AI ક્રાંતિ: ટેકનોલોજીની દુનિયા સાથે અબજોપતિની લિસ્ટમાં ઉમેરાયા નવા ચહેરા…

આજના સમયમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે જાણ ન હોય અથવા તો ઉપયોગ ન કરતા હોય. AIએ ઘણા લોકોના જીવન સરળ બનાવી દીધા છે.
કેમ કે ફોટો બનાવવો હોય કે પછી માહિતી જોઈતી હોય, કનટેન્ટ બનાવવો હોય કે પછી પોતાની ક્રિએટિવિટીનુ લેવલ અપ કરવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તમામ પ્રકારની સુવિધા આપતું થઈ ગયું છે.
AIએ માત્ર સુવિધા જ પૂરી નથી પાડી તે ઘણા લોકો માટે કમાવા માટેનું સૌથી મોટું સાધન બની ગયું છે. હા થોડું અજુકતું લાગશે પણ વર્ષ 2025માં AI ના કારણે ઘણા નવા ચહેરાઓ અબજોપતિની લિસ્ટ સામેલ થઈ ચુક્યા છે. જેમણે જનરેટિવ એઆઈ, ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાર્ડવેર એક્સેલરેશન જેવા ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કર્યું.
આ એઆઈ ક્રાંતિએ નવી કંપનીઓ અને રોકાણકારોને રાતોરાત અબજો ડોલરની કમાણી કરાવી, જેનાથી સિલિકોન વેલી ફરી એકવાર વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બની. એઆઈના આ યુગે ઇતિહાસની સૌથી ઝડપી સંપત્તિ નિર્માણની રેસ શરૂ કરી છે. એનવિડિયાના સીઈઓ જેન્સન હુઆંગની સંપત્તિ એઆઈ હાર્ડવેરની માગને કારણે વધી.
જેનાથી તેઓ વિશ્વના ટોપના 10 અબજોપતિઓમાં સામેલ થયા. એનવિડિયાના જીપીયુનું વેચાણ ડેટા સેન્ટરની માગથી ત્રિમાસિક આવક 100 અબજ ડોલરને પાર કરી ગયું. ઓપનએઆઈએ ચેટજીપીટી અને જીપીટી જેવા ટૂલ્સ દ્વારા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને માઇક્રોસોફ્ટ સાથેની ભાગીદારીથી 500 અબજ ડોલરની વેલ્યુએશન હાંસલ કરી.
આ ઉપરાંત એન્થ્રોપિક જેવી કંપનીઓએ તેમની ક્લાઉડ સીરિઝ એપીઆઈ અને એન્ટરપ્રાઇઝ ડીલ્સ દ્વારા વાર્ષિક 3 અબજ ડોલરની આવક મેળવી છે. સ્કેલ એઆઈ ડેટા લેબલિંગ અને એનોટેશન સેવાઓમાં માર્કેટ લીડર બની અને મેટા જેવી કંપનીઓ પાસેથી અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે.
જ્યારે ઇલ્યા સુત્સકેવરે શરૂ કરેલી સેફ સુપરઇન્ટેલિજન્સ સુરક્ષા પ્રોટોકોલ્સ અને ફ્યુચર લાઇસન્સિંગ મોડલ દ્વારા આવક ઊભી કરી રહી છે. આ ઉપરાંત, સિલિકોન વેલીમાં ગયા વર્ષે 35 અબજ ડોલરનું વેન્ચર ફંડિંગ આવ્યું, જેનાથી લક્ઝરી રિયલ એસ્ટેટમાં 20 મિલિયન ડોલરથી વધુના ઘરોની ખરીદીના રેકોર્ડ બન્યા છે.
એઆઈએ નવા અબજોપતિઓની યાદીમાં ઓપનએઆઈના ભૂતપૂર્વ કર્મચારીઓ, સ્કેલ એઆઈના કો ફાઉન્ડર અલેક્ઝાન્ડર વાંગ અને લૂસી ગુઓ જેવા નામોનો સમાવેશ કર્યો. માઇકલ ઇન્ટ્રેટરની કોરવીવની નેટવર્થ અગાઉની સંપત્તિ કરતા વધીને 6 અબજ ડોલર સુધી પહોંચી છે.
અલેક્ઝાન્ડર વાંગની 3.6 અબજ ડોલર અને ઇલ્યા સુત્સકેવરની સેફ સુપરઇન્ટેલિજન્સની 1 અબજ ડોલરથી વધુ છે. રિપોર્ટ્સ પ્રમાણે, હાલમાં 498 એઆઈ યુનિકોર્ન કંપનીઓ છે, જેની કુલ વેલ્યુએશન 2.7 ટ્રિલિયન ડોલર છે, જેમાંથી 100 કંપનીઓ 2023 પછી બનાવવામાં આવી છે.
અહેવાલ મુજબ, એઆઈ હાલના ઇતિહાસમાં સૌથી મોટું સંપત્તિ નિર્માણનું માધ્યમ બન્યું છે. એઆઈ માત્ર કંપનીના સ્થાપકોને જ નહીં, પરંતુ પ્રારંભિક કર્મચારીઓ અને રોકાણકારોને પણ અબજોપતિ બનાવ્યા છે.
એઆઈએ ટેકનોલોજી ક્ષેત્રને નવું રૂપ આપ્યું છે અને સિલિકોન વેલીને ફરીથી વૈશ્વિક નવીનતાનું કેન્દ્ર બનાવ્યું છે, જે ભવિષ્યમાં પણ આર્થિક વૃદ્ધિનું મુખ્ય ચાલક રહેશે.
આ પણ વાંચો…બોલો હવે AI તમારા મૃત્યુની આગાહી પણ કરશે? શું કહે છે વૈજ્ઞાનિકો…