બનાવટી નોટો છાપનારો યુવક પનવેલમાં ઝડપાયો
નવમું નપાસ આરોપી યુટ્યૂબ વીડિયો જોઈ નોટો છાપવાની કળા શીખ્યો

થાણે: નવમા ધોરણમાં નપાસ યુવક યુટ્યૂબ વીડિયો જોઈને બનાવટી નોટો છાપવાની કળા શીખ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પનવેલ તાલુકાની એક રૂમ પર રેઇડ કરી બે લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો સાથે યુવકની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ પ્રફુલ ગોવિંદ પાટીલ (26) તરીકે થઈ હતી. નવમા ધોરણની પરીક્ષામાં નપાસ થયેલો પાટીલ એક કંપનીમાં કામ કરતો હતો. આ કંપનીમાં જૂનાં કમ્પ્યુટર અને પ્રિન્ટર્સ ખરીદ્યા પછી રિપેર કરીને તેને વેચવાનું કામકાજ થતું હતું. યુટ્યૂબ પર અનેક વીડિયો જોઈને બનાવટી નોટો પ્રિન્ટ કરવાની ટેક્નિક કામને સ્થળે જ તે શીખ્યો હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: વોશિંગ મશીનમાંથી મળ્યો ખજાનો! EDની રેઈડમાં વોશિંગ મશીનમાંથી ચલણી નોટોના બંડલ મળ્યા
નવી મુંબઈના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અજયકુમાર લાંડગેએ જણાવ્યું હતું કે મળેલી માહિતીને આધારે સેન્ટ્રલ ક્રાઈમ યુનિટની ટીમે તળોજા એમઆઈડીસી સ્થિત પાલેખુર્દ ગામની ચાલમાં આવેલી એક રૂમમાં 15 મેના રોજ સર્ચ હાથ ધરી હતી. આરોપીએ ભાડેથી રૂમ લઈ તેમાં બનાવટી નોટો છાપવાનું શરૂ કર્યું હતું.
નોટો છાપવા માટે આરોપીએ કમ્પ્યુટર, પ્રિન્ટરની સાથે બે મોંઘાં સ્કૅનર્સ પણ ખરીદ્યાં હતાં. આરોપીએ સૌપ્રથમ 50, 100 અને 200 રૂપિયાની અસલી ચલણી નોટો કોટન પેપર પર સ્કૅન કરી હતી, તેને નોટના આકારમાં કાપી હતી. પછી તેના પર સિલ્વર-લીલી રેડિયમ પટ્ટી ચોંટાડી હતી. ત્યાર પછી એ નોટો પર ઈસ્ત્રી ફેરવતો હતો. તૈયાર થયેલી નોટો તે બજારમાં વટાવતો હતો.
સર્ચ દરમિયાન પોલીસને રૂમમાંથી 1,463 બનાવટી નોટો મળી આવી હતી, જેમાં 50 રૂપિયાની 574, 100 રૂપિયાની 33 અને 200 રૂપિયાની 856 નોટોનો સમાવેશ થાય છે. આ પ્રકરણે તળોજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)