મીન

દ, ચ, ઝ, થ
જલધારા દિપક પંડ્યા
આપની રાશ્યાધિપતિ વર્ષની શરૂઆતમાં ચોથા ભાવે રહે છે જે 5-12-2025થી 1-6-2026 સુધી કર્ક રાશિમાં પાંચમે રહી શુભફળ આપે છે. રાહુ બારમા ભાવે અશુભ ફળ દાયી રહે છે. શનિ ગ્રહનો આપની રાશિમાં સાડાસાતીમાં બીજા તબક્કામાં સોનાના પાયેથી પનોતી પસાર થાય છે જે દેહભુવને રહી સોનાની કસોટી થાય તેમ તમારી સર્વત્ર કસોટી શનિ મહારાજ કરાવશે- આ અશુભફળ આપનાર બને છે, પણ કર્મ પ્રધાન દેવતા કર્મ સારા હશે તો તમારી ર્કીતિના ધજા-પતાકા લહેરાવશે.
માનસિક અને શારીરિક સ્થિતિ:- ‘મન હોય તો માળવે જવાય, તમારા દૃઢ મનોબળ તમને કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરશે. શારીરિક આરોગ્યમાં વાયુ વિકાર વધે- પેટમાં ગાંઠ કે અન્ય શસ્ત્રક્રિયા થઈ શકે તેમ છે. આળસ ત્યાગી આજનું કાર્ય અત્યારે જ કરશો-કાલ પર ન છોડશો તો શરીર અને મનથી નિશ્ર્ચિત રહી શકશો. કોઈપણ ગૂંચને ઉકેલવા બળ કરતાં બુદ્ધિનો ઉપયોગ કરશો તો સંબંધો જાળવી શકશો.
પારિવારિક :- પરિવારમાં ગૂંચને ઉકેલવા જતું કરીને સંબંધ જતો ના કરશો. કુટુંબમાં સંબંધો માટે કાતર મૂકવા કરતાં સોય દોરાનું કામ કરવું યોગ્ય રહે. દામ્પત્ય જીવનમાં શનિની દૃષ્ટિ સુખનું ચેન નહીં આપે. લગ્નજીવન માટે શ્રી ગણેશ કરનારાને ત્યાગની ભાવનાથી લગ્ન ટકાવવા જરૂરી બનશે. સમયને માન આપી પરિવારમાં સંપની ભાવના જાળવવી. સંતાનોની પ્રગતિ થાય. વડિલોને આરોગ્ય અંગે કાળજી લેવી.
નોકરિયાત-વેપારીવર્ગ:- સરકારી નોકરીની શોધમાં સફળતા મળે. સારી નોકરીની શોધ પૂર્ણ થાય. તમારી કાયમી નોકરીમાં યશ મેળવો. વેપારમાં સારુ ફળ આપે. નવા વેપારમાં તકો વધે અને વેપારી સ્ટાફમાં સહકાર સારો મળે, ન ધારેલી ઊંચાઈ પર આપ ઊડી રહ્યા છો. ઘણી જ સફળતાના પગથિયાં સર કરશો. સમાજની ઓળખાણ તમને કામ લાગશે.
આર્થિક સ્થિતિ:- આ વર્ષે આવક અને જાવકના સવૈયા સરખા રહેશે. આવક વધશે સાથે અણધાર્યા ખર્ચા વધતા સરવાળે શૂન્ય જ દેખાશે. ધનલાભ ધારો તેટલો મળશે. વેપારમાં-નોકરીમાં મોજ-મસ્તી સાથે દવાખાના પાછળ નાણાં ખર્ચ વધે. અગત્યની લોન આ વર્ષે પાસ થાય.
સ્થાવર સંપત્તિ સુખ:- આ વર્ષે ઘરમાં નાણાકીય દ્રવ્ય અંગે ચોરી થાય તો સાચવવું. આ વર્ષે સ્થાવર મિલકત લેવાનું ટાળવું. ઘરમાં ચોરી થાય. અવાર – નવાર નાણાં ચોરાય બેધ્યાનપણું ન રાખવું. વાહનની ખરીદી ના કરવી, નુકસાન સહન કરવું પડે.
શત્રુ-મિત્રવર્ગ:- છુપા શત્રુ વધુ ઊભા થાય. તમારી પીઠ પાછળ ઘા, કરતા નિંદા કરનાર શત્રુનો વધારો થાય. શત્રુને સમજાવવા અઘરા પડશે માટે વિશ્ર્વાસે વહાણ ન ચલાવવું. મિત્રો મીઠાબોલા જ શત્રુતા બતાવશે, તમારી કારકીર્દિ પર ખોટા આક્ષેપો લગાવી સમાજમાં પાછા પાડી શકે છે.
અભ્યાસ:- અભ્યાસમાં ધાર્યું પરિણામ મળે. સંશોધનકર્તા વર્ગને સફળતા મળશે.
(1) કારતક:- વિવાહિત જીવનમાં મધુરતા રહે. વેપારમાં ધન લાભપ્રદ સમય રહે. સમાજમાં પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. ભાગ્ય સાથ આપે.
(2) માગશર:- નોકરી-વેપારીમાં ઉચ્ચપદ મળે. લાંબી યાત્રા થાય. સંતાનોની પ્રગતિ થાય. શેર-લોટરીથી ધનલાભ થાય. આર્થિક સ્થિતિ સુધરે.
(3) પોષ:- વેપારમાં અનેક નવીનતકો મળે. નિણર્ય યોગ્ય તમારે કરવો પડે. સ્થાવર મિલકતમાં વધારો થાય. નવીન વાહન ખરીદી થાય.
(4) મહા:- મિત્રોથી લાભ થાય. સમાજમાં સારીવગ ધરાવનાર વ્યક્તિની ઓળખાણ થાય. સંતાનોની પ્રગતિ થાય.
(5) ફાગણ:- સરકારી દંડીસજાના ભોગવનાર બનો કાયદાકીય ગૂચમાં ભરાઈ જાવ માટે સરકારી નિયમોને ધ્યાનમાં રાખીને કાર્ય કરવા.
(6) ચૈત્ર:- વિવાહિત જીવનમાં ખટરાગ વધે. સમાજમાં યશ-પ્રતિષ્ઠાને હાનિ થાય કે માનભંગ થાય તેવા સંજોગો ઊભા ન થાય તેની તકેદારી રાખવી. આરોગ્ય કથળે. વિદેશ જવામાં મૃત્યુ તુલ્ય કષ્ટ પડે.
(7) વૈશાખ:- મગજ ખૂબ જ શાંત રાખીને વિચારીને કાર્ય કરવા. ઉતાવળા સૌ બહાવરા વિવાહિત જીવનમાં છુટાછેડા સુધી આવી જાવ.
(8) અધિક જેઠ:- આવક વધે. નવા નાણાકીય પ્રશ્નો હલ થાય. પરાક્રમી કાર્યો થાય. નાની યાત્રા થાય. મોજશોખ- મનોરંજન પાછળ નાણાં ખર્ચ વધે.
(9) જેઠ:- સ્થાવર મિલકતમાં ખરીદી થાય. નવા વાહનની ખરીદી થાય. આવકના સ્ત્રોત જળવાય. સંતાનની પ્રગતિ થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં વધારો થાય. ઉચ્ચ ડિગ્રી મેળવો. તમારા પાસા સવળા પડે.
(10) અષાઢ:- નવીન માર્ગ મેળવો. પ્રગતિ વધતી જાય. સંતાન અંગે ચિંતા વધે. જીવનસાથી સાથે પ્રેમ ભર્યો સમય પસાર થાય. નોકરીમાં સમય સાનુકૂળતા ભર્યો રહે. વેપારમાં હરણફાળ ભરશો.
(11) શ્રાવણ:- આ માસમાં સંતાનોની ન ધારેલી સફળતા મળે. અભ્યાસમાં મહેનતનું ફળ મળે. લોટરીથી ધન-લાભ થાય. નવી મિલકતમાં વધારો થાય.
(12) ભાદરવો:- આ માસમાં નોકરી સારી અધિકારીવાળી મેળવો. સ્વમાન ઘવાય નહીં તેવા શબ્દ ન બોલવા, આરોગ્ય કથળે. સંતાનોથી અવરોધ આવે. વેપારમાં અવરોધ ઊભા થાય.
(13) આસો:- આ માસમાં આવક વધે. વેપારમાં સંયોગ સારો રહે. ભાગીદારથી લાભ થાય. હરીફો વધશે. વિરોધી વધુ ઊભા થાય. પરિવારમાં શાંતિ જળવાય. દામ્પત્ય જીવનમાં ખટરાગ રહે.
આ વર્ષે ન ધારેલી સફળતા મળશે. સમાજમાં નામના-યશ-કીર્તિ વધશે. પોતાની જાતે જ આગળ વધશો. ગુલાબ જેવી સુવાસ ચોમેર તમારી ફેલાશે. સૂરજને વાદળા ઢાંકવાથી પ્રકાશ આપવાનું બંધ નથી કરતો. હંમેશાં ચમકતો જ રહે છે. સરકારી કાયદાની અંદર રહી કોઈ પણ કાર્ય કરશો તો સરકારી નજરકેદ નહીં બની શકો- ડગલા એવા ભરવા કે તેનાં પરિણામ શું આવે તે પહેલાં વિચારવું.