સ્પેશિયલ ફિચર્સ

અંતિમ સંસ્કાર: શું ખરેખર શાસ્ત્રો મહિલાઓને સ્મશાન જવાથી રોકી છે? જાણો ગરુડ પુરાણ શું કહે છે…

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પરિવારમાં કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે અંતિમ સંસ્કારની તમામ જવાબદારીઓ ઘરના પુરુષ સભ્યો નિભાવે છે. મોટાભાગે મહિલાઓ સ્મશાન સુધી જતી નથી અથવા માત્ર ઘર સુધી જ શોભાયાત્રામાં જોડાય છે. આ માન્યતા સદીઓથી ભારતીય સમાજમાં પ્રચલિત છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર આપણા ધર્મગ્રંથો, ખાસ કરીને ગરુડ પુરાણમાં, મહિલાઓને અંતિમ સંસ્કારની વિધિ કરવાથી કે સ્મશાન જવાથી રોકવામાં આવે છે?

અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી બાબતોનો ઉલ્લેખ ગરુડ પુરાણના પ્રેત ખંડના આઠમા અધ્યાયમાં કરવામાં આવ્યો છે. આ અધ્યાયમાં ભગવાન વિષ્ણુ, ગરુડના એક સવાલનો વિસ્તૃત જવાબ આપે છે: વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર કોને મળે છે? ભગવાન વિષ્ણુના કહેવા મુજબ, ‘સૌથી પહેલા તો પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર એટલે કે સંતાનની આગળની પેઢીઓને અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર પ્રાપ્ત છે.’ જો પરિવારમાં સંતાન કે તેની પેઢીના પુરુષ સભ્યો ઉપલબ્ધ ન હોય, તો ભાઈ, ભાઈના દીકરા અને તેમના વંશજો આ કર્મ કરી શકે છે. આ ઉપરાંત, સમાન કુળમાં જન્મેલા સંબંધીઓને પણ આ વિધિ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે.

મહિલાઓને અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર છે?

ગરુડ પુરાણમાં આગળ સ્પષ્ટતા કરતાં ભગવાન વિષ્ણુ જણાવે છે કે, જો પરિવારમાં કોઈ પુરુષ સભ્ય ન હોય, તો મહિલાઓ જેમ કે પત્ની, દીકરી અથવા બહેન પણ મૃતકની અંતિમ વિધિ કરી શકે છે. એટલે કે, પુરુષ સભ્યોની ગેરહાજરીમાં મહિલાઓને આ જવાબદારી નિભાવવાની સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે. જો કુટુંબમાં કે સંબંધોમાં કોઈ ઉપલબ્ધ ન હોય તો, સમાજના મુખ્ય વ્યક્તિને મૃતકના અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર આપવામાં આવે છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોમાં ક્યાંય પણ મહિલાઓને અંતિમ સંસ્કારના અધિકારથી વંચિત કરવામાં આવી નથી. મહિલાઓ સ્મશાન ન જઈ શકે કે સંસ્કાર ન કરી શકે તેવી જે માન્યતા બની ગઈ છે, તે કોઈ ધાર્મિક નિયમ નહીં, પરંતુ સમય જતાં લોકોએ પોતે બનાવેલી સામાજિક પરંપરા છે.

ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયાને એક અત્યંત પવિત્ર વિધિ ગણવામાં આવી છે. મૃત્યુ પછી શરીરને સ્નાન કરાવી, નવા વસ્ત્રો પહેરાવી અંતિમ યાત્રા માટે તૈયાર કરવામાં આવે છે. પુરાણમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે શબને ઘરથી સ્મશાન તરફ લઈ જવામાં આવે છે, ત્યારે રસ્તામાં પાંચ મહત્વપૂર્ણ સ્થાનો પર વિશેષ સંસ્કાર કરવામાં આવે છે. આ બધા પછી જ્યારે શરીર સંપૂર્ણપણે અગ્નિમાં વિલીન થઈ જાય છે, ત્યારે તેને ‘પ્રેત’ કહેવામાં આવે છે.

આજના આધુનિક યુગમાં, જ્યાં પરિવારો નાના થઈ ગયા છે અને ઘણી દીકરીઓ જ માતા-પિતાની એકમાત્ર સંભાળ રાખતી હોય છે, ત્યારે ધર્મગ્રંથોના સાચા સંદેશને સમજીને માત્ર જૂની પરંપરાઓ પર અટકી રહેવું યોગ્ય નથી. શાસ્ત્રોએ મહિલાઓને આ જવાબદારી નિભાવવાથી રોકી નથી, તેથી આધુનિક સંદર્ભમાં તેમને પણ આ અધિકાર મળવો જોઈએ.

આ પણ વાંચો…મૃત્યુ પછીના ૧૩ દિવસ કેમ હોય છે પરિવાર માટે મહત્વના? ગરુડ પુરાણનું સત્ય જાણો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button