ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન: વિશ્વના ટોપ 10 સૌથી ઊંચા રેલ બ્રિજ ક્યાં આવેલા છે, જાણો?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી પર બનાવવામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ધાટન કર્યું છે. આ પુલ નદીથી 359 મીટર ઊંચો છે. આ ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ વધારે છે. પુલની લંબાઈ 1.315 કિમી છે. 260 કિમી/કલાકની ઝડપે ટ્રેન પસાર થઈ શકે એ રીતે તેને ડિઝાઈન કરવામાં આવ્યો છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેના પર ટ્રેન દોડાવીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિયાસી સ્ટેશનથી ઉપડેલી ટ્રેન સફળતાપૂર્વક સાંગલદાન પહોંચી હતી. આમ, ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
વિશ્વના સૌથી ઊંચા 10 રેલ પુલની યાદીમાં ભારતના આ પુલનો સમાવેશ થઈ ગયો છે. ત્યારે આવો જાણીએ બાકીના 9 રેલ પુલની ઊંચાઈ કેટલી છે તથા તે ક્યા દેશમાં આવેલા છે?
બેઇપન નદી પુલ: ચીનની બેઇપન નદી પર બનેલો રેલ પુલ બે પ્રાંતને જોડે છે. વિશ્વના સૌથી ઊંચા પુલની યાદીમાં આ પુલ પ્રથમ ક્રમે આવે છે. તેની ઊંચાઈ 564 મીટર તથા લંબાઈ 445 મીટર છે. આ રેલ પુલ બેઇપન જિયાંગ બ્રિજ તરીકે ઓળખાય છે.
નાજીહે રેલવે બ્રિજ: ચીનના ગુઇઝોઉ પ્રાંતના લિયુચાંગજિયાંગમાં સ્થિત નાજીહે રેલ્વે બ્રિજ હવેથી વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. તેની ઊંચાઈ 305 મીટર છે.

કિંગલોંગ રેલવે બ્રિજ: ચીનના ગુઇઝોઉ ખાતેનો કિંગલોંગ રેલવે બ્રિજ કોંક્રિટથી બનેલો એક હાઇ-સ્પીડ રેલવે કમાન પુલ છે. જેની ઊંચાઈ 300 મીટર છે. આ પુલ હવે વિશ્વનો ચોથા નંબરનો સૌથી ઊંચો પુલ છે.
નાનપન નદી કિયુબેઇ પુલ: આ પુલ ચીનની નાનપન નદી પર સ્થિત છે. જે કુનમિંગ અને નાનિંગ લાઈનની વચ્ચે આવેલો છે. જેની લંબાઈ 852 મીટર છે. 250 કિમી/કલાકની ઝડપે ટ્રેન પસાર થઈ શકે એ રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
નાનજિયાંગ રેલવે બ્રિજ: ચીનમાં આવેલો આ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બીમ બ્રિજ છે, તેની લંબાઈ 6772 મીટર છે. 350 કિમી/કલાકની ઝડપે ટ્રેન પસાર થઈ શકે એ રીતે તેને ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ પુલ બે ટ્રેક ધરાવે છે.

વુઝુ નદી રેલવે બ્રિજ: ચીનની વુઝુ નદી પર આવેલો આ રેલ પુલ 360 મીટર લાંબો સ્પાન ધરાવે છે. તે ઝીજિન અને નયાંગ શહેરને જોડે છે.
કિંગશુઈ રેલવે પુલ: ચીનના ગુઈઝોઈ પ્રાંતની કિંગશુઈ નદી પર બનાવવામાં આવેલો આ પુલ 406 મીટર ઊંચો છે. તેનો મુખ્ય સ્પાન 1130 મીટર લાંબો છે.
કૈજિયાગો રેલવે પુલ: ચીનના ફુલિંગ અને ચોંગકિંગ શહેર પાસે યુ-લી રેલ્વે લાઇન પર આ રેલ પુલ આવેલો છે. આ પુલ યિચાંગ અને વાનઝોઉ લાઇનને જોડે છે. આ પુલ બે રેલવે ટ્રેક ધરાવે છે.
પિટ રિવર બ્રિજ: અમેરિકાની પિટ નદી પર બનાવવામાં આવેલો આ પુલ દેશનો સૌથી ઊંચો પુલ છે. તે વિશ્વના સૌથી ઊંચા રોડ અને રેલ બ્રિજનું મિશ્રણ છે.