રાત્રે વારંવાર પેશાબ કરવા ઊભા થવું પડે છે? આ બે સરળ ઉપાય અજમાવો, તમારી ઊંઘમાં ખલેલ નહીં પડે

Urinary Problems Remedy: સારા સ્વાસ્થ્ય માટે સારી અને ઊંડી ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે સારી ઊંઘ વ્યક્તિને બીજા દિવસે સક્રિય અને ઉર્જાવાન રાખે છે. જોકે, ઘણા લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઊંઘમાંથી જાગવું પડે છે. જેથી ઊંઘમાં ખલેલ પડે છે અને પછી જલ્દી ઊંઘ આવતી નથી. પરિણામે આવા લોકો બીજા દિવસે થાક અને ચીડિયાપણું અનુભવે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, ચિંતા કરશો નહીં. અમે તમારી માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. એવા બે ઘરેલું ઉપાય છે, જે તમને આ સમસ્યાથી છૂટકારો અપાવશે.

બપોરની આ ટેવ આપશે સારી ઊંઘ
લોકો ઘણીવાર રાત્રે ઊંઘમાંથી પેશાબ કરવા ઊભા ન થવું પડે તે માટે પાણી ઓછું પીવે છે. પરંતુ આવું કરવાને બદલે તમે પાણી પીવાના સમયમાં ફેરફાર કરી શકો છો. આખા દિવસના 75 ટકા પાણી સહિતના પ્રવાહી પદાર્થોનું સેવન તમારે બપોર સુધીમાં પૂરું કરી દેવું જોઈએ. સૂવા જાત તેના ઓછામાં ઓછા બે કલાક પહેલાં વધુ પડતું પાણી, ચા, કોફી, આલ્કોહોલ કે ઠંડા પીણાં પીવાનું ટાળવું જોઈએ. આનાથી મૂત્રાશય પરનું દબાણ ઘટશે અને તમારી ઊંઘમાં ખલેલ પડશે નહીં.
સૂતા પહેલા કરો આ કામ
સૂવા માટે પથારીમાં જાવ તેની લગભગ 90 મિનિટ પહેલા 20 થી 30 મિનિટ સુધી ત્રણ ગાદલા પર પગ ઊંચા રાખીને સૂઈ જાઓ. દિવસ દરમિયાન ઊભા રહેવાથી કે બેસી રહેવાથી ઘણીવાર પગમાં પાણી જમા થઈ જાય છે, જે ઉંમર વધતા વધુ ગંભીર બને છે. પગ ઊંચા રાખવાથી આ પાણી લોહીના પ્રવાહમાં પાછું ફરે છે, જેનાથી કિડની તેને ફિલ્ટર કરી શકે છે. આનાથી રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યા ઓછી થાય છે. જોકે, જો તમને લોહી ગંઠાવાનું, હૃદય રોગ અથવા લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ હોય, તો આ ટિપ અજમાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ઉપરોક્ત બે ઉપાયો માટે વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. તેથી આ સરળ ટિપ્સ અપનાવીને તમે રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકશો. જેનાથી તમે બીજા દિવસે પોતાની જાતને વધુ સક્રિય અને ઉર્જાવાન અનુભવી શકો છો.
આ પણ વાંચો…પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે, આ 5 ટિપ્સ આપશે અસરકારક પરિણામ