ગજબ! બિલ્ડિંગની અંદરથી નીકળી ટ્રેન, રસ્તા પર ઉભેલા લોકો જોતા જ રહી ગયા..
દુનિયામાં એવી ઘણી વિચિત્ર વસ્તુઓ છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. કેટલીક વસ્તુઓ કુદરત દ્વારા બનાવવામાં આવી છે અને કેટલીક માનવનિર્મિત છે. હાલમાં જ ચીનમાં એક અનોખી રેલ ટેકનોલોજી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
ચીને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એટલી પ્રગતિ કરી છે કે તે હવે અમેરિકા અને યુરોપને પણ સ્પર્ધા આપી રહ્યું છે. ચીનની આ જબરદસ્ત રેલવે સિસ્ટમ જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને @sachkadwahai નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં એક ટ્રેન 19 માળની ઇમારતની અંદરથી પસાર થાય છે અને ઇમારતની બહાર નીકળીને તે પુલ પરથી આગળ નીકળે છે. પુલની નીચે ઉભેલા અનેક લોકો આ ટ્રેનનો વીડિયો બનાવી રહ્યા છે.
આ ટ્રેન ચીનના ચોન્ગકીંગ શહેરની છે. જેમાં આકાશને આંબતી અનેક ઇમારતો આવેલી છે. આ રેલવે લાઇનની શરૂઆત 2004માં થઇ હતી. એટલે કહી શકાય કે લોકો મોંમાં આંગળા નાખી દે તેવી આ ટેકનોલોજી ખરેખર તો એક દસકા જેટલી જૂની છે. ત્યાં રહેતા સ્થાનિકોનું પણ કહેવું છે કે લગભગ દરરોજ આ રીતે ઇમારતમાંથી ટ્રેન પસાર થાય છે અને ઇમારતમાં રહેતા કોઇને પણ કોઇ જાતની હેરાનગતિ થતી નથી. સોશિયલ મીડિયા પર હજારો લોકો આ વાઇરલ વીડિયોને લાઇક કરી ચુક્યા છે.