દીકરીના લગ્ન માટે બુક કરાવ્યું આખું પ્લેન, હવામાં કરાવ્યા લગ્ન
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છએ કે પોતાના લગ્ન યાદગાર બને. એને માટે તેઓ મોટી મોટી રકમ પણ ખર્ચી નાખતા હોય છે અને ડેસ્ટિનેશન વેડિંગ પણ કરતા હોય છે. દરેક વ્યક્તિને અને એના પરિવારજનોને લગ્નમાં કંઇક અલગ, નોખું અને હટ કે કરવાની ઇચ્છા હોય છે. હાલમાં જ લગ્નનો એક એવો કિસ્સો જાણવા મળ્યો છએ જેમા ભારતીય ઉદ્યોગસાહસિકે તેની દીકરીના આકાશમાં ઉડતા પ્લેનમાં લગ્ન કરાવ્યા હતા. આવો આપણે આ વિશે વિગતે જાણીએ.
એક પિતાએ પોતાની દીકરીના લગ્નને હંમેશા માટે યાદગાર બનાવવા માટે અનોખી રીતે લગ્ન કર્યા. બિઝનેસમેન દિલીપ પોપલે પોતાની દીકરીના લગ્ન આકાશમાં કરાવ્યા. આ લગ્ન ઉડતા વિમાનમાં 300 મહેમાનો સાથે હવામાં યોજાયા હતા, હાલમાં માત્ર દુબઈમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યા છે.
દુબઈમાં બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ હંમેશા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવી સ્થિતિમાં, UAE અને ભારતમાં જ્વેલરી બિઝનેસમેન દિલીપ પોપલેએ શનિવારે તેમની પુત્રીના લગ્ન અનોખી રીતે કર્યા હતા. લગ્નની તમામ વિધિ ખાસ મોડિફાઈડ બોઈંગ 747 એરક્રાફ્ટમાં થઈ હતી. આ વિમાને દુબઈથી ઓમાન સુધી 3 કલાક ઉડાન ભરી હતી. જે દરમિયાન ભારતીય પરંપરા મુજબ લગ્નની તમામ વિધિઓ આકાશમાં થઈ હતી. ત્રણ કલાકની આ સ્પેશિયલ ફ્લાઈટ દરમિયાન ‘ઈન ધ સ્કાય સેરેમની’ થઈ હતી. હવે આ લગ્નને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે.