ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ઈકો-સ્પેશિયલ : નિયમન સંસ્થાઓએ વધુ સતર્ક, સક્રિય ને સરળ બનવું પડશે

-જયેશ ચિતલિયા
આર્થિક કૌભાંડ થાય ત્યારે બૅંકો પ્રત્યે રિઝર્વ બૅંક અને શૅરબજાર સહિત સંબંધિત કંપનીઓ તરફ ‘સેબી’ કડક વલણ અપનાવી રહ્યા છે એ એક સારી નિશાની છે

હાલમાં દેશમાં જેનો વાયરો ઝડપથી વાયો છે એ વિશ્ર્વ વિખ્યાત મ્યુઝિક બેન્ડ ‘કોલ્ડ પ્લે’ના ટિકિટોના અસાધારણ ઊંચા ભાવોને જોઈ ‘બુક માય શો’ના ચીફને ‘ઈડી’ (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) તરફથી નોટિસ મારફત સવાલો થયાના અહેવાલ છે. આ કેસમાં ટિકિટના ઊંચા ભાવો માટે ચોકકસ ગેરરીતિ જવાબદાર હોવાની શંકા પણ વ્યકત થઈ હતી. કોઈપણ નાણાંકીય વ્યવહારોમાં યા કોઈપણ ચીજવસ્તુ અને સર્વિસના દામ ઊંચા જવામાં અતિરેક થાય ત્યારે કોઈ શંકા ઊઠવી સહજ છે. આપણે અહીં આ મ્યુઝિક બેન્ડની ચર્ચા કરવી નથી, પરતું હાલમાં આર્થિક વ્યવહારોમાં જયાં-જ્યાં અતિરેક થાય છે ત્યાં નિયમન સંસ્થાઓ તરત સક્રિય થઈને એકશન લે છે તેની વાત કરવી છે. ‘સેબી’ અને ‘આરબીઆઈ’ તેના બે મુખ્ય ઉદાહરણ છે. નિયમન સંસ્થાઓના બદલાતા અભિગમ દેશના વિવિધ નિયમન તંત્રોના અભિગમ બદલાઈ રહ્યાં છે. એક તરફ બિઝનેસ સરળ બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે તો બીજીતરફ કડક નિયમ પાલનનું કાર્ય પણ થઈ રહ્યું છે. અલબત્ત, બંનેનું આગવું મહત્ત્વ છે. શેરબજારમાં ‘એફ એન્ડ ઓ’ (ફયુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ)માં સટ્ટાના અતિરેક, નાના ટ્રેડર્સ દ્વારા થતી જંગી ખોટ અને ફેલાતી જુગારી માનસિકતા વિશે નિયમન સંસ્થા સેબી’એ સતત ચેતવણી આપ્યા બાદ ચોકકસ નિયંત્રણાત્મક પગલાં પણ જાહેર કર્યા છે, ‘સેબી’એ સમય સાથે ઘણાં સુધારા કરી માર્કેટના વ્યવહારોને સરળ પણ બનાવ્યા છે. આવું જ કાર્ય રિઝર્વ બેંકે બેંકો અને ગ્રાહકો માટે વ્યવહારો સરળ બનાવીને કર્યુ છે, જેમાં ટેકનોલોજીનો પણ બહુ સહયોગ મળ્યો છે.

ગોલ્ડ લોન સામે પ્રશ્નાર્થ
તાજેતરમાં ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા’ ગોલ્ડ સામે કરાતા ધિરાણના અતિરેક સામે કડક અને લાલ આંખ કરી રહી છે. ગયા વરસના ઓગસ્ટમાં બેંકોએ સોના (ગોલ્ડ) સામે આપેલા ૨૦ ટકા ધિરાણની તુલનાએ આ વરસના ઓગસ્ટમાં ૪૧ ટકા (બમણું) ધિરાણ કર્યું છે. આમ એક જ વરસમાં આટલો ઉછાળો સવાલ તો ઊભા કરે એ સ્વાભાવિક છે. રિઝર્વ બેંકે ગોલ્ડ લોન સામે બેંકોને સવાલ કર્યા છે કે તેમાં બમણી વૃધ્ધિ કઈ રીતે થઈ? દાળમાં કંઈક કાળું છે કે કેમ એ તપાસ કરવા આરબીઆઈએ ચેતવણી આપી ઉપાયના પગલાં લેવા બેંકોને તાકીદ કરી છે. જો બેંકો એમ નહીં કરે તો રિઝર્વ બેંકની એકશન પાકી… કોઈપણ મોટો ઉછાળો કે ઘટાડો સવાલ ઊભા કરતો હોય છે, ખાસ કરીને ઉછાળો વધુ શંકા કરાવે છે. બેંકો દ્વારા અપાતી ગોલ્ડ લોનમાં ગેરરીતિના સંદેહ રિઝર્વ બેંકને મળ્યા છે. ખાસ કરીને સોનાના ઝવેરાત સામે અપાતા ધિરાણ બદલ સવાલ ઊઠ્યા છે. આ ધિરાણ સોનાના ઝવેરાત ગિરવી મૂકવા સામે અપાય છે, જયાં રિઝર્વ બેંકને બધું પીળુ સોનું લાગતું નથી. રિઝર્વ બેંકના મતે આ વ્યવહારોમાં પારદર્શકતાનો અભાવ છે.

આર્થિક વ્યવહારોમાં બેંકોની ભૂમિકા
કોઈપણ આર્થિક કૌભાંડ થાય યા ગેરરીતિ બહાર આવે ત્યારે તેમાં મહદઅંશે બેંકોની ભૂમિકા જોવા મળે છે. બેંક લોન કયારે બેડ લોન બની જાય તેને સમય લાગતો નથી. હર્ષદ મહેતા અને કેતન પારેખના કિસ્સામાં પણ સ્ટોકસના ભાવો સાથે અને સામે બેંકોના ધિરાણ મુખ્ય કારણ બન્યા હતા. નાણાંકીય વ્યવહારોની વાત આવે અને બેંકોની સામેલગીરી ન હોય એવું બહુ બને નહીં. બેંકોના નાણાં સાથે રમત કરવાનું કે ચેડાં કરવાનું લગભગ દરેકને માફક આવતું હોય છે. નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી કે એવા અનેકવિધ ‘ઉઠાવગીર’ સાહસિકોએ બેંકો સાથે દુ:સાહસ કર્યા જ છે અને આજે પણ બેફિકર વિદેશોમાં મજા કરે છે. ઈન શોર્ટ, બેંકો ઈઝી ટાર્ગેટ બનતી હોય છે યા તેને બનાવી શકાય છે. સાયબર ક્રાઈમમાં પણ બેંકો પર આક્રમણનો ભય સદા ઊભો હોય છે. આ ક્રાઈમ બેંકોના નામે થાય કે બેંકો સાથે થાય બેંકોના પૈસા પર નજર સૌની હોય છે, કારણ કે બેંકોના પૈસા એ પબ્લિકના હોય છે. અલબત્ત, ખાનગી બેંકો વધુ સખત અને સતર્ક રહે છે, જ્યારે કે જાહેર ક્ષેત્રની સરકારી બેંકો પ્રમાણમાં નબળી પુરવાર થાય છે. જોકે રિઝર્વ બેંકે છેલ્લા એક દાયકામાં તેમાં ઘણી સખતાઇ સાથે નિયંત્રણ હાંસલ કર્યુ છે.

બેંકોનાં નાણાં બાપુજીના?
એક હકીકત યાદ રાખવી જરૂરી છે કે બેંકોનાં નાણાં લેભાગુઓ માટે પોતાના બાપુજીના નાણાં જેવા હોય છે. કોને આપ્યા ને તમે રહી ગયા! બેંકોનાં નાણાં સસ્તા પણ પડતા હોય છે. જે આમાં સફળ થતા નથી તેઓ શેરબજારનો અર્થાત ઈકિવટીનો માર્ગ અપનાવે છે, કારણ કે ઈકિવટી પણ સસ્તી પડે છે. તાજેતરમાં ‘સેબી’એ આઈપીઓમાં ઊંચા ભાવો પડાવવામાં મદદ કરનાર મર્ચન્ટ બેન્કર્સને લાલ આંખ બતાવી અમુકને નોટિસ પણ ઈસ્યૂ કરી છે. લેભાગુ પ્રમોટર્સ આઈપીઓ લાવી અમુક વરસમાં ગાયબ થયા હોવાના કિસ્સા આપણા દેશમાં અનેક છે, ફાઈનાન્સના નામે અનેક લોકોને છેતરનાર કંપનીઓના કિસ્સા પણ ઓછાં નથી. બેંકોની બેલેન્સશીટ બહુ વરસોની મહેનત અને કડક કારવાઈ બાદ ચોખ્ખી થઈ રહી છે. અન્યથા એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટસ) કે બેડલોન્સના ભારથી તે સદા દબાયેલી રહેતી હતી. રાજકીય પક્ષોના લોન મેળા કંઈ કેટલાંય યોજાઈ ગયા અને બેંકોને લૂંટી ગયા, ખેડૂતોના નામે પણ બેંકોમાંથી કેટલીય વાર નાણાં રફુચકકર થઈ જતા હતા. હર્ષદ મહેતા વખતે શેરોના સતત ઉછળતા ભાવોએ પણ શંકા જગાવી ત્યારે સ્કેમ બહાર આવ્યું હતું. કેતન પારેખ વખતે પણ કંઈક આવું જ થયું હતું. શેરબજારમાં અત્યારે તો સ્કેમના કોઈ સંકેત નથી, પરંતુ સતત ઉછળતા ભાવો, સતત નવા વિક્રમ સર્જતા ઈન્ડેકસ અનેક સવાલ ચોકકસ ઊભા કરે એ સહજ છે. વર્તમાન તેજીની નકકરતા અને પોકળતા વિશે પણ શંકા અને ચર્ચા થતા હતા એની સામે માર્કેટ હાલ તો રિએકશનમાં કરેકશન પણ આપી રહ્યું છે. અસંખ્ય લોકો સમજણ વિના અત્યારે તો બેધડક બેફામ રોકાણ કરી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં તેમાંથી કેટલાં ડૂબ્યા હશે એ તો સમય જ કહેશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker