મિથુન…

ક, છ, ઘ
જલધારા દિપક પંડ્યા
આપના માટે આ વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ પુરવાર થાય. ગુરુ વર્ષની શરૂઆતથી પ્રથમ ભાવે સો ગુના માફ કરનાર કહ્યો છે. તારીખ 1-6-2026થી કર્ક રાશિમાંથી બીજા ભાવે આવતા શુભ ફળ આપનાર રહેશે. શનિ ગ્રહ વર્ષ દરમિયાન દસમા ભાવે રહે રહી કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આપશે. રાહુ ભાગ્ય સ્થાને અને કેતુ ત્રીજા ભાવે શુભદાયી રહે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ:- વાયુ વિકારમાં વધારો થવાથી માનસિક અસ્વસ્થતા અનુભવશો. એકલતા અનુભવો. તમારા નિરાશા, અસફળતા જેવા શબ્દો પ્રયોગ મનમાં ઘરના કરવા ના દેશો. “જાન હૈ તો જહાન હૈ.” આ ઉક્તિ યાદ રાખવી. વિચારોને સારા બનાવી અમલમાં મૂકવાથી માનસિક સ્થિરતા જળવાશે. સ્વસ્થતાનું અભિયાન વર્ષારંભથી શરૂ કરવું. શરીરને કષ્ટ આપવા કરતાં શરીરને સ્વસ્થ રાખવાના નુસખા અપનાવવા. આંખ-ગળાના દર્દો થાય. વડીલ વર્ગને આરોગ્ય અંગે કાળજી વધુ લેવી.
પારિવારિક:- પરિવારમાં સહપરિવારની ઈચ્છા પૂર્ણ થાય. લગ્ન કરવા યોગ્ય યુવાનોને શ્રેષ્ઠ સમય બતાવે છે. મનપસંદ પાત્ર પસંદગી કરી શકશો. સહોદર સાથે મતભેદ થાય.
નોકરી – વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને આ વર્ષ મધ્યમ ફળદાયી રહે. ઉપરી અધિકારી તમારી કદર નહિ કરે પણ કાર્ય પ્રત્યે વફાદારી હશે તો ટકી શકશો. મોટી જવાબદારી માથે ના લેવી. ખોટા આક્ષેપોથી નોકરીમાં બરતરફ થવું પડે. સરકારી કાર્યોમાં કર્મચારીને વધુ સમય ખૂબ જ સંઘર્ષમય રહે. વેપારમાં વર્ષ શુભ રહે. તમારી મહેનત રંગ લાવશે. જોખમ -સાહસભર્યા વેપારમાં સફળતા મળે. નવો વેપાર કરવા માગતા હશે તો દિશા મળશે – અગત્યની લોન પાસ પણ થાય. વેપારમાં ભાગીદારથી લાભ થાય. હરીફો સામે ટકી શકશો.
આર્થિક સ્થિતિ:- આ વર્ષે સોનાની ખાણ હાથમાં લાગે છે. તમારા નાણાંકીય સર્વ કાર્ય પૂરા થાશે. જૂના દેવામાંથી મુક્તિ મેળવશો. વાણીથી થતાં વ્યવસાયમાં ધનલાભ થાય. સરકારી ઈનામ/ પારિતોષિક રકમ મોટી મળી શકે. વયોવૃદ્ધને પેન્શન – કે પી.એફ.નું મોટું ભંડોળ આવી શકે. વેપાર-નોકરીમાં લક્ષ્મીની અપાર કૃપા બતાવે છે.
સ્થાવર સંપત્તિ સુખ:- આ સમય સ્થાવર મિલકત માટે મધ્યમ રહે છે. જો તમારા રહેઠાણનું રિનોવેશન પૂર્ણ થવાનું હોય તો કે નવા નિવાસનું પઝેશન મળવાનું હોય તો વિલંબ બાદ પૂર્ણ થાય. શનિદેવની કૃપા હશે તો જ મકાન-વાહનના પ્રશ્ર્નો ઉકેલાશે. વારસાગત મિલકત માટે બાંધછોડ કરવી પડશે.
શત્રુ-મિત્રવર્ગ:- પીઠ પાછળ નિંદા કરનાર વર્ગથી ખૂબ જ સાવધાની રાખવી. કોર્ટના કાર્યમાં સફળતા મળે. જૂનાં કેસનો ગૂંચવાડો વધતો થાય. સમાધાની વલણથી સફળતા મળે. મિત્ર વર્ગથી કાર્યમાં સહાયતા મળે. મિત્રો સારા મળે ને સંબંધો સાચવી શકશો. નવી મિત્રતાથી લાભ થાય પણ નાણાંકીય વ્યવહાર ન કરવો યોગ્ય રહે.
અભ્યાસ:- વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં ઉચ્ચપદ મળે. ઉચ્ચ ડિગ્રી મેળવશો- વિદેશમાં અભ્યાસ કરનારને માન-સન્માનને પાત્ર બનશો. મહેનતનું પૂર્ણ ફળ મળશે.
(1) કારતક:- નોકરીમાં ઉચ્ચપદ અને બદલી થાય. કાયદાકીય સફળતા મળે. દાંપત્યજીવનમાં ખટરાગ વધતો જાય. સંતાનોથી વ્યાધિ વધશે. નાની યાત્રા થાય. આવક મળે.
(2) માગશર:- પરિવારના પ્રશ્ર્નો ઉકેલાય સહોદર સાથે મતભેદ થાય પણ મનભેદ નહિ થાય. આરોગ્ય સુધરે. જૂના રોગમાંથી મુક્તિ મળે. પ્રવાસ માટે શુભ સમય રહે. સાહસભર્યા કાર્યો થાય. રાજકીય ક્ષેત્ર સારો સમય રહે.
(3) પૌષ:- જીવનસાથીની શોધ પૂર્ણ થતી જણાય છે અને દાંપત્યજીવનમાં મધુરતા રહે. સમાજમાં નામના-ખ્યાતિ વધે તેવાં કાર્યો થાય. રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દો મળે. વેપારમાં વધારો થાય. વાયુ પ્રકૃત્તિના રોગથી બચવું.
(4) મહા:- વાણીથી સંબંધો સાચવવા – સંયમ રાખવો. પડવા – વાગવા – આંખ -ગળાના રોગથી સાચવવું. નવી મિલકત વધે. આવકમાં વધારો થાય.
(5) ફાગણ:- શેર-લોટરીમાં ખોટા સાહસ ન કરવા. આ સમય ધીરજ અને શાંતિ માગી લે તેમ છે. મિત્રથી વિશ્ર્વાસઘાત થાય. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
(6) ચૈત્ર:- વેપારમાં અવરોધ બાદ સફળતા મળે. મોટી યાત્રા સફળ થાય. રાચરચીલા યુક્ત નિવાસસ્થાન બનાવી શકશો. મોજશોખ – મનોરંજનયુક્ત સમય શુભ બતાવે છે.
(7) વૈશાખ:- સમાજમાં નામના પ્રતિષ્ઠા વધે તેવા શુભ કાર્યો થાય. મિત્ર વર્ગથી યશ મળે. વેપારમાં મોટા લાભ થાય. નવી યોજના સાકાર થાય. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. ભાગ્યમાં પરિવર્તન આવે – સ્થાવર મિલકતમાં ખરીદી માટે શુભ સમય રહે.
(8) અધિક જેઠ:- આ સમય સંઘર્ષમય રહેશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. વિદેશમાં સ્થાયી રહેવાની અરજી સ્વીકાર્ય થશે. આરોગ્ય કથળે. વિવાહયોગ્ય યુવાનોને સમય શ્રેષ્ઠ રહે છે.
(9) જેઠ:- સહોદરથી પ્રભાવભર્યા કાર્યો થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે. બળ કરતાં કળથી કામ થશે. આવકનો વરસાદ અવિરત ચાલુ જ રહેશે.
(10) આષાઢ:- આ સમય આરોગ્ય સુધરતું જણાય. વડીલોને આરોગ્ય અંગે વધુ કાળજી લેવી. નહિતર હોસ્પિટલાઈઝ થવું પડે. નોકરીમાં ઉચ્ચ પદ મળે. સહકર્મચારી સાથે વિવાદ દૂર થાય. નેતૃત્વ શક્તિથી સર્વકાર્યો સરળતાથી પાર પડશે.
(11) શ્રાવણ:- આ માસમાં રોગ-શત્રુને દૂર કરવા કમર કસવી પડે. ખાન-પાનમાં પરેજી રાખવી. માનસિક સ્થિતિ અશાંતિ જણાય. પરિવારની આર્થિક જવાબદારી વધતી જાય. પ્રવાસ ન કરવો.
(12) ભાદરવો:- તમારા માટે સાહસભર્યો સમય રહે પણ તમે જોયા વગર કૂવામાં પડશો તો તકલીફમાં તો મુકાશો માટે પાણી પહેલા પાળ બાંધી પછી કોઈ સાહસ વેપાર – નોકરી કોઈપણ કાર્યમાં કરશો તો સફળતા મળશે.
(13) આસો:- આ માસમાં આવકના ખર્ચનું બજેટ જળવાશે. સંતાનોની પ્રગતિ થાય. શેર-લોટરી ધન લાભ થાય. પરિવારમાં શાંતિ જળવાય. ભાગ્યમાં અવરોધ બાદ સફળતા મળે.
આમ આ વર્ષ રણમાં મૃગજળ સમાન રહે. ચાતક પક્ષી પાણીની તરત તૃષા સંતોષવા સ્વાતિ નક્ષત્ર વરસતા વરસાદનું પાણીની રાહ વર્ષભર જોવી પડે છે તેમ સારા સમયને સમજવા અને સારો સમયને સાચવવા તમારે જાતે જ મન પર નિયંત્રણ કરવું પડશે.