1971ના યુદ્ધમાં ઈન્દિરા ગાંધીએ અમેરિકા પાસે મદદની ભીખ માંગી હતી? જાણો ઇતિહાસ શું કહે છે
ઈન્દિરા ગાંધીએ રિચાર્ડ નિક્સનને લખેલા પત્રમાં છૂપાયું છે સત્ય

પહલગામ હુમલાના જવાબમાં ભારતની સેનાએ મે 2025માં ‘ઑપરેશન સિંદૂર’ને અંજામ આપ્યો હતો. 7 મેના રોજ શરૂ કરવામાં આવેલા આ ઑપરેશનને 10 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવ્યું. ‘ઑપરેશન સિંદૂર’ સ્થગિત થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારત-પાકિસ્તાન વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યું છે. જેને લઈને વિપક્ષે સરકાર પર સવાલ ઊઠાવ્યા હતા અને સંસદમાં આ મુદ્દે ચર્ચા થાય એવી માંગ કરી હતી. સંસદના ચોમાસુ સત્રમાં ‘ઑપરેશન સિંદૂર’ અંગે થયેલી ચર્ચામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, “સેનાનો ઉપયોગ કરવા માટે ઇચ્છાશક્તિની જરૂર છે. મેં રાજનાથ સિંહનું ભાષણ સાંભળ્યું. તેમણે ‘ઑપરેશન સિંદૂર’ની 1971ના યુદ્ધ સાથે કરી. 1971માં સરકાર પાસે ઇચ્છાશક્તિ હતી. 1971માં અમે અમેરિકાનું કહ્યું સાંભળ્યું નહોતું.”

એક તરફ કૉંગ્રેસે 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના નિર્ણયની પ્રસંશાના પુલ બાંધ્યા, તો બીજી તરફ સત્તાપક્ષ ભાજપના નેતાઓએ કૉંગ્રેસ પર દાવો કર્યા કે, 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન પીછેહઠ કરે એ માટે ઈન્દિરા ગાંધીએ પણ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ પાસે જઈને કરગર્યા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દૂબે અને સાંસદ અનુરાગ ઠાકુરે ઈન્દિરા ગાંધીની ભૂમિકા પર સવાલ ઊઠાવ્યા હતા. સાંસદ નિશિકાંત દૂબેએ સંસદમાં જણાવ્યું હતું કે, “5 ડિસેમ્બર, 1971ના રોજ શ્રીમતી ગાંધીએ નિક્સનને પત્ર લખીને તેમને પાકિસ્તાન સાથે યુદ્ધ રોકવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.” પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પણ જણાવ્યું હતું કે, “ઈન્દિરા ગાંધીએ નિક્સનને એ રીતે પત્ર લખ્યો હતો કે, એવું લાગે છે કે તે નિક્સન સામે આજીજી કરી રહ્યા છે. દેશે નક્કી કરવું જોઈએ કે, તે સરકાર મજબૂત હતી કે વિડંબના હતી.”

ભાજપના નેતાઓના દાવા પરથી ઈન્દિરા ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ લખેલા પત્ર અંગે સવાલો ઊભા થાય છે. ત્યારે આ પત્રમાં ખરેખર શું લખાયું હતું, એ જાણવા જેવી વાત છે. ઇતિહાસકાર શ્રીનાથ રાઘવને પોતાના પુસ્તક ‘ઇન્જિરા ગાંધી એન્ડ ધ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા’ પુસ્તકમાં ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. જેમાં ઈન્દિરા ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને લખેલા પત્રનો પણ ઉલ્લેખ છે.

શ્રીનાથ રાઘવને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે પ્રધાનમંત્રી(ઈન્દિરા ગાંધી)એ સપ્ટેમ્બર મહિનામાં મોસ્કોનો પ્રવાસ કર્યો હતો. તેમણે મુખ્ય પશ્ચિમી દેશોની રાજધાનીનો પણ પ્રવાસ કર્યો. જ્યાંથી તેમને ઘણી ઓછી સહાનુભૂતિ અને સમર્થન મળ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સાથેની તેમની મુલાકાત ઠંડી હતી.’
નિક્સને ચેતવણી આપી હતી કે, સેન્ય કાર્યવાહીના પરિણામો ‘ઘણા ખતરનાક’ હશે. નિક્સનના વિદેશ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજરે સ્થિતિનો તાગ મેળવવા માટે એક બેઠક કરી હતી. એજ દિવસે બપોરે શ્રીમતી ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે એક બેઠક કરી હતી. રાઘવને લખે છે કે, તેમણે દક્ષિણ એશિયાઈ સંકટનો ઉલ્લેખ જ નથી કર્યો. તેના બદલે, તેમણે નિક્સન સાથે દુનિયાભરમાં અમેરિકાની વિદેશ નીતિ વિશે પૂછપરછ કરી. કિસિંજરે પછી લખ્યું કે તેમના વલણે ‘નિક્સનની તમામ છૂપાયેલી અસુરક્ષાઓને ઉજાગર કરી દીધી.’
3 ડિસેમ્બરે પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલો કર્યા બાદ ભારતે યુદ્ધની ઘોષણા કરી દીધી. બે દિવસ બાદ શ્રીમતી ગાંધીએ પત્ર લખીને નિક્સનને પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા. તેમણે પત્રમાં લખ્યું હતું કે, “હું તમને એવા સમયે લખી રહીં છું, જ્યારે મારો દેશ અને મારા લોકો પર ગંભીર સંકટ અને જોખમ મંડરાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં સ્વતંત્રતા આંદોલનની સફળતા હવે પાકિસ્તાની સૈન્ય તંત્રના દુસ્સાહસને કારણે ભારતની વિરૂદ્ધ યુદ્ધમાં બદલાઈ ગઈ છે.”

“સંકટના આ સમયમાં, ભારત સરકાર અને ભારતની જનતા તમારી પાસેથી સહાનુભૂતિની અપેક્ષા કરે છે અને તમને આગ્રહ કરે છે કે, તમે પાકિસ્તાનના એ અનિયંત્રિત આક્રમણ અને સૈન્ય દુસ્સાહસની નીતિથી તરત બાજ આવવા માટે મનાવો. જેના પર તે દુર્ભાગ્યપૂર્ણ રીતે ચાલી પડ્યું છે. હું મહામહિમને અનુરોધ કરૂં છું કે, તમે પાકિસ્તાન સરકાર પર પોતાના પ્રભાવનો પ્રયોગ કરીને ભારત વિરોધી તેની આક્રમક ગતિવિધિયોને અટકાવે અને પૂર્વી બંગાળની સમસ્યાથી તરત બહાર આવે. જેણે ન માત્ર પાકિસ્તાન, પરંતુ સમગ્ર ઉપમહાદ્વીપના લોકોને ઘણા કષ્ટ અને મુશ્કેલીઓ આપી છે.”
લગભગ બે અઠવાડિયા બાદ પાકિસ્તાનની સેનાએ 16 ડિસેમ્બરે સરેન્ડર કરી દીધું હતું. ઢાકાના પતન બાદ શ્રીમતી ગાંધી સંસદ પહોંચી અને ઘોષણા કરી કે હવે આ એક ‘આઝાદ દેશ’ની ‘આઝાદ રાજધાની’ છે. રાઘવન લખે છે કે, ‘સંસદમાં જયઘોષ ગૂંજી ઊઠ્યો અને તેની દરેક હરોળમાં તાલીયો વાગી. આગામી દિવસોમાં સંસદમાં ઇન્દિરા ગાંધીની પ્રશંસા શ્રદ્ધા સાથે કરવામાં આવતી…તેમની તુલના દુર્ગા સાથે કરવામાં આવતી…’
