પિરિયડ્સની શરમ શેની?

કૌશિક મહેતા
ડિયર હની,
એક પોડકાસ્ટમાં સિનિયર વાસ્ક્યુયલર સર્જને એક કિસ્સો શેર કર્યો. 18 વર્ષની એક યુવતી એની પાસે આવે છે. એની હાલત બહુ ખરાબ હોય છે. એ કેટલીક સહેલીઓ સાથે આવી હોય છે. સર્જન કહે છે: `દાખલ થવું પડશે’. યુવતી એના પિતાને ફોન કરે છે તો પિતા કહે છે બીજા દિવસે સવારે જઈશું.
યુવતી ઘેર પાછી જાય છે. પણ એની તબિયત એટલી બધી બગડે છે કે મોડી રાત્રે હોસ્પિટલે જવું પડે છે. ડોક્ટર જુએ છે કે, હાલત ખરાબ છે. ધબકારા માપવા ગયા તો ખબર પડી કે, શ્વાસ તો બંધ થઇ ગયા છે. ડોક્ટરને અફસોસ થાય છે કે, યુવતીનો જીવ બચાવી ના શક્યા. જો એ પહેલીવાર આવી હોત ત્યારે દાખલ થઇ ગઈ હોત તો કદાચ બચી જાત….
તને થશે કે, આ કિસ્સો તને કેમ કહું છું? કારણ એ છે કે, આ યુવતીની હાલત એટલે બગડી હતી કે એણે કેટલીક હોર્મોનલ ગોળીઓ લીધી હતી. અને એ ગોળીઓ કેમ લીધી હતી? માસિક ધર્મ ટાળવા… કારણ કે, એના ઘેર ધાર્મિક વિધિ હતી અને પૂજામાં એને બેસવું હતું. પિરિયડસ હોય તો પૂજામાં ના બેસી શકાય એવો આપણો રિવાજ છે.
આજે ય, અત્યાધુનિક દુનિયામાં આવી ઘટના બને છે એનું દુ:ખ થાય જ. સદીઓથી આપણે ત્યાં મહિલાઓના માસિક ધર્મ અંગે જે રિવાજો છે એ ખોટા છે અને એ હજુ ય દૂર થયા નથી. માસિક ધર્મ (પિરિયડ્સ) વિશે સમાજમાં અનેક ખોટા ખ્યાલો અને અંધશ્રદ્ધાઓ ચાલી આવી છે. ખાસ કરીને, ભારત અને દક્ષિણ એશિયાઈ દેશોમાં.
આ પણ વાંચો…સંતાન કરવું કે ના કરવું…
મને એક બીજો કિસ્સો યાદ આવે છે. ત્યારે મારા તારા લગ્ન થયા નહોતા. પણ આપણા એક મોટી ઉંમરના સગા ઘેર આવ્યા અને ખબર પડી કે, ઘરની કોઈ મહિલા માસિક ધર્મમાં છે તો એ ઘરમાં અંદર ના આવ્યા. બહારથી વાત કરીને ચાલી ગયા.
આ માસિક ધર્મ અંગે કેવીકેવી માન્યતા આપણે ધરાવીએ છીએ, જેમ કે, પિરિયડ દરમિયાન સ્ત્રી અશુદ્ધ હોય છે. પણ એવું નથી. પિરિયડ એક સ્વાભાવિક બાયોલોજિકલ પ્રક્રિયા છે. સ્ત્રીના શરીરમાં યૂટેરસ (ગર્ભાશય )ની અંદર જામેલા લીંગ પેશી (uterine lining)નું બહાર નીકળવું એ નિયમિત હોર્મોનલ ચક્રનો ભાગ છે. તેમાં કોઈ પણ જાતની અશુદ્ધિ નથી. આ કહેવું કે સ્ત્રી અશુદ્ધ છે એ એનું શારીરિક અને માનસિક શોષણ સમાન છે.
આવા સમયમાં ધાર્મિક વિધિમાં મહિલા બેસી ના શકે. આવી પણ માન્યતા મજબૂત છે, પણ આપણે કેમ સમજતા નથી કે, આ ખ્યાલ પ્રાચીન છે, જ્યારે સ્ત્રી માટે આરામ જરૂરી હતો અને સાફસફાઈનાં સાધનો ઉપલબ્ધ નહોતાં. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે સેનેટરી પેડ્સ અને અન્ય હાઈજીન પ્રોડક્ટ્સને લીધે આરામદાયક પરિસ્થિતિ છે. ધાર્મિક વિધિ, પૂજા કે મંદિરમાં પ્રવેશની મનાઈ ક્યારેય વૈજ્ઞાનિક નથી રહી તે માત્ર સાંસ્કૃતિક માન્યતાઓ છે.
એમ પણ મનાય છે કે, પિરિયડમાં હોય એ સ્ત્રી રસોઈ ન બનાવી શકે. પિરિયડ દરમિયાન રસોડામાં જવાનું કોઈ નુકસાન નથી. સ્ત્રીના હાથ અશુદ્ધ થઈ જાય છે એ વાતનો પણ વૈજ્ઞાનિક આધાર નથી.
આ સમયમાં છુઆછૂત રાખવી કે એવી સ્ત્રી ખૂણો પાળે એવા ખોટા રિવાજ સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ખૂણો પાળવો એ એના માટે ત્રાસદાયક બની શકે છે. તેના બદલે એને સહાનુભૂતિ અને સહકાર આપવો જોઈએ.
સાચી વાત તો એ છે કે, પ્રત્યેક સ્ત્રી માટે આ એક સ્વાભાવિક-કુદરતી પ્રક્રિયા છે. દરેક સ્ત્રી માટે પણ પિરિયડ્સ એ કોઈ શરમની કે સંકોચની વાત નથી. એ સ્ત્રીના જીવનની તાકાત છે આ સમયે એની સંભાળ રાખવી જોઈએ. એને કોઈ ખૂણામાં ગોંધી રાખવી એ યોગ્ય નથી.
ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુએ બહુ સાચી વાત કરી છે કે, આ વિશે ખુલીને વાત થવી જોઈએ અને એ કુદરતી પ્રક્રિયા છે એ સમજવું જોઈએ. તાપસીએ તો આ માટે એક એપ બનાવી છે: પિરિયડ પાલ’ ,એમાં પિરિયડ વિશે વાત થાય છે. એનાં લક્ષણો શું છે અને આ સમયમાં શું કરવું જોઈએ એની સલાહ અપાય છે. એશ્વર્યા રાયથી માંડી આલિયા ભટ્ટ સુધીની અભિનેત્રીઓ આ વિશે ખુલ્લા દિલે વાત કરે છે. ન્યારા બેનર્જીએ તો એમ કહ્યું છે કે પિરિયડસનેપાવર ઓફ ક્રિએશન’નું પ્રતીક માનવું જોઈએ.
અક્ષયકુમારની ફિલ્મ `પેડમેન’ આવેલી અને એ બહુ સફળ થઇ હતી. એમાં સેનેટરી પેડની વાત હતી. ઘણી સંસ્થાઓ આ પેડ વિનામૂલ્યે વિતરણ કરે છે, પણ હજુ ય ગ્રામીણ વિસ્તાર જ નહિ પણ શહેરી વિસ્તારમાં ઘણી મહિલાઓ માસિક ધર્મ વેળા સાદા ઘરેલું કપડાથી ચલાવે છે અને એના કારણે એ બીમાર પડે છે. ઇન્ફેકશન થઇ શકે છે. સાવ સાદી વાત કેમ આપણને સમજાતી નથી. અને આ માત્ર પુષોને જ નહિ પણ ઘરની અન્ય મહિલાઓને પણ લાગુ પડે છે.
આજે ય મોટી ઉંમરની મહિલાઓ માને છે કે, માસિક ધર્મમાં આમ જ કરાય અને આમ ના જ કરાય. આપણે બાળકો નાનાં હોય ત્યારે એમને સમજાવવું પડશે કે, પિરિયડ એક નૈસર્ગિક પ્રક્રિયા છે. મહિલાઓની ભાવના સમજવી પડશે. એમને હાયજેનિક પ્રોડક્ટ વાપરવા કહેવું પડશે અને આ જવાબદારી મહિલાઓની છે એનાથી ક્યાંય વધુ પુષોની છે, જેથી કોઈ યુવતી ધાર્મિક વિધિમાં બેસવા માસિક ધર્મ ટાળવા કોઈ દવા ના લે.
તારો બન્ની
આ પણ વાંચો…સૈયારા… તું કે હું બીમાર પડીએ તો…