગ્ય ઉંમર નક્કી છે? આજે આપણે આ જટીલ પ્રશ્નનો સરળ જવાબ જાણવાનો પ્રયાસ કરીશું, આ મામલે નિષ્ણાંતો કહે છે કે, બાળકને ક્યાં સુધી માતા-પિતા સાથે સુવાડવું, તેના માટે કોઈ નિયત નિયમ કે નિશ્ચિત ઉંમર નથી. દરેક બાળક અનન્ય હોય છે અને તેમની જરૂરિયાતો પણ અલગ-અલગ હોય છે. જોકે, નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી કેટલીક સામાન્ય માર્ગદર્શિકાઓ માતા-પિતાને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.
બાળરોગ નિષ્ણાત અનુસાર, બાળકની ઉંમર પ્રમાણે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે, જેમ કે, 1 વર્ષની ઉંમરે બાળકને સૌથી વધુ સુરક્ષા અને દેખરેખની જરૂર હોય છે. તેથી, એક વર્ષ સુધી બાળકને માતા-પિતા સાથે એક જ રૂમમાં સુવાડવું જોઈએ, જેથી રાત્રે તેનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકાય. જ્યારે 1 થી 3 વર્ષની વયજૂથના બાળકો ભાવનાત્મક રીતે માતા-પિતા સાથે ખૂબ જ જોડાયેલા હોય છે. તેમને રાત્રે ડર લાગી શકે છે અથવા તેઓ જાગી શકે છે. આવા સમયે માતા-પિતાની હાજરી તેમને હૂંફ અને આશ્વાસન આપે છે. આથી, આ ઉંમરમાં પણ બાળકને માતા-પિતાના રૂમમાં જ સુવાડવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે 3 થી 6 વર્ષની ઉંમરમાં થોડા ઘણા બદલાવ માટે બાળકને ધીમે ધીમે તૈયાર કરવું જરૂરી છે.
નિષ્ણાંતો પ્રમાણે 3 થી 6 વર્ષની ઉંમર સંક્રમણકાળની હોય છે. આ સમયગાળા દરમિયાન બાળકો ધીમે ધીમે તેમની ઓળખ અને પ્રાઈવેટ સ્પેશ વિશે સમજવાનું શરૂ કરે છે. આ એ સમય છે જ્યારે માતા-પિતાએ બાળક સાથે પ્રેમથી વાત કરીને તેને પોતાના માટે અલગ બેડ અથવા રૂમ માટે તૈયાર કરવાનું શરૂ કરવું જોઈએ. જોકે, આ બદલાવ કોઈપણ પ્રકારના દબાણ વિના, ખૂબ જ ધીરે ધીરે અને આરામદાયક રીતે થવો જોઈએ.
નિષ્ણાત ડૉક્ટરના મતે, જો બાળક માનસિક રીતે તૈયાર હોય અને માતા-પિતા પણ આ બાબતે સહજ હોય, તો છ વર્ષની ઉંમર પછી બાળકને અલગ રૂમમાં સુવાડવું સંપૂર્ણપણે યોગ્ય છે. આ ઉંમર સમજણ અને આત્મનિર્ભરતા (Independence) વિકસાવવામાં મદદ કરે છે. જોકે, અહીં એ વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે દરેક બાળકની પ્રકૃતિ અલગ હોય છે. તેથી, ફક્ત સામાજિક દબાણમાં આવીને કે અન્યના દેખાદેખીમાં કોઈ નિર્ણય ન લેવો.
ડૉક્ટર ભારપૂર્વક જણાવે છે કે, કોઈપણ ઉંમરે બાળક પર અલગ સુવા માટે દબાણ કરવું યોગ્ય નથી. અલગ સુવાની પ્રક્રિયા એક કુદરતી અને આરામદાયક પગલું હોવું જોઈએ, મજબૂરી નહીં. જો બાળક ગભરાયેલું હોય, વારંવાર રડતું હોય કે માતા-પિતા પાસે ભાગીને આવતું હોય, તો તેને વધુ સમય આપવો જોઈએ. ટૂંકમાં, બાળકને અલગ ક્યારે સુવાડવું, તે નિર્ણય માતા-પિતા અને બાળક બંનેની સગવડતા અને લાગણીઓને ધ્યાનમાં રાખીને જ લેવો જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલ સલાહ સહિત, ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.
આપણ વાંચો: શિયાળામાં કાચી હળદરના જાદુઈ ફાયદા: શરદી-ઉધરસ ભગાડવાના અજમાવો ઘરેલુ ઉપાયો…



