ઋષિ પંચમી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને વ્રતની પૂજાવિધિ

Rishi Panchami 2025: ભારતને ઋષિ-મુનિઓનો દેશ ગણવામાં આવે છે. તેથી દેશમાં ઋષિ-મુનિઓની પૂજાનું મહત્ત્વ રહ્યું છે. હિંદુ સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર વિશ્વામિત્ર, જમદગ્નિ, ગૌતમ, વસિષ્ઠ, કશ્યપ, ભારદ્વાજ, અત્રિ એમ સાત ઋષિઓની ગણના સ્પતર્ષી ઋષિ કરવામાં આવે છે. જેમની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ સાથે તેમની પૂજા માટે એક ખાસ દિવસ પણ છે. જેને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે.
ઋષિ પંચમીનું શુભ મુહૂર્ત ક્યારે છે?
હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પંચમી આવે છે. આ વર્ષે 28 ઓગસ્ટ 2025ના રોજ ઋષિ પંચમીનો દિવસ ઉજવવામાં આવશે. આ દિવસ ગણેશ ચતુર્થી બાદ તરત આવે છે. આ દિવસે ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે. ઋષિ પંચમીનું વ્રત દરમિયાન સાત ઋષિઓની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી જાણે-અજાણે થયેલા પાપથી મુક્તિ મળે છે. સાથોસાથ સંતાન પ્રાપ્તિનો યોગ સર્જાય છે અને વૈવાહિક જીવન સુખમય બને છે. ઋષિ પંચમીના વ્રતની પૂજા માટે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઉદયા તિથિ અનુસાર ઋષિ પંચમી 28 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 11:05 વાગ્યાથી લઈને બપોરે 1:39 વાગ્યા સુધી તમે ઋષિ પંચમીની પૂજા કરી શકશો.
ઋષિ પંચમીની પૂજા વિધિ કેવી રીતે કરશો?
ઋષિ પંચમીના દિવસે સવારે વહેલા જાગીને સ્નાનાદિક ક્રિયાઓ પૂરી કરો. આ દિવસે ગંગાસ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારબાદ મંદિરની સફાઈ કરો તથા તમામ દેવી-દેવતાઓને ગંગાજળથી સ્નાન કરાવો. મંદિરમાં સપ્તર્ષીઓની તસવીર લાવો. તેની સામે એક સ્વચ્છ પાણી ભરેલો કળશ રાખો અને પૂજા શરૂ કરો.
સૌપ્રથમ સપ્ત ઋષિઓને તિલક કરો. ધૂપ-દીપ તથા ફૂલ-હાર અર્પણ કરો. પૂજા પૂરી થયા બાદ મિઠાઈનો ભોગ-પ્રસાદ ધરાવો. ત્યારબાદ ઋષિ પંચમીના વ્રતની કથાનું શ્રવણ કરો અને અંતે આરતી કરો. ખાસ કરીને આ વ્રત મહિલાઓ વધારે પ્રમાણમાં કરતી હોય છે. આ વ્રત કરવાથી સપ્ત ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય: જીવનમાં અપનાવો આ આદતો, દૂર થશે શનિ દોષ