સિંહ...
રાશિફળ

સિંહ…

મ, ટ

જલધારા દિપક પંડ્યા

વર્ષની શરૂઆતમાં ગુરુ અગિયારમા ભાવે રહે છે. તારીખ 1-6-2026થી બારમા ભાવે ગુરુગ્રહ ભ્રમણ કરશે. જે મધ્યમ ફળદાયી રહેશે. ધાર્મિક યાત્રા કરાવે. શનિ મહારાજની નાની પનોતી લોખંડના પાયે શરૂ થઈ છે જે કર્મરૂપી સાથે લટકતી તલવાર જેવી રહેશે. આઠમા ભાવે શનિદેવ જીવતા નરક જેવી સ્થિતિ આપશે, પણ કર્મ જો સારા અને સાચા હશે તો શનિ તમારું કાંઈ જ બગાડી નહીં શકે. રાહુ વર્ષની શરૂઆતથી સાતમા ભાવે રહી દેહ ભુવનને જુએ છે અને કેતુ પ્રથમ ભાવે રહે. જીવનની પરિવર્તન નોંધ કરાવી રહેશે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- દેહ ભુવને કેતુ તમારા આધ્યાત્મિક માર્ગને મોકળો બનાવે છે. મન તો ઈશ્ર્વરનું શરણું લેવા જાશો તો બેડો પાર થઈ જાશે પણ માયાવી દુનિયાની પંચાતમાં ફસાઈ જાશો તો મનથી નિરાશા – ભાંગી પડશો. જીવન જીવવા માટે નવસર્જન અને પરિવર્તન જરૂરી છે. આ વાક્ય પ્રમાણે તમારે વર્તણૂક બદલાવી પડશે. કોઈ મનબળોને પાછું પાડવા ઈચ્છે તો તમે હાર ન માનતા પ્રયત્ન ચાલુ જ રાખશો. મનની ઈચ્છા અને આશાને જીવંત રાખવા પ્રયત્ન ચાલુ જ રાખવા. તો માનસિક સ્થિતિ સારી રહેશે.

આરોગ્ય માટે આ વર્ષ અવારનવાર ડૉક્ટરની મુલાકાત લેવી પડશે. દવા લાંબો સમય ચાલે તેવો સમય સૂચવે છે. પિત્ત પ્રકૃતિજન્ય – ચામડીના રોગ થાય. માથેના મારી મુકશો. પેટને લગતી બીમારીમાં આહાર-વિહારમાં ખૂબ જ ચીવટ માગી લેશે. વયોવૃદ્ધને તબિયત અંગે ખૂબ જ કાળજી લેવી પડશે.

પારિવારિક:- શનિ ગ્રહની દૃષ્ટિ પરિવારના સ્થાને રહેશે. અને શનિદેવ કર્મના ફળ પરિવાર અને શરીરથી વધુ આપે છે. માટે આ વર્ષ પરિવારની સાંકળમાંથી છૂટકારો નહીં મળે. સહપરિવાર યાત્રા-ધાર્મિક પ્રવાસ કરી શકશો. વડીલો તમારી સેવા લેશે. દાંમ્પત્ય જીવનમાં નાની બાબતે ચકમક રહ્યા કરશે. વિવાહ કે સગાઈ થવાના હોય તેમણે ખાસ વર્તણૂકમાં ધ્યાન રાખવું નહીંતર ફોક થઈ શકે છે. સંતોનાની પ્રગતિ થાય. સંતાન અંગેની ઈચ્છા પૂર્ણ થાય.
પરિવારથી તમે કપરા સમયને પાર કરી જશો. કુટુંબના સભ્યોની મદદ અને સહાકરથી સુખદ પળો વર્ષમાં માણી શકશો.

નોકરી – વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને વર્ષ શુભ રહે. ઉપરી અધિકારી સાથે સમાધાન થાય. આવક વધશે. કાયમી નોકરી મળી શકે. તમારા સરકારી પગાર લેવાના સ્વપ્નો સાકાર થતાં જોશો.

વેપારમાં સમય સારો રહે. પણ વિશ્ર્વાસઘાતથી સાવધાની રાખવી. ભાગીદારીથી દગો થાય. અજાણ્યા વ્યક્તિથી છેતરામણી થાય. વેપારી વર્ગને સમયસૂચકતા વાપરી યોગ્ય નિર્ણય કરવો પડશે. નવા વેપાર માટે સમય મધ્યમ રહે.

આર્થિક સ્થિતિ:- આવક માટે વર્ષ શુભ છે. લક્ષ્મીજીના પગલાં તમારા આંગણે દિવાળીએ પધરામણી કરશે. નાણાકીય દૃષ્ટિએ વર્ષ શુભ છે. ધાર્મિક યાત્રા ઘણી જ થાય. તેની પાછળ નાણાં ખર્ચા થાય. ભાવિની બચત કરી શકશો.
સ્થાવર મિલકત માટે લોન મેળવશો. ખોટા ખર્ચા પર કાબૂ મેળવી શકશો. આકસ્મિક ધનલાભ સારો થાય. વર્ષની મધ્યમાં થોડો કપરો સમય નાણાકીય રીતે રહેશે.

સ્થાવર સંપત્તિ સુખ:- નવા વાહન – મકાન અંગેની ખરીદી થાય – તમારા નવા મકાનમાં જવાની ઈચ્છા પૂર્ણ થાય. વારસાગત મિલકતનો ઉકેલ સમાધાનથી આવશે. તમારા જૂના કોર્ટમાં ગયેલ મિલકતના કાર્યો પૂર્ણ થાય. તે અંગે જરૂરી લોનો પણ મેળવી શકશો. નવા મોટા વાહનની ખરીદી થાય.

શત્રુ – મિત્રવર્ગ:- મીઠાબોલા – છુપા શત્રુઓ વધશે. તમારી ગુપ્ત બાબતો રાખવી પડશે. વિચિત્ર અનુભવ શત્રુ તરફથી થાશે. માટે ‘બંધ મુઠ્ઠી લાખની ખોલી તો રાખની” આ ઉક્તિને ધ્યાનમાં રાખવી. તમારે શત્રુ આગળ કે મિત્ર આગળ મૂક પ્રેક્ષક બનીને રહેવાનું છે. શત્રુ તમારો જાણતા હશો છતાંય ચૂપ રહેવું. સમયની રાહ જોવી યોગ્ય રહે.

મિત્ર વર્ગથી સમાધાનની ભાવના રાખવી. જૂના મિત્રો સાથે ફરી સારા સંબંધો બંધાય. મિત્રોથી ધનલાભ થાય. મિત્રો સાથે મોજ-મસ્તી આનંદની પળો માણી શકશો.

અભ્યાસ:- વિદ્યાર્થી વર્ગને પરીક્ષામાં પાસ તો થઈ જાશો પણ મહેનત માગી લે તેમ છે. અભ્યાસ અર્થે વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. સારી લાઈન અભ્યાસ માટે યોગ્ય દિશા મળી શકશે અને નક્કી કરેલ દિશામાં અભ્યાસની શરૂઆત કરી શકશો.

(1) કારતક:- સ્થાવર મિલકતની ખરીદી થાય. વારસગત મિલકતમાં ધનખર્ચ થાય. નિર્ણય શક્તિનો અભાવ રહેશે. વેપારમાં મધ્યમ ફળ મળે.. નોકરીયાત વર્ગને લાભપ્રદ સમય રહે.

(2) માગશર:- લાંબો પ્રવાસ થાય. મોજ-મનોરંજનયુક્ત સમય પસાર થાય. આરોગ્ય સુધરે. નોકરી અર્થે બહાર જવાનું થાય.

(3) પોષ:- શૅર-લોટરીથી લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય – સંતાન અંગેની ઈચ્છા પૂર્ણ થાય. તમારા અભ્યાસમાં ધાર્યા પરિણામ મેળવી શકશો. ખાન-પાનમાં પરેજી રાખવી.

(4) મહા:- આ સમય શત્રુ-મિત્રને ઓળખવા અઘરા બનશે. જૂના દેવામાંથી મુક્તિ મળે. કોર્ટના કાર્યમાં સફળતા મળે. નોકરી ઉચ્ચપદ – પ્રમોશન મળે – નોકરીમાં બદલી કે નોકરી તમે બદલવા ઈચ્છતા હોય તો સફળતા મળશે.

(5) ફાગણ:- આ સમય જાહેર જીવનમાં સંકળાયેલા હશો તો તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. અપયશ મળે કે કંલકિત થવું પડશે. દાંમ્પત્ય જીવનમાં છૂટાછેડા સુધીની વાત આગળ વધી ના જાય તેની મર્યાદા રાખશો. નોકરીમાં તમારું સ્થાન ટકાવી શકશો. તમારી પીઠ પાછળ નિંદા કરનાર શત્રુ તમારું કશું બગાડી નહીં શકે. ચડવા-વાગવાથી સાચવવું.

(6) ચૈત્ર:- જીવનસાથી સાથે વિવાદ ન કરવો. સમયને માન આપી શાંતિથી સમય પસાર કરવો. જીવનસાથીની આરોગ્ય અંગે તકલીફ વધશે. શસ્ત્રક્રિયા થાય. રાજકીય ક્ષેત્રે સ્થાન ભ્રષ્ટ થાય કે પદથી વિમુક્ત થવું પડે.

(7) વૈશાખ:- આ સમય આવકની બાબતે શુભ છે. તમારી નાણાકીય અટકેલા કાર્યો પૂરા થાય. વાણીથી સંબંધો બગડે. ભાગ્ય સાથે આપે. તમારા સરકારી ખોરંભે ચડેલા કાર્યો એકાએક પૂર્ણ થાય. રાજકીય ક્ષેત્રે સ્થિતિ ડહોળાયેલી જ રહેશે. પણ તમારા પદ પ્રમાણે કાર્યથી મુક્ત ના થવું.

(8) અધિક:- જેઠ:- વેપારમાં પ્રગતિ થાય. નવી દિશા મળે. મિત્રોથી લાભ થાય. નોકરીમાં મિત્રોથી શુભ સમય રહે. પરિવારમાં આનંદમય સમય પસાર થાય. દાંમ્પત્ય જીવનમાં સુગમતા રહેશે.

(9) જેઠ:- નાની-મોટી ધાર્મિક યાત્રા સુખદ રહેશે. વિદેશમાં મિલકત વસાવવાનો વિચાર શુભ રહેશે. તમારી વેપાર માટેની યોજના સાકાર થતી જણાય.

(10) અષાઢ:- તમારી મોટા વગ ધરાવનાર વ્યક્તિની ઓળખાણ થાય અને મિત્રતામાં ફેરફાર થાય. વેપારમાં ભાગ્ય સાથ આપે છે. વેપારમાં પ્રગતિ જોઈ શકશો. સમાજમાં ઉચ્ચ પદ ધરાવનાર વ્યક્તિથી લાભ થાશે. બુદ્ધિથી સરકારી કાર્યોમાં સફળતા મેળવશો.

(11) શ્રાવણ:- આ સમય સપરિવાર યાત્રા પ્રવાસ માટે શ્રેષ્ઠ રહેશે. નોકરિયાત વર્ગને સમય શુભ રહેશે. વેપારમાં યશ કીર્તિ વધે તેવા કાર્યો થાય.

(12) ભાદરવો:- તમારા ધારેલા સર્વ કાર્યો પૂર્ણ થથા જણાય. આરોગ્ય અંગે પડવા વાગવાથી કાળજી લેવી. સ્થાવર મિલકતમાં લાભ થાય. સહોદરથી મોજ-મનોરંજન મેળવો.

(13) આસો:- આ સમય જીવનસાથી સાથે સમાધાનથી પાર કરવાનો છે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વિવાદ થાય. સાહસભર્યા કાર્યો થાય. નાની-મોટી યાત્રા ઘણી જ થશે. પરિવારથી આર્થિક ધનલાભ થાય. આરોગ્ય કથળે.

આમ આ સમય બંધનમાં હશો, પણ પરિવારથી મિત્રથી – સમાજ, કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરવામાં સાંકળ તમને ભરાયેલી રહેશે. તમારે બંધ સાંકળે તાળું ખોલી રહેવાનું છે. પરિવારમાં અનિચ્છનીય બનાવ બનશે પણ હરિ ઈચ્છા માની લેવી પડશે. રાજકીય ક્ષેત્રે કાટાળો મુગટ તમને પહેરાવશે અને પગમાં સાંકળ બાંધેલી હોય તેવો અનુભવ તમે તમારા પદ પરથી નક્કી કરશો. કુદરતના સાંનિધ્યમાં વ્યાધિ-ઉપાધિ બધું જ ભૂલી સમય સાથે સમાધાન કરી લેવું યોગ્ય રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button