આજે અવકાશમાં જોવા મળશે અદ્ભૂત નજારો, ચૂકી ગયા તો પછી…

આજે 28મી ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડેની સાંજ ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વની રહેશે, કારણ કે આ દિવસે અવકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. જી હા, આજે સાંજે આકાશમાં એક સાથે સાત ગ્રહોની પરેડ જોવા મળશે, જે એક અદ્ભૂત સંયોગ છે અને રખેને આ સંયોગ જોવાનું ચૂકતા. આ પરેડ ભલે એક લાઈનમાં નહીં હોય પણ આકાશમાં પૂર્વથી પશ્ચિમમાં વિખેરાયેલા જોવા મળશે.
આ વિશે વાત કરતાં જાણીતા ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે સૂર્યાસ્ત સમયે પશ્ચિમમાં સૂર્ય અસ્ત થશે ત્યારે શનિ, બુધ, નેપ્ચ્યુન પણ અસ્ત થશે. એની ઉપર શુક્ર જોવા મળશે અને શુક્રની ઉપર ગુરુ અને યુરેનસ પણ જોવા મળશે. આ સિવાય પૂર્વમાં લાલ ગ્રહ તરીકે ઓળખાતો મંગળ જોવા મળશે.
આપણ વાંચો: 14મી માર્ચના ચંદ્ર થશે લાલચોળ, કારણ જાણીને ચોંકી ઉઠશો…
આ સંયોગ દર થોડાક સમયે બને છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જાન્યુઆરી, 2016માં અને ઓગસ્ટ 2022માં એક સાથે ચાર ગ્રહની પરેડ જોવા મળી હતી. 2022માં જ જુલાઈમાં એક સાથે પાંચ ગ્રહો જોવા મળ્યા હતા અને હવે ગ્રહોની આગામી પરેડ ઓગસ્ટ, 2025 અને ઓક્ટોબર, 2028માં જોવા મળશા, જ્યારે ચાર અને પાંચ ગ્રહો એક સાથે જોવા મળશે.
વાત કરીએ આ દુર્લભ નજારો કઈ રીતે જોઈ શકાય એની તો મંગળ, ગુરુ અને શુક્ર તો નરી આંખે જોઈ શકાશે, પરંતુ બુધ અને શનિ પ્રકાશમાં છુપાયેલા હોવાને કારણે સરળતાથી નહીં જોઈ શકાય. જ્યારે નેપ્ચ્યુન અને યુરેનસને પાવરફૂલ ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાશે.
જો તમે પણ આ દુર્લભ નજારો જોવા માંગતા હોવ તો આજે નેશનલ સાયન્સ ડે પર તમારી પાસે અદ્ભૂત તક છે. જો આ તક ચૂકી જશો તો તમારે ઓગસ્ટ, 2025 કે 2028 સુધી રાહ જોવી પડશે.