Homeરોજ બરોજભારત ક્યારે ફૂટબોલના વિશ્વ કપમાં ગોલ કરશે?

ભારત ક્યારે ફૂટબોલના વિશ્વ કપમાં ગોલ કરશે?

રોજ બરોજ – અભિમન્યુ મોદી

આંખોને આંજી દે એવા ફીફા કપનો પ્રારંભ થઈ ગયો છે. દર્શકોની દૃષ્ટિએ દુનિયાની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં ૩૨ ટીમમાં કુલ ૮૩૨ ખેલાડી રમશે. ૨૯ દિવસમાં કુલ ૬૪ મેચ યોજાશે, જેમાં દસ દિવસ ચાર-ચાર મેચ છે. ફાઇનલ ૧૮ ડિસેમ્બરે લુસૈલ સ્ટેડિયમમાં યોજાશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉદ્ઘાટન સમારંભમાં પહોંચ્યા હતા અને તેમણે ખેલાડીઓએ પ્રોત્સાહિત કર્યા હતા. આ યાદગાર ક્ષણોને તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી હતી. ગણતરીની ક્ષણોમાં કમેન્ટ્સનો ઢગલો થઈ ગયો. જેમાં એક જ સવાલ હતો. ભારતની ટીમ ક્યારે ફુટબોલના વિશ્ર્વકપમાં ભાગ લેશે? આવી કમેન્ટ્સ કરનારને એક પ્રશ્ર્ન પૂછવાનું મન થાય, ભારતની ફૂટબોલ ટીમમાં ટોટલ કેટલા ખેલાડી છે? રમતવીરોના નામની ખબર છે? કેપ્ટન કોણ છે? હાથ અને આંગળી ગુગલ પર જતી રહેશે પણ ત્વરિત જવાબ નહીં મળે. કારણ કે ગુગલ પર પણ કોઈ તેમના વિશે સર્ચ નથી કરતું.
ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટનનું નામ સુનિલ છેત્રી છે. એ છેત્રી જેમના નામે આજે પણ રોનાલ્ડો અને મેસ્સી કરતા વધુ ગોલ કરવાનો સિમાંકન ફૂટબોલના ઇતિહાસમાં નોંધાયેલો છે. છતાં છેત્રીને ફીફા છેતરતું હોય અને અન્ય રાષ્ટ્રોને છાવરતું હોય તેવા ઘાટ આજે ઘડાઈ રહ્યા છે. ભારતની રાષ્ટ્રીય રમતની હાલત પણ વેન્ટિલેટર પર જ છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે ૧૯૫૦થી ૧૯૬૦નો દાયકો હૉકી ઉપરાંત ભારતીય ફૂટબોલનો સુવર્ણકાળ ગણાય છે.
૧૯૫૦ના દાયકામાં ભારતની ફૂટબોલ ટીમ એશિયાની સૌથી મજબૂત ટીમ ગણાતી હતી. દુનિયાના અનેક દેશોમાંથી ફૂટબોલ રમવા આમંત્રણ મળતું પરંતુ નાણાના અભાવે ખેલાડીઓ બહાર જવા અસમર્થ હતા. એ સમયે સૈલેન મન્ના, પ્રમોદકુમાર બેનરજી, પીટર થંગરાજ, જરનેલસિંહ ઢિલ્લો જેવા અનેક ધૂરંધર ખેલાડી હતા. ભારતીય ફૂટબોલના ગોલ્ડન સમયની વાત નીકળે ત્યારે સૈલેન્દ્રનાથ મન્નાનું નામ પણ ખૂબજ આદરથી લેવાય છે.૧૯૫૧માં સૈલેન મન્નાના નેતૃત્વમાં ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ સ્વતંત્ર ભારતમાં ફૂટબોલ ક્ષેત્રે એક નવો અધ્યાય લખાયો હતો. ૧૯૫૨થી ૧૯૫૫ સુધી સતત ચાર વર્ષ પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા વચ્ચે ફૂટબોલ સિરીઝ રમાઇ જેમાં કેપ્ટન મન્નાએ જીતની હેટ્રિક લગાવી હતી. ૧૯૫૩માં ઇગ્લિશ ફૂટબોલ એસોસિએશને મન્નાને વિશ્ર્વના ૧૦ શ્રેષ્ઠ ફૂટબોલ કેપ્ટનમાં સ્થાન આપ્યું હતું.
૧૯૬૨માં વિપિત્તીઓનો વરસાદ થયો હતો. અનેક અભાવો અને અસુવિધાની વચ્ચે પણ જીત મેળવી શકાય છે તેવી શીખને ભારતની ફૂટબોલ ટીમે વર્ષો પહેલા જર્કાતામાં સાબિત કરી હતી. ૧૯૬૨માં મલેશિયાના જકાર્તા ખાતેના એશિયાડ ફૂટબોલ મેચમાં ગોલ્ડ મેડલની મળેલી સિદ્ધિ ભારતીય ફૂટબોલની છેલ્લી સફળતા ગણવામાં આવે છે. જર્કાતામાં રાજકીય કારણોસર ઇઝરાયેલ અને તાઇવાનને ભાગ ન લેવા દેતા ભારતે મેજબાન દેશ ઇન્ડોનેશિયાની ટીકા કરી હતી. આથી સ્થાનિક લોકોમાં ભારત અને ભારતના ખેલાડીઓ માટે રોષ જોવા મળતો હતો. આ રોષના લીધે જ ભારતીય ટીમ જાણે કે દુશ્મન હોય તેવો પણ વ્યહવાર થયો હતો. જયારે ભારતની ફૂટબોલ ટીમ સ્ટેડિયમમાં હાજર થઇ ત્યારે એક લાખથી વધુ સ્થાનિક પ્રેક્ષકોએ અપશબ્દોમાં તીર વરસાવ્યા ત્યાં સુધી કે મેચ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીતને પણ સન્માન આપવા માટે તૈયાર થયા ન હતા.
કોઇપણ ભારતીય ખેલાડી પાસે બોલ આવે ત્યારે એટલો શોરબકોર થતો કે રેફરીની સિટી પણ ન સાંભળાય. તેમ છતાં ભારતીય ફૂટબોલ ટીમે જબરદસ્ત પ્રદર્શન કરીને દક્ષિણ કોરીયાની ટીમને ૨ -૧થી પરાજય આપ્યો હતો. અગાઉ મેડલ માટે યોજાયેલી લીગ મેચમાં દ.કોરીયાએ ભારતને હરાવ્યું હોવાથી તે જીત માટે વધુ ફેવરિટ માનવામાં આવતી હતી. અધૂરામાં પુરું મેચ રમતા ભારતના ફૂટબોલ ખેલાડીઓને ફિટનેસની પણ સમસ્યા નડી હતી.
ગોલકિપર થંગરાજને ફલુની બિમારી થઇ હતી. ત્રિલોકસિંહ નામના ખેલાડીના પગના અંગુઠાનો નખ ઉખડી ગયો હોવાથી ભયંકર પીડા થતી હતી. જરનૈલસિંહને માથામાં ઘા પડેલો જે ચાલુ રમતે પહોળો થતા લોહી વહેવા લાગ્યું હતું. આવી પરિસ્થિતિ હોવા છતાં તેમણે મેદાન છોડ્યું નહિ. કારણ કે ખેલાડી બદલી નાખવાનો એ સમયે નિયમ ન હોવાથી જો એ બહાર જાય તો એક ખેલાડીની ખોટ પડે એમ હતી. છતાં ખુમારીપૂર્વક બોલ અને ગોલ સાથે તાદમ્ય કેળવી ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છતાં આજે ફીફાના લિસ્ટમાં ભારતનું રેન્કિંગ ૧૦૬ છે. એટલે કે તે ટોપ-૧૦૦ દેશોમાં પણ સામેલ નથી.
વર્ષોથી એક જ વાક્ય વાંચવા અને સાંભળવા મળે છે કે, ‘ભારતમાં ક્રિકેટ બધી રમતને ગળી ગઈ’ પરંતુ ક્રિકેટને માથે ચડાવ્યું કોણે? પ્રેક્ષકોએ જ ને! ભારતમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હૉકી અને ફૂટબોલમાં જ દર્શકો ખેંચાઈ આવતા હતા. ૮૩માં ઇન્ડિયન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો ત્યારથી ક્રિકેટે પોતાનો સિક્કો જમાવવાનો શરૂ કર્યો અને આજે પણ એ સ્થિતિ યથાવત્ છે. શાળા કક્ષાએથી બાળકોને એવું શિક્ષણ આપવામાં આવે છે કે ફૂટબોલ, હૉકી, ટેનિસ કે ચેસ રમવાથી કારકિર્દી નહીં ઘડાઇ, તાલીમમાં પૈસાનું પાણી થશે અને સફળ થયા તો પ્રેક્ષકો અને સન્માન બન્નેમાંથી કંઈ નહીં મળે જ્યારે ક્રિકેટ તો કાવડિયા રળી આપશે. આ માનસિકતાને કારણે અનેક આશાસ્પદ રમતવીરોએ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પાછળ સમય વેફડી નાખ્યો તો ઘણાંએ રમતગમતના ક્ષેત્રને જ તિલાંજલિ આપી દીધી. ફૂટબોલ ક્રિકેટ કરતા અઢળક કમાણી કરે છતાં ઉપેક્ષા ને જ પાત્ર બને છે.
વિશ્ર્વમાં ભારતીય ફુટબોલની ટીમને ફીફાથી દૂર રાખવામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિવાદોનો પણ મોટો ફાળો છે. ૭ મહિના પૂર્વે જયારે ફીફાનો સિલેક્શન રાઉન્ડ શરૂ થયો હતો. ત્યારે ફીફાએ વિશ્ર્વ કપ રમવામાં ભારત પર પ્રતિબંધ મૂકી દીધો અને ફીફાએ ભારત પાસેથી ઑક્ટોબરમાં યોજાનારા અંડર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની પણ આંચકી લીધી હતી. અચાનક સત્તાધારી પક્ષના ધ્યાને આ વાત આવી. ગુજરાતની ચૂંટણી અને ફીફા બન્ને એક જ સમયે આકરા લેવાના હતા. જો સરકાર કોઈ કડક પગલાં ન લે તો ચૂંટણી પર સીધી અસર પડી શકે એટલે તાત્કાલિક ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને નોટિસ ફટકારવામાં આવી. મીડિયાને ધ્યાને નોટિસ આવી અને મુદ્દો એવો ચગ્યો કે ખુદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. ત્યારે સત્ય સામે આવ્યું કે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે પ્રફુલ પટેલે તેમની ત્રીજી ટર્મ અને ૧૨ વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર, ૨૦૨૦માં પૂર્ણ કરી લીધો છતાં પદ છોડવા તૈયાર નથી. ભારતીય સ્પોર્ટ્સ કોડ અંતર્ગત કોઈ પણ રાષ્ટ્રીય ફેડરેશનના પ્રમુખ તરીકે મંજૂર કરવામાં આવેલો આ મહત્તમ સમયગાળો છે. પાછું પ્રફુલ પટેલ ફુટબોલની ટીમનું સંચાલન કરે છે. સંચાલન પણ કેવું સંસાધન વિહોણું, મૂળ તો પ્રફુલ પટેલ કૉંગ્રેસી એટલે સત્તાધારી પક્ષ અકળાયો. તુરંત પટેલભાઈને બરતરફ કર્યા જ્યારે પ્રમુખને પાણીચું પકડાવવામાં આવે ત્યારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કમિટિ ફરી સરકારના હાથમાં આવી જાય છે. એ ફીફાના નિયમોની વિરુદ્ધ છે.
નિયમાનુસાર ફીફામાં ભાગ લેતી ટીમ પાસે મોટું ભંડોળ હોવું જોઈએ અને તેનું સંચાલન સરકાર હસ્તક ન હોવું જોઈએ. આ મથામણનો ઉકેલ પણ સરકારે શોધી કાઢ્યો. તાબડતોબ ફૂટબોલના પૂર્વ ખેલાડીઓ વચ્ચે આંતરિક ચૂંટણી યોજી, જેમાં ભારતના ભૂતપૂર્વ કલબ ફૂટબોલર અને પશ્ર્ચિમ બંગાળના ભાજપના નેતા કલ્યાણ ચૌબે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. પરંતુ ત્યાં સુઘીમાં ફીફાના નામાંકનનો સમય જતો રહ્યો અને બધી આશા ઠગારી નિવડી. છેલ્લા બે વર્ષથી મુકેશ અંબાણી ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે ખાસ ઈન્ડિયન સુપર લીગનું પણ આયોજન કર્યું છે. જે આજે ભારતમાં ચાલી રહી છે. તેમાં આઈપીએલની માફક સમગ્ર ભારતના વિવિધ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી ફૂટબોલની ટીમ વચ્ચે જોરદાર મેચ રમાઈ રહ્યો છે. છતાં ભારતમાં કોઈને ખબર છે? જયાં સુધી ભારતના પ્રેક્ષકો જ ફૂટબોલને મહત્ત્વ નહીં આપે ત્યાં સુધી ફૂટબોલ પણ આમ જ અદૃશ્ય રહેશે. તેને દૃશ્યમાન કરવાની જવાબદારી ભારતના નાગરિકની છે. આ ફીફામાં તો ફાંફા પડ્યા હવે જોવાનું રહેશે કે ૨૦૨૬માં યોજાનાર ફીફા વર્લ્ડ કપમાં ભારતને સ્થાન મળશે કે નહીં! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular