કર્ક...
રાશિફળ

કર્ક…

ડ, હ

જલધારા દિપક પંડ્યા

આપની રાશિમાં વર્ષ દરમિયાન ગુરુ પ્રથમભાવે રહે છે. 5-12-2025થી વક્રી ગુરુ બારમા ભાવે રહે છે. મધ્યમ ફળદાયી રહેશે. રાહુ આઠમા ભાવે ભ્રમણ કરે છે. તે શુભ ફળ આપનાર નથી. શનિદેવ ભાગ્ય ભાવે રહે છે જે સુખફળ આપનાર જાહેર-જીવન માટે રહે છે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- આવનારું વર્ષ તમારી માનસિક સાથે લાગણીને જોડતા તમે મનની સ્થિતિને સુધારી શકશો. વધુ પડતી લાગણી ઊધઈને જેમ લોકો તમારો લાભ ન લે જોશો. પરિવારમાં તમારા વિચારોનું મહત્ત્વ-માન નહિ મળે. તમારું સ્વમાન ઘવાય તેવું લાગે જે મનની વ્યગ્રતા વધારશે. વડીલો સાથે ચર્ચા કરવી પણ નિર્ણય તમારે મનથી લેવો. સમાજમાં મનોબળ મજબૂત રાખીને કાર્ય કરશો તો સ્થાન તમારું ટકાવી શકશો. મન હોય તો માળવે જવાય, આ ઉક્તિ પ્રમાણે તમારી મરજી મુજબ જીવવાનું પસંદ કરવું. બીજાની સમસ્યા હલ કરવા જતા તમારા મનોવિરુદ્ધ કાર્ય ન કરવા યોગ્ય રહે.

શારીરિક આરોગ્ય મધ્યમ રહે. નાની મોટી બીમારીથી શરીર વણાય જશે. તમારો ભ્રમ હશે કે મને મોટી બીમારી છે પણ વાયુ પ્રકૃતિના રોગ શરીરમાંથી રજા નહિ મળે. અથાક પરિશ્રમ-કસરત-વ્યાયામ તમને વાયુ જન્ય રોગથી છોડાવી શકે. પેટને લગતી બીમારીથી સાચવવું.

પારિવારિક:- પરિવારમાં ત્યાગની ભાવના અને તમારી સામે ખોટું થતું હશે છતાંય આંખો બંધ કરી ચાલતા રહેશો તો પરિવારમાં મૂક સભ્યથી શાંતિ કેળવી શકશો. પરિવારમાં વડીલોથી મનદુ:-ખના પ્રસંગો બને. જીવનસાથી સાથે મધુરતા રહે. વિવાહ યોગ્ય યુવાનો માટે સમય ઉત્તમ રહે. સંતાનોને લગતા પ્રશ્નો ગૂંચવાતા જાય માટે સંતાનોની કાળજી લેવી.

નોકરી-વેપારી વર્ગ:- આ વર્ષે નવી નોકરીની શોધ પૂર્ણ કરી શકશો. ધાર્યા પ્રમાણે નોકરીમાં પદ પ્રાપ્ત થાય. તમારા ઉપરી અધિકારી સાથે સમાધાન થઈ સંબંધોમાં સુધારો થાય. સહકર્મચારીનો સહયોગ સારો સાંપડે. સરકારી કર્મચારીને નોકરીમાં યશ મળે.

વેપારમાં સમય મધ્યમ રહે. વધુ પડતું જોખમ વેપારમાં ન કરવું. અજાણ્યા વ્યક્તિ સાથે વેપારમાં માલ-સામાનની આપ-લે વિચારી અને સાવધાની પૂર્વક કરવી. વેપાર સરકારી કાયદા-નીતિને અનુરૂપ કરવા. સરકારી સજા કે ટેક્ષની બાબતે ફસાઈ જાવ. નવા ઉદ્યોગનું સાહસ ન કરવું યોગ્ય રહે.

આર્થિક સ્થિતિ:- આ વર્ષે એક સાંધતા તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય. દેવું-કરજ થઈ શકે. પરિવારમાં નાણાભીડ અનુભવો. ખોટા ખર્ચા ઉપર કાબૂ રાખવો. કાયદા પાછળ નાણાં ખર્ચ થાય અને પરિવાર પાછળ ખર્ચ થાય. નોકરીમાં લોન પાસ થાય. લોન દ્વારા દેવું પૂર્ણ થાય. ઘરમાંથી ચોરી-લૂંટ દ્વારા નકદ નાણાં જાય જો જન્મના ગ્રહ પણ અશુભ ફળ આપી ગોચરના ગ્રહ સાથે ફળ આપતા હશે તો. ઘરમાં નોકરવર્ગથી ચોરી બાબતે સાવધાની રાખવી.

સ્થાવર સંપત્તિ સુખ:- જમીન-મકાન-વાહન સુખ આ વર્ષે છે. મકાનમાં રીનોવેશન કરશો. તમારા વારસાગત મિલકતના પ્રશ્નો વણઉકેલ્યા રહેશે. મિલકતને લઈને લોન પાસ થઈ શકશે.

શત્રુ-મિત્ર વર્ગ:- મીઠાબોલા શત્રુ ઊભા થાય. તમારે મીઠા શત્રુને ઓળખવાનો છે. કોર્ટ કચેરીમાં સમાધાનથી વિજય મેળવશો. જૂના કેસની સુનાવણી તમારી તરફી આવશે. મિત્રવર્ગથી સારા સંબંધો રહેશે. સારા મિત્રોની પરખ સાથે સાચા મિત્રોની કસોટી પણ કરી શકશો. મિત્રથી વેપારમાં સફળતા મળશે. અગત્યની ઓળખાણ દ્વારા તમારાં ન ધારેલાં કાર્યો મિત્રોથી પતાવટ થશે.

અભ્યાસ:- અભ્યાસ માટે આ વર્ષ ઉત્તમ રહે. તમારા ધાર્યા પરિણામની રાહ જોતા હશો તો આ વર્ષે જોઈ શકશો. સરસ્વતી માતાની અપાર કૃપા થશે. ઉચ્ચ ડિગ્રી માટે સારી લાઈન અભ્યાસની પસંદ કરશો.

(1) કારતક:- સહોદરથી ધન લાભ થાય. જીવનસાથીની સાથે સંવાદિતતા રહે. સંતાનોની પ્રગતિ થાય. અભ્યાસુ વર્ગને વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. નોકરીમાં યશ મળે.

(2) માગશર:- સ્થાવર મિલકતમાં ખરીદી થાય. નવા મકાન-વાહનની ખરીદી-વેચાણનાં કાર્યોમાં સફળતા મળે. લાંબી મુસાફરી થાય. આરોગ્ય સુધરે.

(3) પોષ:- શૅર-લોટરીથી લાભ થાય. નાણાભીડ દૂર થાય. વિદ્યાર્થી વર્ગને અન્ય પ્રવૃત્તિમાં ઈનામ/પારિતોષિક મેળવો.

(4) મહા:- આ માસમાં નોકરિયાત વર્ગને બરતરફ થાય કે બદલી થાય. નોકરીમાં આવક વધશે. અગત્યની લોન પાસ થઈ શકશે. શત્રુઓની પીછેહઠ થાય. સંતાનોની પ્રગતિ થાય. અભ્યાસુ વર્ગને સફળતા મળે.

(5) ફાગણ:- દામ્પત્ય જીવનમાં ખટરાગ રહ્યા કરે. સમાજને લગતાં કાર્યોમાં અપયશ મળે. વેપારમાં ભાગીદાર હશે તો ભાગીદારી છુટી થાય. આવકનો સ્રોત જળવાય. સરકારી દંડ/સજામાંથી મુક્તિ તો જ મળશે જો તમે સાચા હશો તો નહિતર ભગવાન પણ છોડાવા નહિ આવી શકે.

(6) ચૈત્ર:- આ સમય વાહન અક્સ્માતથી સાચવવું. મકાનના ખરીદ-વેચાણના વેપારમાં નુકસાન થાય. આવક કરતાં ખર્ચા વધશે. વાણીથી વેપાર કરનારને લાભપ્રદ સમય રહે. પરિવારમાં સુખદ પળો માણી શકશો.

(7) વૈશાખ:- આ સમય ભાગ્ય સાથ આપે છે. નાણાભીડ દૂર થતી જણાય. મિત્રોથી ધન લાભ થાય. આરોગ્ય સુધરે. સમાજમાં નામના પ્રતિષ્ઠા વધે તેવાં કાર્યો થાય.

(8) અધિક જેઠ:- વેપારમાં પ્રગતિ થાય મિત્રોથી લાભ અને સુખદ પળો માણી શકો. આવક વધે સાથે મનોરંજનમય સમય પસાર થાય. રાજકીયક્ષેત્રે સફળતા મળે.

(9) જેઠ:- લાંબી યાત્રા થાય. નાણાં ખર્ચ પ્રવાસ પાછળ થાય. નોકરીમાં સન્માન મળે. વિવાહિત જીવનની સુખદ પળો માણી શકો. વિવાહયોગ્ય યુવાનો માટે વેવિશાળ નક્કી થાય. વેપારમાં ઉચ્ચ શિખરે બિરાજમાન થાય. આંખના, ગળાના રોગ થાય.

(10) અષાઢ:- સમય સારો છે વાણી પર સંયમ રાખવો રાજકીયક્ષેત્રે સફળતા રહેશે. નવી નોકરી મળવાની શોધ પૂર્ણ થાય. વેપારમાં મોટી વગ ધરાવનાર વ્યક્તિથી વિશ્ર્વાસઘાત ના થાય તેની સાવધાની રાખવી. વેપારમાં હિસાબનો મેળ જોતા રહેવું.

(11) શ્રાવણ:- પરિવારની જવાબદારી વધતી જાય. વિદેશથી પરત આવનાર માટે શુભ સમય રહેશે. દામ્પત્યજીવનમાં સમાધાન થાય. કોર્ટનાં કાર્યોમાં રાહ જોવી પડે. આરોગ્ય કથળે. ગરમીના રોગ થાય.

(12) ભાદરવો:- પરિવારમાં વાણી પર સંયમ રાખવું. ખપ પૂરતું જ બોલવું તો જ તમારી કદર થશે. વડીલોની તબિયત બગડે. સમાજનાં કાર્યોમાં કલંક લાગે નહિ માટે મોટી જવાબદારી ના લેવી યોગ્ય રહે.

(13) આસો:- તમારા સાહસ ભરેલા કાર્યોથી આનંદમાં રહેશો. વાણીથી સંબંધો સુધરે. આવક વધશે. વિવાહિત જીવનમાં સંવાદિતતા વધે. સહોદર સાથે મતભેદ થાય.

આમ આ વર્ષે જેવા કર્મ કરો તેવા ફળ ભોગવશો. આ વાક્યને યાદ રાખી સારા કર્મ કરવાની ટેક રાખવી. તમારા મનની હકારાત્મકતા વિચાર જ સારાં કાર્યો કરાવશે. ધાર્મિક પુસ્તકોનું વાંચન તમારા જીવનમાં ઘણું જ પરિવર્તન આપશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button