સ્પેશિયલ ફિચર્સ

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે સજાવટ કેવી રીતે કરશો, જાણી લો આ ટિપ્સ

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ અવસર પર અનેક ઘરમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ભગવાન ગણેશને ઘરે લાવતા પહેલા લોકો ઘણી તૈયારીઓ કરે છે.

આજે અમે તમારી સાથે ખૂબ જ સરળ અને સુંદર ડેકોરેશન આઈડિયા શેર કરી રહ્યા છીએ, તેમાં ઈકો ફ્રેન્ડલી, કલરફુલ પેપર, કલર ફુલ લાઈટ, બલૂન ડેકોરેશનનો સમાવેશ થાય છે. તમે આમાંથી કોઈપણ રીતે ગણપતિ બાપ્પાના સ્વાગત માટે ઘરની સજાવટ કરી શકો છો.

ફૂલોની સજાવટ

કોઈ પણ ઉત્સવ ફૂલો વિના પૂર્ણ થતો નથી. ગણેશ ચતુર્થી માટે ઘરને તાજા ફૂલોથી સજાવી શકાય છે. આ માટે, કાપડના પડદાને બદલે, તમે ગલગોટાના તાજા ફૂલોની હાર બનાવી શકો છો અને તેને પડદા તરીકે લટકાવી શકો છો. તમે ભગવાન ગણેશની જગ્યાને ફૂલોથી અને પાંદડાઓથી સજાવી શકો છો.

તમે મોગરા, ગુલાબ, ચમેલી અથવા અન્ય સુગંધિત ફૂલોનો ઉપયોગ કરી શકો છો અને રંગોળી પણ બનાવી શકો છો. તાજા ફૂલો પણ ઘરમાં કુદરતી સુગંધ ઉમેરશે. તમે કેળાના પાન અથવા કેરીના પાન લઈ શકો છો કે પાંદડાની મદદથી મંદિર માટે કમાન બનાવી શકો છો. તમે લીલા ઘાસનો ઉપયોગ કરીને પણ કંઇક અનોખી સજાવટ કરી શકો છો.

આ પણ વાંચો: સિદ્ધિવિનાયક મંદિરનું બ્યુટિફિકેશન ગણેશ ચતુર્થીથી શરૂ કરો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

આ સિવાય કૂંડા અને છોડનો ઉપયોગ કરીને પણ કુદરતી રીતે સુંદર સજાવટ કરી શકાય છે. આનાથી ઘર પણ કલરફૂલ લાગશે. દિવાલો અને દરવાજા પર ફૂલોની માળા લટકાવી શકાય છે. ભગવાનની પૂજાની થાળી કે આરતીની થાળીને પણ તમે ટગરની કળીઓ અને રંગીન લોટની મદદથી અનોખી રીતે સજાવી શકો છો.

રંગીન કાગળોથી સજાવટ

ગણેશ ચતુર્થી પર તમે રંગબેરંગી કાગળના પંખા, ફૂલો, પાંદડા, તોરણ વગેરે બનાવીને પણ સજાવટ કરી શકો છો. તમે રંગીન કાગળોથી ફૂલો, પતંગિયા, વૉલ હેંગિગ્સ વગેરે બનાવીને સજાવટ કરી શકો છો.

રંગીન કાગળોમાંથી બનાવેલા ફાનસ, કાગળના ફૂલો અને કાગળના તોરણનો ઉપયોગ કરીને તમારા ઘરને વધુ સુંદર બનાવી શકો છો. આ ડેકોરેશન બાળકો માટે પણ આકર્ષક છે અને તેને બનાવવું પણ સરળ છે. બજારમાં ઉપલબ્ધ ડેકોરેટિવ કમાન કે ડેકોરેટિવ મટિરિયલ્સ લાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

બલુનથી સજાવટ

ઘરની સજાવટ માટે રંગીન કાગળ ઉપરાંત ફુગ્ગાનો પણ ઉપયોગ કરી શકાય છે. તમે ઘરમાં રંગીન ગેસના ફુગ્ગા લગાવી શકો છો. પરંતુ તેમને ગણેશજીની મૂર્તિથી થોડું દૂર રાખવું વધુ સારું રહેશે. રંગીન કાગળોની મદદથી, પતંગિયા, ફૂલો બનાવો અને ઘરને સજાવો. તમારા બાળકોને પણ આ કામમાં ખૂબ મજા આવશે.

આ પણ વાંચો: ભાઈજાને ગણેશ ચતુર્થીના દિવસે કોના ઘરે કરી આરતી

ઘરની સજાવટને વધુ ભવ્ય બનાવવા માટે તમે ખાસ કુશન કવર અને પડદાનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને તમે ભગવાન ગણેશની પ્રિન્ટવાળા કવર અને પડદાનો ઉપયોગ કરી શકો છો. તે તમારા લિવિંગ રૂમ અથવા પૂજા સ્થળને નવો અને તાજગીભર્યો દેખાવ આપશે. તમે પૂજા થાળીને રંગબેરંગી કપડાં અને અન્ય સુશોભન સામગ્રીથી સજાવી શકો છો. થાળીમાં ચંદન, કપૂર, અક્ષત અને મીઠાઈને સુંદર રીતે સજાવીને રાખો.

રંગબેરંગી લાઇટિંગનો શણગાર

ગણપતિ બાપ્પાના ડેકોરેશન માટે મૂર્તિની આસપાસ રંગીન લાઇટથી અદભૂત વાતાવરણ સર્જી શકો છો. રંગીન લાઈટોને બારીઓ, દરવાજા અથવા પૂજા વિસ્તારની આસપાસ લટકાવી શકાય છે. આ સાથે ચમકતા કાગળના રંગબેરંગી તોરણ લગાવીને પણ ડેકોરેશન કરી શકાય છે. તમે તેજસ્વી ડિસ્કો લાઇટિંગથી ઘરને સજાવટ કરી શકો છો.

આ ઉપરાંત તમે રંગબેરંગી તાર, તારા અને ચમકીલા પેપરની મદદથી ઘરે પ્લાસ્ટિક અથવા સ્ટીલની પ્લેટને સજાવી શકો છો. તમે આ ડિઝાઈનર પ્લેટોને તમારી પસંદગીનો આકાર આપીને દિવાલ પર સજાવી શકો છો. તમે પૂજા થાળી અને પ્રસાદની થાળી પણ સજાવી શકો છો.

તમારી પાસે જૂની અને પરંપરાગત સાડીઓ અને દુપટ્ટા હોય તો એને પડદા તરીકે ભગવાનની મૂર્તિની પાછળ લગાવી આગળ ફૂલોના તોરણ કે રંગબેરંગી લાઇટથી સજાવીને પણ સજાવટ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા ઘરને લેમ્પ્સ અને સુગંધિત મીણબત્તીઓ, દિવાઓથી સજાવી શકો છો. દરેક દિવાની આસપાસ ફૂલ કે રંગોળીના રંગોની મદદથી નાની રંગોળી બનાવીને સજાવટ કરી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button