પત્નીની જેમ પતિ અટક બદલાવશે?

- કૌશિક મહેતા
ડિયર હની,
દક્ષિણ આફ્રિકાના સર્વોચ્ચ ન્યાયાલયે તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પુરુષોને પણ લગ્ન પછી એમની પત્નીની અટક અપનાવવાની કાયદાકીય મંજૂરી આપવામાં આવી છે. આ ચુકાદો લિંગ સમાનતા માટે એક મોટો વિજય માનવામાં આવે છે.
અખબારની ભાષામાં કહું તો, આ કેસની વિગત મુજબ આ કેસ બે દંપતી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. એક દંપતીમાં હેનરી વાન ડેર મર્વેને એની પત્ની જાના જોર્ડાનની અટક અપનાવવાની મંજૂરી નહોતી મળી. બીજા એક દંપતીના કેસમાં એન્ડ્રિયાસ નિકોલસ બોર્નમેનને એની પત્ની જેસ ડોનેલી-બોર્નમેનની અટક સાથે પોતાની અટક જોડવાની મંજૂરી નહોતી મળી.
આ દંપતીઓએ એવી દલીલ કરી હતી કે દક્ષિણ આફ્રિકાનો જૂનો કાયદો ‘વસાહતી પ્રભાવ’ અને લિંગ આધારિત ભેદભાવનું ઉદાહરણ છે. એમણે એવી પણ દલીલ કરી હતી કે આ કાયદો દેશના બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બાદમાં ન્યાયાલયે જૂના કાયદાને રદ્દ કરતા જણાવ્યું કે તે લિંગ આધારિત ભેદભાવને પ્રોત્સાહન આપે છે. કોર્ટે જણાવ્યું કે લગ્ન પછી અટક બદલવાનો અધિકાર ફક્ત સ્ત્રીઓ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ….
આવું ભાગ્યે જ બને છે. સામાન્ય રીતે કોઈ યુવતી પરણીને સાસરે આવે એટલે એની અટક બદલાઈ જાય છે. આધારકાર્ડથી માંડી બધા દસ્તાવેજોમાં એનું નામ પતિની અટક સાથે જોડવામાં આવે છે. અને આ મુદે કોઈ વિરોધ મોટાભાગે થતો નથી, કારણ કે આ એક સામાજિક પરમ્પરા બની ગઈ છે. કેટલાંક ઘરોમાં તો વહુનું નામ સુધ્ધાં બદલી નાખવાં આવે છે.
હમણા જ આપણા જ એક પરિવારમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું અને એ માટે મારે બોલવાનું હતું ત્યારે મને ખબર પડી કે, એમનાં તો બે નામ છે. એક પિયરમાં હતું એ અને બીજું સાસરે આવ્યા બાદ બદલવામાં આવ્યું હતું એ.
આ પરમ્પરા કોણે શરૂ કરી, રામ જાણે! મને ખબર છે, તું મારા ઘેર આવી અને તારી પણ અટક બદલાઈ, પણ તે કોઈ વિરોધ તો નહોતો કર્યો. જોકે, તારા ય મનમાં પ્રશ્ન તો ઉઠ્યો જ હશે કે હું મારા પિતાના ઘેર હતી, મારું નામ મારા માતા પિતાએ આપેલું અને એમની અટક મળી હતી તો પછી પરણ્યા બાદ એ અટક કેમ બદલવામાં આવે છે? આવો પ્રશ્ન દરેક પરિણીતાનાં મનમાં ઊઠતો તો હશે જ, પણ બધાએ સ્વીકારી લીધું છે કે, આ તો આમ જ હોય… પણ એમાં બદલાવ કેમ ના આવે? કેટલીક પરમ્પરા બદલાઈ છે તો આ કેમ નહિ.?
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)ના મોટાભાગનાં રાજ્યોમાં પતિ પત્નીની અટક અપનાવી શકે છે. જોકે, અમુક રાજ્યોમાં આ પ્રક્રિયા થોડી જટિલ હોય છે અને અદાલતી આદેશની જરૂર પડી શકે છે.
ઘણા બધા દેશોમાં આ છૂટ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, આ બંને દેશોમાં પતિ પત્નીની અટક અપનાવી શકે છે અને આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. કેનેડામાં પણ પતિ-પત્ની બંને એકબીજાની અટક અપનાવી શકે છે. યુરોપના અમુક દેશો ફ્રાન્સ, જર્મની, પોર્ટુગલ અને ઇટાલી જેવા દેશમાં પણ પુરુષોને પત્નીની અટક અપનાવવાનો કાયદેસર અધિકાર છે. અલબત, ભારતમાં કાયદાકીય રીતે પતિને પત્નીની અટક અપનાવવાથી કોઈ પ્રતિબંધ નથી.
આ મુદ્દે ઘણા જાણીતા કિસ્સાઓ જોવા મળે છે, ખાસ કરીને કલા, ફિલ્મ અને રાજકારણ જેવાં ક્ષેત્રોમાં, જ્યાં મહિલાઓ લગ્ન પછી પણ પોતાની અટક જાળવી રાખવાનું પસંદ કરે છે. આ નિર્ણય સામાન્ય રીતે એમની વ્યાવસાયિક ઓળખ જાળવી રાખવા માટે લેવામાં આવે છે, પણ એ માટે પણ કેટલીક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઘણી મહિલા આ રીતે કામ ચલાવે છે અને એમની સામે પતિ કે એમના ઘરના સભ્યોનો કોઈ વિરોધ નથી હોતો.
ફિલ્મ નિર્માતા અને આમિર ખાનની પૂર્વ પત્ની કિરણે લગ્ન પછી પણ પોતાની અટક ‘રાવ’ જાળવી રાખી હતી. જાણીતા અભિનેત્રી શબાના આઝમીએ જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હોવા છતાં, પોતાની અટક ‘આઝમી’ કાયમ રાખી છે. અભિનેતા અક્ષય કુમારની પત્ની અને જાણીતી લેખિકા ટ્વિકલ ખન્નાએ પણ વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં પોતાની અટક ‘ખન્ના’ નો ઉપયોગ ચાલુ રાખ્યો છે.
આપણ વાંચો: મેલ મેટર્સઃ ધૂમ્રપાન… આ આંકડા પર નજર પડી કે નહીં?
ગુજરાતમાં પણ આવા દાખલા મળી શકે છે. જાણીતી લેખિકા કાજલ ઓઝાએ પણ પોતાની‘ વૈદ્ય ’અટક ચાલુ રાખી છે, પણ સવાલ એ છે કે, આવા કિસ્સા કેટલા? સવાલ તો એ પણ છે કે, પત્ની સહજતાથી પતિની અટક અપનાવી લે છે એમ પતિ એની પત્નીની અટક અપનાવે ખરો?
એવા ય કેટલાક કિસ્સા મળે છે. જાણીતા લેખક અને પત્રકાર અભિષેક માંડેએ પોતાની પત્ની કર્મિન ભોટ સાથે લગ્ન કર્યા પછી પોતાની અટક બદલીને ‘માંડે-ભોટ’ કરી હતી. આ નિર્ણય એમણે લિંગ સમાનતા અને સમાજના જુનવાણી વિચારોને પડકારવા માટે લીધો હતો. એમનો આ કિસ્સો ભારતમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે આ એક ખૂબ જ અસામાન્ય પગલું હતું.
બીજો કિસ્સો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુ મંટેનાએ યોગ ગુરુ ઈરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા પછી, સોશ્યલ મીડિયા પર પોતાની અટક બદલીને ‘મધુ મંટેના ત્રિવેદી’ કરી છે. આવા કિસ્સાઓ પણ એકલદોકલ છે.
જોકે, આવા કિસ્સાઓમાંથી પરિવાર અને સમાજે પ્રેરણા લેવી જોઈએ અને કોઈ પરિણીતાને દબાણ ના કરવું જોઈએ. એવું ક્યારે બનશે? એનો જવાબ તો કોણ આપશે?
તારો બન્ની