કન્યા...
રાશિફળ

કન્યા…

પ, ઠ, ણ

જલધારા દિપક પંડ્યા

આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુગ્રહ દસમા ભાવે રહે છે જે તા. 1-6-2026થી અગિયારમાં ભાવે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. શનિ દેવ સાતમા ભાવે અને રાહુ વર્ષારંભથી છઠ્ઠા ભાગે અને કેતુ બારમા ભાવે સ્થિર છે. જે મધ્યમ ફળ આપનાર છે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- આ વર્ષે માનસિક રીતે એકલાપણું અનુભવશો. આ તમારો ભ્રમ છે, પણ માનસિક સ્થિતિ સારી પણ નહીં રહે. અશાંતિ – વ્યગ્રતાથી અને સતત વિચારશીલ મન તમારા મનને અસ્વસ્થ બનાવી શકે છે. તમારે ઉત્સાહભર્યા વાતાવરણમાં રહેવા અને આનંદ – ઉલ્લાસમય રહેતા વ્યક્તિના સંપર્કમાં રહેવું જરૂરી બનશે. વયોવૃદ્ધે આધ્યાત્મિક તરફ પ્રયાણ કરવું યોગ્ય રહે. માનસિક સ્વસ્થ થવા દવા લેવાની ન થાય તેવા હકારાત્મક વિચારો અપનાવશો.

શારીરિક આરોગ્ય મધ્યમ રહે. હૃદય-છાતીના દર્દો થવાની શક્યતા છે. પ્રેશરની બીમારી આવી શકે. પેટમાં વાયુ વિકાર વધી શકે. શરીરમાં વાયુનું શમન થાય તેવા ઉપચાર કરવાથી નિરોગી બની રહેશે.

પારિવારિક:- પરિવારમાં સુખ – શાંતિ – સમૃદ્ધિ હશે. પણ તમને સંતોષ મળશે નહિ. રચનાત્મક કામ અને વડીલોની સાથે બેસી વાત કરવાથી પરિવારની મુશ્કેલીનો અંત આણી શકશો. દાંમ્પત્ય જીવનમાં મીઠા ઝઘડા થાય. મોટી તકલીફ નથી. જીવનસાથીના આરોગ્ય અંગે કૅર લેવી યોગ્ય રહેશે.સંતાન અંગેના પ્રશ્ર્નો ઉકેલાય. વિવાહ કે સગાઈ થવાની હોય તેવા યુવાનોને વાણી-વર્તણૂકમાં સુધારો કરવો યોગ્ય રહેશે.

નોકરી-વેપારી વર્ગ:- આ વર્ષે રોજગારી શું કહેવાય અને બેકારીમાં કેવી દશા થાય તેવા અનુભવ કરી શકશો. ચાલુ નોકરીમાં ખૂબ જ કાળજી લેવી. ખોટી ટીકા-નિંદાથી ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારી વધુ પડતી જવાબદારી નોકરીમાંથી બરતરફ કરાવશે અને જે છે તેમાં સંતોષ માની નવી નોકરી માટે પ્રયત્ન ન કરશો. ‘ચડતા રોટલાને પાટું મારવાથી’ પસ્તાવું પડશે. સરકારી નોકરિયાતને સસ્પેન્ડ થવું પડે. તમારા નોકરીના હકક માટેના પ્રશ્ર્નો હલ થશે નહિ. માટે તમારા હોદ્દા પ્રમાણે કાર્યભાર સંભાળી લેવો યોગ્ય રહેશે. વેપારમાં જ્યાં હાથ નાખશો ત્યાં સોનાની ખાણ જ હાથ લાગશે. ટુંકમાં વેપારમાં ખૂબ જ પ્રગતિદાયક સમય રહેશે.

આર્થિક સ્થિતિ:- આપના આ વર્ષનું બજેટમાંથી જમા પાસુ સારું સૂચવે છે. નાણાકીય સમય શ્રેષ્ઠ છે. જૂની ઊઘરાણી પરત આવશે. વિદેશથી ધન લાભ થાય. ખર્ચા સામે આવક ટકી શકશે. શૅર લોટરીથી ધનલાભ થાય. આકસ્મિત ધનલાભ છે. દ્રવ્ય સુખ વધશે.

સ્થાવર સંપત્તિ સુખ:- આ વર્ષ ‘એક મહલ હો સપનો કા’ વાકય પ્રમાણે તમારા ઘરનાં ઘરની ઈચ્છા પૂર્ણ થાય. નવું મકાન લઈ શકશો. મોટું વાહન ખરીદી શકશો. તેના માટે જરૂરી લોન પાસ થઈ શકશે. રાચ-રચીલાયુક્ત સુંદર નિવાસસ્થાન ધરાવશો.

શત્રુ-મિત્રવર્ગ:- આ વર્ષ તમારે છુપા શત્રુ અને સામસામે શત્રુતા દર્શાવતી વ્યક્તિઓ વધતા જણાશે. શત્રુથી ભય કે ત્રાસ ના થાય માટે મૌનવ્રત ધારણ કરવું અને ચુપચાપ તમારા કાર્યમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું યોગ્ય રહે. જૂના કેસમાં વિજય મળે. શત્રુઓની પીછેહઠ ત્યારે થાય જ્યારે તમારી ચાલ – વિચાર અને તમે શું કરવા માગો છો તે કળી ન શકે.

મિત્રવર્ગથી મીઠાબોલા બહારના સંબંધો રાખવા. તમારા જીવનના અગત્યના પ્રશ્ર્નોના બધા જ પાનાં મિત્રો સામે ના ખોલશો. વિશ્ર્વાસઘાત થાય તેમ છે. મિત્રોથી નાણાકીય વ્યવહાર ના કરવા.

અભ્યાસ:- વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મહેનત કરશે તો શુભ પરિણામ મળશે જ. ઉચ્ચ અભ્યાસમાં મહેનત તમારી રંગ લાવશે જ.

(1) કારકત:- વિવાહ માટે વાતચીત ચાલતી હશે તો આ સમયે ‘હા’માં જવાબ મળશે. પરિવારની સંપૂર્ણ જવાબદારીથી દબાયેલા રહેશો. ન ધારેલા સાહસ દ્વારા સફળતા મેળવશો.

(2) માગશર:- વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. ત્યાં જવાની ફાઈલમાં તમારું ધાર્યું ફળ મળશે. સહોદર સાથે બાંધછોડ કરશો તો સંબંધો સુધારી શકશો.

(3) પોષ:- જમીન – મકાન – વાહન સુખની ઈચ્છા પૂર્ણ થાય. નવા વાહન ખરીદી શકો. ઘરમાં રાચ-રચીલાયુક્ત વસ્તુ વસાવી શકશો. વેપારમાં નવી મિલકત વસાવો. વેપારમાં વૃદ્ધિ થાય.

(4) મહા:- વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં ઈત્તર પ્રવૃત્તિમાં આગવું સ્થાન મળે. સંતાનોની પ્રગતિ થાય. તેમના કાર્યો સિદ્ધ થતા જોશો. તમારે શૅર-લોટરીથી લાભ. મિત્રવર્ગથી લાભ – ધનલાભ થાય.

(5) ફાગણ:- નોકરીમાં અધિકારી સાથે મતભેદ થાય. વિવાદ વધે. ખોટા આળ કે કલંક લાગે તેમ છે માટે નોકરીમાં સાવધાની રાખવી. ઘરમાં નોકરવર્ગથી સાવચેતી રાખવી.ચોરી થવાનો ભય રહે.

(6) ચૈત્ર:- વિવાહિત જીવનમાં રથના પૈંડામાં હાલક – ડોલક થતા જોવા મળે. શંકા-વહેમથી દૂર રહેવું યોગ્ય રહે. જાહેર સમાજમાં અપમાનના ઘૂંટતા પીવા પડે તેમ છે. માટે મોટી જવાબદારી ના લેવી.

(7) વૈશાખ:- સગાઈ કે વિવાહ થવાના હોય તે માટે વાણી – વર્તન અને ક્રોધ પર કાબૂ રાખવો. ફોક થવાના યોગ છે. જીવનસાથીને શસ્ત્રક્રિયા થાય કે આકસ્મિક સંકટ ઊભું થાય. રાજકીય ક્ષેત્રે નુકસાન થાય. વેપારમાં ભાગીદારથી વિશ્ર્વાસઘાત થાય.

(8) અધિક જેઠ:- વેપારમાં વધારો થાય. વારસાગત મિલકત મળે. ભાગ્ય સાથ આપે. પ્રવાસ થાય. સારા વર્ગના મિત્રોથી લાભ થાય. ભાગીદારીથી લાભ થાય.

(9) જેઠ:- વેપારમાં વધારો થાય. વિદેશને લગતી વસ્તુનો – આયાત – નિકાસ કરનારને ધનલાભ પ્રદાન કરનાર સમય રહે. મિત્રોથી સફળતા માટે મદદ મળે. વાણી પર સંયમ રાખવો. ખર્ચ ઓછા કરવા.

(10) અષાઢ:- આંખ – ગળાના – ચામડીના રોગમાં રાહત થાય. વેપારમાં પ્રગતિના પંથે જઈ રહ્યા છો. હરીફોથી આગળ વધશો. મિલકતમાં વધારો થાય.

(11) શ્રાવણ:- દાંમ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. યુવાન વર્ગને સગાઈ/વેવિશાળ નક્કી થાય. નોકરિયાત વર્ગને બદલી થાય. આવકમાં વધારો થાય.

(12) ભાદરવો:- વિદેશમાં જવાની ઈચ્છા પૂર્ણ થાય. ધાર્યા કાર્યો પાર પડતા જણાય. આવક વધશે. સરકારી કાર્યોમાં પ્રશ્ર્નો ઉકેલાય. આરોગ્ય કથળે.

(13) આસો:- પરિવારમાં વાણી દ્વારા જૂના સંબંધો ફરી બંધાય. આવક વધશે. વિદેશથી લાભ થાય. પ્રવાસ – યાત્રા વ્યર્થ ભ્રમણ સૂચવે છે.

આમ આ વર્ષ આપના માટે ઊગતા સૂર્યની પ્રથમ કિરણ સોનેરી સપનાં સાકાર કરનાર રહે. પહાડ જેવું અણમન પર તમારો આત્મવિશ્ર્વાસને ડગવા ના દેશો. પ્રભુ ભક્તિમાં જોડાયેલ મન તમારા શુભ કાર્યોને પારખી શુભ પરિણામ આપશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button