સતત Social Media પર જ Busy રહે છે બાળક? તમારા માટે આ સમાચાર છે મહત્વના

મુંબઈ: સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને સગીર યુવતીઓ અને મહિલાઓને (Sextortion) પોતાની વાસનાનો શિકાર બનાવવાના કિસ્સાઓમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને મહિલાઓની જાતીય સતામણી કરવાના ગુનાઓ બાબતે પોલીસ પ્રશાસન દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં છેલ્લાં 11 મહિનામાં 531 સગીર યુવતીઓ અને 878 મહિલાઓ સાથે જાતીય સતામણી થયા હોવાની વાત સામે આવી છે.
આ રિપોર્ટમાં પોલીસ દ્વારા મહિલાઓ સામે થયેલા કુલ જાતીય સતામણીના ગુનાઓમાંથી 847 ઓનલાઇન જાતીય સતામણીના ગુનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તેમ જ આ પ્રકારના ગુનાઓમાં 1,071 સગીર યુવતીઓ સાથે કુલ 1,081 લોકો ગાયબ થયા હતા. આ મામલે પોલીસ દ્વાર અપહરણનો ગુનો નોંધી 997 ગુનાઓનો શોધ લેવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
પોલીસે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર 2023ના જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન માત્ર મુંબઈ શહેરમાં 5,410 જેટલા મહિલા અત્યાચારના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ કુલ ગુનાઓમાંથી 1,313 ગુનાઓને ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. એક અધિકારીએ આ વિશે વાત કરતાંજણાવ્યું હતું કે મુંબઈમાં મહિલાઓ સામે થતાં ગુનાઓને રોકવા માટે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા સુરક્ષા સેલ અને નિર્ભયા પથકની સ્થાપના કરવામાં આવી છે.
મુંબઈમાં સોશિયલ મીડિયા પર લગ્ન અને મિત્રતા કરવાની લાલચ બતાવી મહિલાઓની છેતરપિંડી કરવાના 1,968 ગુનાઓ છેલ્લાં 11 મહિનામાં નોંધાયા હતા. સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓ પર અત્યાચારની ઘટનામાં વધારો થતાં પોલીસ દ્વારા કાળજી રાખીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા સાથે મિત્ર, પ્રેમી અને સોશિયલ મીડિયા વડે ઓળખાણ કરી તેમની પર બળાત્કાર કરવાના સૌથી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેથી દરેક મહિલાઓએ સોશિયલ મીડિયા પર કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતાં પહેલા સાવધાની રાખવી જોઈએ. એવા અનેક કિસ્સાઓ પણ બન્યા છે જેમાં મહિલાના કુટુંબીઓ દ્વારા જ તેમના પર અત્યાચાર કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર સગીર બાળકીઓ સાથે પણ આ પ્રકારની છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે. બાળકોને આ પ્રકારના શોષણથી બચાવવા માટે માતાપિતાએ તેમના બાળકોના સોશિયલ મીડિયા વિશે માહિતી રાખવાની ભલામણ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.