દીકરીનું કન્યાદાન શા માટે?

- કૌશિક મહેતા
ડિયર હની,
લગ્નની સિઝન આવે એટલે મને આપણી દીકરીનાં લગ્ન યાદ આવે છે. એ અવસર યાદગાર હતો. બે દિવસના કાર્યક્રમ આપને યોજ્યા હતા અને જ્યારે દીકરીને લગ્ન મંડપ તરફ હું હાથ પકડીને દોરી ગયો એ ક્ષણો કેમેય ભુલાતી નથી. બાદમાં લગ્નવિધિમાં આવ્યું કન્યાદાન…
એમાં આપણે બંને જ નહિ પણ બીજા બે ભાઈ અને બે મિત્રો પણ બેઠા હતા. લોકોને બહુ આશ્ચર્ય હતું કે, મા -બાપ જ કન્યાદાન આપે ને? પણ આપણા ભાઈઓ પણ દીકરી માટે મા-બાપ સમાન જ હતા. અને જે બે મિત્ર હતા એ પણ આપણી દીકરીને પોતાની જ દીકરી જ ગણતા હતા. એકે તો એમ પણ કહ્યું કે, લગ્નનો બધો ખર્ચ હું આપીશ, દીકરી મને સોંપી દો …જોકે આપણે સ્વાભાવિક પણે ના પાડી હતી.
આ બધા વચ્ચે મને આ ‘કન્યાદાન’ શબ્દ સામે વાંધો છે. દીકરી કોઈ ચીજ થોડી છે કે એનું દાન થાય? લગ્નના આગલા દિવસે સંગીત સંધ્યામાં મેં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઘણાને મારી વાત બહુ ગમી નહોતી, પણ હું સ્પષ્ટપણે માનું છું કે, દીકરીનું કન્યાદાન ના હોવું જોઈએ. એની પાછળની ભાવના ગમે તેટલી સારી હોય, પણ આ શબ્દ યોગ્ય નથી.
સુરતના એક પત્રકારે એની દીકરીનાં લગ્ન કર્યા તો એમણે કન્યાદાન નામ ના આપ્યું. એટલું જ નહિ, પણ એને સંતાનમાં બે દીકરઓ જ છે એટલે સામાન્ય રીતે જવતલ ભાઈ હોમે પણ આ પત્રકારે એ વિધિ બીજી બહેન પાસે કરાવી. આ વાતની ઘણા લોકોએ નોંધ લેવી પડી. આપણી ઘણી બધી પરમ્પરા બહુ મજાની છે એની પાછળનો અર્થ પણ મજાનો છે, પણ કેટલીક પ્રથા બદલવાની જરૂર છે.
જો કે, કન્યાદાનનો અર્થ અન્ય રીતે પણ કરવામાં આવે છે. જેમ કે, આ વિધિનો મુખ્ય અર્થ દીકરીને ‘વસ્તુ’ તરીકે દાન કરવી એવો નથી, પરંતુ અત્યાર સુધી દીકરીનું પાલન-પોષણ કરવાની અને તેના કલ્યાણની જે જવાબદારી પિતાની હતી, તે હવે વર (પતિ) ને સોંપવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના મતે કન્યાદાનનો અર્થ ‘ગોત્રદાન’ છે એટલે કે, કન્યા તેના પિતાના ગોત્રને છોડીને લગ્ન બાદ પતિના ગોત્રમાં પ્રવેશ કરે છે. આ એક આધ્યાત્મિક અને કૌટુંબિક પરિવર્તન છે.
એવો ય અર્થ કરાય છે કે, પિતા પોતાની સૌથી વધારે વહાલી અને મૂલ્યવાન ‘સંપત્તિ‘ (દીકરીને લક્ષ્મી સ્વરૂપ માનીને) નિ:સ્વાર્થ ભાવે તેના નવા જીવન માટે સમર્પિત કરે છે, જેના બદલામાં કોઈ અપેક્ષા રાખતા નથી. આ નિ:સ્વાર્થતાને કારણે તેને મહાદાન ગણવામાં આવે છે. કન્યાદાનનું એક બીજું નામ ‘પાણિગ્રહણ’ પણ છે, જેનો અર્થ વર દ્વારા કન્યાનો હાથ સ્વીકાર કરવો (હાથ પકડવો) એવો થાય છે. આ વિધિમાં કન્યાનો હાથ વરના હાથમાં સોંપીને વરને તેની જવાબદારી સ્વીકારવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.
લગ્ન એ બે સમાન વ્યક્તિઓ વચ્ચેનું જોડાણ છે, જેમાં કોઈને આપવા કે લેવાની જરૂર ન હોવી જોઈએ. ઘણા આધુનિક પરિવારો હવે પરંપરાને જાળવી રાખીને પણ, આ વિધિને ફક્ત જવાબદારી સોંપવાના પ્રતીક તરીકે જ જુએ છે, નહિ કે વસ્તુનું દાન કરવા તરીકે. કેટલાક લોકો આ વિધિને સંપૂર્ણપણે ટાળવાનો પણ વિકલ્પ અપનાવે છે એટલે જ કેટલાક લોકો આ વિધિને જુદી રીતે કરે છે. ઘણાં હિંદુ લગ્નોમાં હવે ‘કન્યાદાન’ને બદલે ‘કન્યા પ્રતિજ્ઞા’ અથવા ‘કન્યા આશીર્વાદ’ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.
આ ફેરફારોનો મુખ્ય હેતુ પરંપરાના સાર (દીકરીના નવા જીવન માટે આશીર્વાદ અને જવાબદારીનું હસ્તાંતરણ) ને જાળવી રાખીને ‘દાન’ શબ્દ સાથે જોડાયેલા વિવાદોને દૂર કરવાનો અને લગ્નને બે સમાન ભાગીદારો વચ્ચેના જોડાણ તરીકે રજૂ કરવાનો છે.
આવો બદલાવ આવકાર્ય છે. કારણ કે, દીકરીનું સન્માન પણ જળવાવું જોઈએ. દીકરી પરણીને સાસરે જાય છે. બીજા પરિવારને સ્વીકારે છે. એમાં પોતાને એડજસ્ટ કરી નવું જીવન શરૂ કરે છે. જેમ તે સાસરે આવીને નવું જીવન શરૂ કર્યું. આ માત્ર સ્ત્રી જ કરી શકે છે. પુરુષને પરણીને સાસરે જાય એવી પ્રથા હોત તો? એનું દાન થતું હોત તો? એવું આપણે વિચારી જ શકતા નથી ને? તો પછી કન્યાદાન પણ શા માટે વિચારવું? આ મુદે વધુમાં વધુ ચર્ચા થાય એ આવશ્યક છે.
તારો બન્ની
આપણ વાંચો: મેલ મેટર્સઃ બેતાલા આવે એ પહેલાં આટલો વિચાર કરવો જરૂરી છે !



