સોફામાં ધૂળ જામી ગઈ છે? દિવાળી પહેલા કેવી રીતે કરશો સફાઈ? આ ઘરેલુ ટિપ્સ કરાવશે પૈસાની બચત…

Diwali Sofa Cleaning Tips: દિવાળી આવતા જ ઘરની સફાઈનું કામ શરુ થઈ જાય છે. જોકે, આવા સમયે સોફાની સફાઈ સૌથી વધુ સમય માંગી લેતી હોય છે. ઘણા લોકો સોફાને ડ્રાય ક્લીન કરાવવા માટે સફાઈ કરતા પ્રોફેશનલ્સને બોલાવતા હોય છે, જેમાં ઘણો ખર્ચ થઈ જાય છે. જો તમે આ ખર્ચ ટાળવા માંગતા હો, તો અહીં એક સરળ અને અસરકારક ઘરેલું પદ્ધતિ આપવામાં આવી છે, જે તમારા સોફાને ચમકાવી દેશે.
સોફા સાફ કરવાની સરળ પદ્ધતિ
સૌ પ્રથમ, સોફાની સપાટી પરથી અને ખૂણાઓમાંથી પણ ધૂળ દૂર કરવા માટે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરો. ગાદલામાંથી પણ ધૂળ બરાબર હટાવી દો. વેક્યૂમ ન હોય તો સૂકા કપડા કે બ્રશનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાગ સોફા સાફ કરવા માટે લીંબુ અને શેમ્પૂનું મિશ્રણ તૈયાર કરવાનું રહેશે. આ મિશ્રણ તૈયાર કરવા એક બાઉલમાં પાણી લો. તેમાં હળવો શેમ્પૂ ઉમેરીને ફીણ બનાવો. છેલ્લે, તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. તમારું કુદરતી ક્લીનર તૈયાર છે.
લીંબુ અને શેમ્પુ વડે તૈયાર કરેલા આ મિશ્રણમાં એક કાપડ અથવા સ્પોન્જ ડુબાડીને તેને સારી રીતે નીચોવી લો, જેથી તે માત્ર ભીનું રહે. આ ભીના કપડાનો ઉપયોગ કરીને પહેલા સોફાના હેન્ડલ્સ અને પછી આખા સોફાને સાફ કરો. છેલ્લે, સ્વચ્છ પાણીમાં સુતરાઉ કાપડ પલાળીને નીચોવી લો. આ ભીના કપડા વડે સોફા પર બાકી રહેલા કોઈપણ ફીણને સાફ કરી દો. સોફા સ્વચ્છ થઈ ગયા પછી તેને પંખા નીચે અથવા સારી રીતે હવાની અવરજવરવાળી જગ્યાએ મૂકો, જેથી તે જલ્દી સુકાઈ જાય.
આ ઉપરાંત, જો તમારો સોફા હળવા અથવા કૃત્રિમ કાપડનો બનેલો હોય, તો સફાઈ માટે સ્પોન્જનો ઉપયોગ કરવો વધુ સારો છે. જો સોફા મજબૂત અથવા જાડા કાપડનો બનેલો હોય, તો તમારે સફાઈ માટે સ્કોચ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. આ પદ્ધતિથી તમારો સોફા એકદમ સ્વચ્છ થઈ જશે અને તમારા ખિસ્સા પર પણ ભાર નહીં પડે!
આ પણ વાંચો…ધનતેરસ પહેલા કરવી છે સોનાની ખરીદી? જાણી લો શુભ મુહૂર્ત