મેષ...
રાશિફળ

મેષ…

અ, લ, ઈ

જલધારા દિપક પંડ્યા

આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ વર્ષની શરૂઆતથી ચોથા ભાવે રહે છે. જે તા. 5-12-2025થી વક્રી થઈ ત્રીજાભાવે આવે અને તા. 1-6-2026થી માર્ગી કર્ક રાશિમાં ચોથાભાવે ભ્રમણ કરશે. રાહુ ગ્રહ અગિયારમાં ભાવે શુભફળના દાતા બનશે. શનિ મહારાજ પ્રારંભથી જ બારમા ભાવે સાડાસાતીના પ્રથમ તબક્કો લોખંડના પાયે પનોતી બેસેલ છે જે આપને લોઢાના ચણા ચાવવા જેવો સમય કહેવાય.

માનસિક અને શારીરિક સ્થિતિ:- આ વર્ષ આપની માનસિક સ્થિરતા ડગમગ રહે. નિર્ણય શક્તિનો અભાવ જોવા મળશે. અમુક પ્રશ્નો એવા ઊભા થાય જેનો ન્યાય કરવો મુશ્કેલ બનશે. માનસિક તાણમાંથી મુક્ત બની ફક્ત સત્ય તરફ ન્યાય ન આપતા સમાધાની ન્યાય આપવા પ્રયત્ન કરશો. મનની પીડા બહાર દૃશ્યમાન નહીં થાય. ત્રીજા ભાવે ગુરુની સ્થિતિ અને બારમા ભાવે શનિ તમારી ઊંઘ હરામ ન થાય તો ભાગ્ય તમારું સોનાથી પણ રૂડું કહેવાશે.

શારીરિક આરોગ્ય અંગે તકલીફ રહેશે. પેટને લગતી તકલીફ વધશે. જરૂરી હશે તો શસ્ત્રક્રિયા પણ થાય. ખાન-પાનની પરેજી હશે તો વાયુ વિકારનાં દર્દોમાં રાહત અનુભવશો. મોટી બીમારી નથી પણ દવાખાનું બંધ નહિ થાય. કાયાને કંચનવર્ણી બનાવવા- આહાર-વિહારના સૂત્રને અનુસરશો તો વૈદ્ય તમારા ઘેર નહિ આવી શકે.

પારિવારિક:- આપની રાશિમાં ત્રીજા ભાવથી શનિ પરિવારને સાચવશે. જો તમારે ત્યાગવૃત્તિ રાખવી હશે તો. શનિ પારિવારિક જૂના સબંધો ફરી નવેસરથી એકડો ઘૂંટાવશે. વિવાહ યોગ્ય યુવાનો માટે સમય શુભ ગણાય. પ્રણયનાં પુષ્પો ખીલવી તો શકશો પણ સુગંધ ભેળવવી મુશ્કેલ બનશે. તમારી પરિવાર અંગેની ચિંતાઓ હળવી થતી જણાય. શુભ માંગલિક કાર્યો ઉકેલી શકશો.

સંતાન અંગેની ચિંતાઓ દૂર થાય. કુદરતની મદદથી સંતાનોની પ્રગતિમાં સફળતા મળે. વડીલોની આરોગ્ય અંગે ચિંતા વધારે. મીતભાષી બની મૂકપ્રેક્ષક બનશો તો પરિવારમાં તમારું સ્થાન ટકાવી શકશો.

નોકરી – વેપારી વર્ગ:- નોકરીયાત વર્ગને સમય મધ્યમ રહે, શનિ દેવની દૃષ્ટિ ન્યાયપ્રિય છે માટે નોકરીમાં જો ઈમાનદારી અને ખંતથી કાર્ય કરતા હશો તો તમારું સ્થાન ટકી રહેશે. નોકરીમાં સરકારી નોકરિયાતને મોટી જવાબદારી આવશે અને સાવધાની રાખવી જરૂરી બનશે. ખાસ અગત્યના દસ્તાવેજ-કાગળો-ફાઈલ અંગે જવાબદારી લેવાથી તકલીફમાં વધારો જ કરશે. નવી નોકરિયાત વર્ગને સમય મધ્યમ રહે. ઉપરી અધિકારી સાથે મતભેદ રહ્યા કરશે.
વેપારી વર્ગને નવાં કાર્યોમાં સફળતા મળે. ગુરુ ગ્રહની શુભદૃષ્ટિ વેપારમાં લોકપ્રિયતા આપશે. મોટી ઓળખાણ થાય અને મિત્રોથી વેપારમાં મોટા લાભ મેળવો. નાના પાયે વેપારી વર્ગને સમય શુભ રહે. આયાત-નિકાસના વેપાર વિદેશ વ્યાપાર અંગે આ વર્ષ શ્રેષ્ઠ રહેશે. વેપારમાં સરકારી નિયમોને આધીન રહી કરશો તો ‘હુકમના એક્કા’ જેવું પદ મેળવશો.

આર્થિક સ્થિતિ:- આપના આ વર્ષમાં વિદેશથી આવક વધશે. બહારના સંપર્કથી આવકમાં વધારો થાય. લોન દ્વારા જૂના દેવાની પતાવટ થાય. નાણાં ભીડ વર્ષની મધ્યમાં અનુભવશો. ઉઘરાણી પરત આવશે. શૅર-લોટરીમાં સાહસ ના કરવું યોગ્ય રહે. આવકનો મોટો ભાગ સ્થાવર મિલકત-કોર્ટ કચેરી અને દવા પાછળ વેડફાય નહિ તેની તકેદારી રાખવી. જૂની બચતો કામ આવે. વર્ષના અંતે ભાવિની બચત જોઈ શકશો. બંધ મુઠ્ઠી લાખની ખુલે તો રાખની આ ઉક્તિને અનુસરશો તો સમાજમાં આર્થિક સ્રોત ઊભા કરી શકશો.

સ્થાવર સંપત્તિ સુખ:- આ વર્ષમાં મુખ્ય સારું કાર્ય હશે તો તે સ્થાવર મિલકત વસાવવાનો પૂર્ણ થાય. તમારા મકાન-વાહન-દ્રવ્ય સંપત્તિ વસાવી શકશો. તમે વારસાગત મિલકતમાં પ્રશ્નો ઉકેલી શકશો. તમારી ઈચ્છાપૂર્તિ થઈ જાય.
નવા મકાનમાં રહેવા જવાની તમારી ઈચ્છા પૂર્ણ થાશે તે અંગે જરૂરી નાણાકીય કાર્યો લોન પાસ થવી. નાણાકીય મદદ મેળવી શકશો. પરિવારમાં સંપૂર્ણ સહકાર મળશે. વિદેશમાં નિવાસસ્થાન કે મિલકત વસાવી શકશો.

પ્રવાસ:- આ વર્ષે વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. નાની યાત્રા ધાર્મિક ઘણી જ થાય. ગંગા સ્નાનનું ફળ મળશે. તેવી યાત્રા ઘણી જ થાય. નોકરી-વેપાર અર્થે બહાર દૂર જવાનું થાય.

શત્રુ-મિત્રવર્ગ:- આ વર્ષે મિત્રથી વિશ્ર્વાસઘાત થાય. મિત્રો સાથે ખપ પૂરતો વ્યવહાર રાખવો. નાણાકીય આપ-લે ન કરવી. મોટી વગ ધરાવનાર મિત્રો સાથે સંબંધ બંધાય. રાજકીયક્ષેત્રે મિત્રતા કેળવાશે.

શનિદેવની દૃષ્ટિ છૂપા શત્રુ ઊભા કરાવશે તમારે ઓળખવાના રહેશે કે કોણ શત્રુ હિત છે અને કોણ મારું અહિત કરનાર શત્રુ છે. કોર્ટ કચેરીમાં સમાધાની રાખશો. જન્મના ગ્રહો કે મહાદશા અશુભ ફળ આપનારા હશે તો આ વર્ષે જેલના દર્શન થઈ શકે તેમ છે. માટે શત્રુને દૂર કરવા કરતા આપણે સાવધાની રાખવી યોગ્ય રહેશે. જૂના કેસની સુનાવણીમાં વિજય સામા પક્ષનો થાય તેમ છે. નવા કાયદાકીય દંડ/સજા ના થાય માટે સરકારી નિયમો-કાયદાનું પાલન કરી કોઈ કાર્ય કરવાની શરૂઆત કરશો.

અભ્યાસ:- સંશોધનક્ષેત્રમાં સફળતા મળે કોઈ સાધના-મંત્ર-સિદ્ધિના ક્ષેત્રમાં હશો તો સફળતા મળશે. અભ્યાસુવર્ગને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થાય.

(1) કારતક:- તમારી મનોરંજન યુક્તિ ક્રિયાઓ સારી રહેશે. વારસાગત મિલકતના કોર્ટ-કેસમાં સફળતા મળે. ખોટા ખર્ચા વધશે. અભ્યાસુવર્ગને મહેનત ખૂબ કરવી પડશે. વિવાહિત વ્યક્તિને વિસંવાદિતતા વધશે. પ્રેમ પંખીડાને વિખેરાઈ ના જાય તેની વાણી દ્વારા સંયેમતા રાખવી. રાજકીયક્ષેત્રે ખૂબજ સમજદારીથી નિર્ણય અને વાણીથી સંબોધન કરવું. નોકરી-વેપારમાં સમય શુભ રહે. પ્રવાસ ન કરવો. આરોગ્ય અંગે કાળજી લેવી.

(2) માગશર:- લગ્નજીવનમાં ભંગાણ ના થાય માટે સંવાદિતતા રાખવી. સંતાનો અંગેની ચિંતા દૂર થાય. શૅર-લોટરીથી લાભ થાય.

(3) પોષ:- તમારા વિચારો કેવા છે તે તમારાં કાર્યોથી સાબિત થશે. ભાગ્ય સાથ આપશે. લાંબી યાત્રા થાય. નોકરીમાં બદલી થાય. દામ્પત્ય જીવનમાં સુગમતા રહે.

(4) મહા:- વેપારી વર્ગને નવીન તકો મળે. વેપારમાં વૃદ્ધિ થાય. યાત્રા-પ્રવાસ ફળે. રાજકીયક્ષેત્રે સફળતા મળશે. નોકરીમાં ઉચ્ચપદ મળે. સ્થાવર મિલકતમાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

(5) ફાગણ:- મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. નોકરિયાત વર્ગને મોટી જવાબદારી ના લેવી. અપયશ મળે. વેપારમાં પ્રગતિકારક સમય રહે. શૅર-લોટરીમાં ધન લાભ થાય. દામ્પત્ય જીવનમાં ખટરાગ રહેશે. સંતાનોની વિલંબથી પ્રગતિ થાય.

(6) ચૈત્ર:- નાણાકીય પ્રશ્નો હલ થાય. જૂના દેવામાંથી મુક્તિ મળે. વિદેશથી વેપારમાં ધન લાભ થાય. સંતાનોની વિદેશમાં જવાની ઈચ્છા પૂર્ણ થાય. અભ્યાસ અર્થે તમારે વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. નોકરીમાં સાવધાની રાખવી. ફસાઈ ના જાવ.

(7) વૈશાખ:- આરોગ્ય અંગે કાળજી લેવી આંખ-માથાનાં દર્દો થાય. વડીલોની તબિયત કથળે. પરિવારથી દૂર જવાનું થાય. નવી નોકરી મળે. સરકારી કાર્યોમાં સફળતા મળે. રાજકીય ક્ષેત્રે ખોટા આળ આવી શકે.

(8) જેઠ (અધિક જેઠ):- પરિવારમાં આનંદમય સમય પસાર થાય. તમારાં ધારેલાં કાર્યો પાર પડતા જાય. તમારા કાર્યની કદર થાય. શોખ-મનોરંજન પાછળ સમય અને નાણાંનો ઉપયોગ વધશે.

(9) જેઠ:- મોજશોખનાં સાધનો સુવિધા વધારશો. સ્થાવર મિલકતમાં વધારો થાય. વિવાહિત જીવનમાં મધુરતા રહે. નાની યાત્રા સુખદ રહે. કાયદાકીય ક્ષેત્રે વિજય મેળવો.

(10) અષાઢ:- સંતાનો અંગે ચિંતા વધે. નાણાભીડ અનુભવો. મિત્રોથી ખોટાં કાર્યો થાય. વેપારમાં ભાગીદારી સાથે લખાણ-હિસાબોમાં સાવધાની રાખવી અને કાળજીની શોધ લેવી. વિદેશ યાત્રા જો કરવી હોય તો થાય. વારસાગત મિલકતનો પ્રશ્નો ઉકેલાય.

(11) શ્રાવણ:- સર્વ સુખની પ્રાપ્તિનો અનુભવ કરી શકાશે. તમારા ક્રોધને કાબૂમાં રાખવો. પ્રવાસ ના કરવો. વેપારી વર્ગ માટે સમય ઉત્તમ રહે. સ્થાવર મિલકત માટે જરૂરી લોન પાસ થાય. વિવાહિત જીવનમાં વૈમનસ્ય રહે.

(12) ભાદરવો:- નોકરિયાતવર્ગ સમય શુભ રહે. ઉચ્ચ પદ મળે. તમારા પ્રશ્નો નોકરીમાં ઉકેલાતા જણાય. બીમારી દૂર થાય. અભ્યાસમાં જ્વલંત સફળતા મેળવો. મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. ખોટા સાહસ ન કરવા.

(13) આસો:- જીવનસાથી સાથે વિયોગ થાય પણ સંવાદિતતા તો રહેશે. સમાજમાં નામના વધે તેવાં કાર્યો થાય. પરિવારમાં માંગલિક કાર્યો થાય. નોકરીમાં બદલી થાય. પણ ચડતી-પડતી રહ્યા રહે. ઉપરી અધિકારી સાથે વિવાદ ના કરવો. ધારેલાં કાર્યો પાર પડશે.

આ વર્ષ શનિ તમને બંધનમાં તો નાખશે જ તમારા પરિવારમાં આત્મીયતા કેળવી શકશો અને મિત્રોની પરખ સારી થશે. નોકરી વેપારમાં નાણાકીય પ્રવાહ જળવાશે. ગુલાબની સુગંધ સાથે કાંટા પણ રહેશે. કેવી રીતે હાથમાં પકડવું તે તમારે વર્ષ દરમિયાન જોવું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button