દેવઉઠી એકાદશી સાથે શરૂ થશે લગ્નસરાની સીઝન, જાણો 2025-26માં ક્યું છે લાડી લાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત

હિન્દુ ધર્મ પ્રમાણે તહેવારોની સિઝન પૂરી થતાન સાથે જ લગ્ન સિઝન શરૂ થઈ જાય છે. હાલ ચતુર્થ માસ ચાલી રહ્યા છે, જ્યારે વિષ્ણું ભગવાન ઘોર નિદ્રામાં હોય છે. આ સમયે લગ્ન કરવા અશુભ ગણાય છે. હિન્દુ ધર્મમાં દરેક મહત્વના કાર્ય માટે શુભ મુહૂર્તની પરંપરા રહી છે, અને જ્યારે વાત લગ્નની હોય ત્યારે મુહૂર્તનું મહત્વ વધી જાય છે. દેવઉઠની એકાદશીએ ભગવાન વિષ્ણુના જાગરણ સાથે શરૂ થતા લગ્નના શુભ મુહૂર્ત દરેક યુગલને નવા જીવનની શરૂઆત માટે ઉત્સાહથી ભરી દે છે.
આ વર્ષે 1 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીના પવિત્ર પર્વથી લગ્નના શુભ મુહૂર્તનો પ્રારંભ થશે. નિષ્ણાંત પંડિતો પ્રમાણે દેવઉઠી અગ્યાર એટલે તુલસી વિવાહ બાદ ઘણા સારા શુભ મુહૂર્ત આવવાના છે. જે સમયમાં લગ્ન કરવા ખુબ શુભ માનવામાં આવે છે.
હિન્દુ પંચાગ મુજબ નવેમ્બર 2025ના 7 દિવસો એવો છે, આ 7 દિવસોમાં પરણેલા નવયુગલોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આર્શિવાદ પ્રાપ્ત થાય છે. તારીખ 18, 22, 23, 24, 25, 29 અને 30 નવેમ્બરના લગ્ન માટે શ્રેષ્ઠ દિવસો ગણવામાં આવે છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે માત્ર બે દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 4 અને 5 ડિસેમ્બરે લગ્ન માટે શુભ મુહૂર્ત ઉપલબ્ધ રહેશે. આ તારીખો લગ્નના નવા સફરની શરૂઆત માટે ઉત્તમ માનવામાં આવે છે, જે દંપતીઓને ખુશહાલ જીવનની શરૂઆતનો અવસર આપે છે.

વર્ષ 2026ની શ્રેષ્ઠ તારીખો
વર્ષ 2026ની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનામાં કોઈ પણ શુભ મુહૂર્ત બની રહ્યા નથી. જ્યારે ફેબ્રુઆરીમાં લગભગ આખો મહિનો લગ્નમાટે શ્રેષ્ઠ સમય ગણાશે. ફેબ્રુઆરી મહિનામાં તારીખ 4, 5, 6, 7, 10, 11, 12, 13, 19, 20, 21, 24, 25 અને 26 તારીખે લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે.
માર્ચ 2026ના વસંતકાલીન મુહૂર્ત
જો તમે વસંતઋતુના રોમેન્ટિક માહોલમાં લગ્નનું સ્વપ્ન જોતા હો, તો માર્ચ 2026માં લગ્ન માટે 4, 5, 6, 9, 10, 11, 12 અને 15 તારીખો શુભ રહેશે. આ તારીખો વસંતના સુંદર વાતાવરણમાં લગ્નની શરૂઆત માટે આદર્શ છે. નિષ્ણાંત પંડિતો પ્રમાણે આ મુહૂર્તમાંથી કેટલાક દિવસના અને કેટલાક રાત્રિના છે, તેથી યોગ્ય નિર્ણય લેતા પહેલા કોઈ વિદ્વાન જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે.
આ શુભ મુહૂર્તની માહિતી સનાતન પરંપરા અને પંચાંગની ગણતરીઓ પર આધારિત છે. લગ્ન જેવા મહત્વના પ્રસંગ માટે, તમારા પરિવારના જ્યોતિષી અથવા વિદ્વાનની સલાહ લઈને મુહૂર્તની પસંદગી કરવી ઉચિત રહેશે, જેથી તમારું નવું જીવન શુભ અને સુખમય રહે.
આપણ વાંચો: દિવાળી 2025: આ ઉપાય સાથે કરો લક્ષ્મીજીનું સ્વાગત, ઘરમાં થશે સુખ સમૃદ્ધીનું આગમન