સ્પેશિયલ ફિચર્સ
Health First: જે તીખી તજ તમે દાળ-શાકમાં મસાલા તરીકે વાપરો છો તેનો આ ઉપયોગ ખબર છે?

રસોઈ માટે વપરાતા મસાલામાં તજ ઘણી મહત્વની છે. તજના સેવનથી સ્વાથ્યને પણ ઘણા લાભ થાય છે. ઘણા લોકો મોઢામાં તજ ચાવતા રહેવાનું પણ પસંદ કરે છે. આ તજના આજે એક અલગ હેતુ માટે થતા ઉપયોગ વિશે અમે તમને જણાવશું. નાના-મોટા સૌને આજકાલ વાળ ખરવાની સમસ્યા ખૂબ સતાવે છે ત્યારે તજ વાળની સંભાળ માટે વાપરવામાં આવે છે. ખરતા વાળ અટકાવવા અને વાળને સુવાળા તેમ જ ચમકતા રાખવા માટે વિવિધ પ્રોડક્ટ્સમાં તજનો ઉપયોગ થાય છે, પરંતુ તેની સાથે કેમિકલ્સ પણ હોય છે. આથી અમે તમને ઘરે જ તજનો ઉપયોગ કરી વાળની સંભાળ કઈ રીતે લેવી તે વિશે જણાવીશું.
વાળ પર તજ લગાડવાના આ અલગ અલગ પ્રયોગો તમે કરી શકો છો.
- તજનું તેલ લગાડવું
તમે નાળિયર કે ઓલિવ ઓઈલમાં તજ નાખી તેને ઉકાળી લો અને પછી તેને હલકા હાથે વાળ પર લગાડી મસાજ કરો. મસાજ સાવ જ ઓછું કરજો. તે બાદ 20-25 મિનિટ માટે વાળ એમ જ રહેવા દો અને ત્યારબાદ વાળને શેમ્પૂ કે અરીઠાથી ધોઈ નાખો. આ પ્રયોગ અમુક સમય સુધી કરવાથી પરિણામ આવશે. - તજ અને મધનું મિશ્રણ કરી વાળ પર લગાવો
તમે તજ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. તજના પાવડરને મધમાં ભેળવીને પેસ્ટ બનાવો. પેસ્ટને રૂ કે કોટન કપડાની મદદથી સ્કેલ્પ પર લગાવો. તેને 15-30 મિનિટ માટે રહેવા દો અને તે બાદ ધોઈ નાખો. - તજની ચા બનાવો ને વાળ ધૂઓ
તમારે બે-ચાર મોટા તજના ટૂકા લેવાના છે અને એકાદ મોટો ગ્લાસ પાણી લઈ તેમાં તે ઉકાળવાના છે. પાણી ઉકળી જાય તે બાદ તેને ઠરવા દો. ઠંડા પાણીને વાળમાં રેડો અને થોડાવાર માટે રાખો. તે બાદ વાળ રાબેતા મુજબ શેમ્પૂથી સાફ કરો.
એ વાત ખરી કે સારી ગુણવત્તાવાળા તજ મોંઘા આવે છે, આથી આ પ્રયોગો થોડા મોંઘા સાબિત થઈ શકે, છતાં કેમિકલ્સવાળી બ્યૂટી પ્રોડક્ટસ કરતા સસ્તા અને ફાયદાકારક નિવડી શકે છે. આ નુસખાઓ અમારા નિષ્ણાતોના સૂચવેલા છે. આપ આ પ્રયોગો ઘરે કરતા પહેલા તમારા નિષ્ણાતોની સલાહ લો તે હિતાવહ છે.