પુરુષ

પરિવાર સાથે પર્યટન…

  • કૌશિક મહેતા

ડિયર હની,
હું પરણ્યો નહોતો ત્યારે પણ દર વર્ષે દિવાળીએ ફરવા જવાનો ક્રમ હતો એ પરણ્યા પછી પણ અટક્યો નથી. પહેલાં મિત્રો સાથે ફરવા જતો, પણ પરણ્યા બાદ આપણે બંને પણ ફરવા ગયાં અને ખાસ તો પરિવાર સાથે ફરવાં જઈએ છીએ. એ સિલસિલો કોરોનાના અપવાદ સિવાય ક્યારેય અટક્યો નથી. ફરવા જવું, નવાં નવાં સ્થળોએ જવું એ જિંદગીનો એક મહત્ત્વનો ભાગ હોવો જોઈએ.

હા, જેની જેવી આર્થિક શક્તિ છે એ પ્રમાણે આયોજન થઇ શકે. મેં તો એવા મિત્રો પણ જોયા છે જે વર્ષમાં એકવાર ફરવા જવાનું શક્ય બને એ માટે બચત કરતા હોય છે.

તને તો ખબર છે કે, આપણા મહેતા પરિવાર માટે મિત્રો અને સગાવહાલામાં એક આશ્ચર્ય છે કે, આપણે બધા સાથં ફરવા જઈએ છીએ. આપણે કાકા-બાપાના છ ભાઈ છીએ. અને દર દિવાળી એ બધા સાથે ફરવા જઈએ છીએ.

એક દુ:ખદ પ્રસંગ થયેલો અને એમાંથી જાત્રા પર એકવાર બધા સાથે ગયા અને પછી તો એ સિલસિલો બની ગયો. ધાર્મિક સ્થળોએ જવું અને પછી પર્યટન સ્થળોએ પણ જવા લાગ્યા. બેએક દાયકાથી આ પરંપરા ચાલતી આવે છે. હા, દરેક વેળા બધા જ આવે એવું ના પણ બને. દીકરીઓ પરણે એટલે એ ના પણ આવે, પણ હવે તો બધા ભાઈઓએ નિર્ણય કર્યો છે કે, દીકરી-જમાઈ આવે તો એમનું પણ સ્વાગત છે.

આ ફરવા જવા પાછળ એક વિજ્ઞાન છે. આજે જિંદગીમાં સમસ્યાઓ વધી છે. તનાવ વધ્યો છે. વર્ષમાં એકાદવાર ફરવા જઈએ તો એ તનાવ ઘટે છે. તનાવ ઘટાડવા દવાઓ ખાવાની જરૂર નથી હોતી. વર્ષમાં એકાદવાર ફરવા જાવ તો બધો તનાવ વિદાય લેશે. ઘણા લોકોનો મૂડ ખરાબ રહે છે, એકવાર ફરવા જાવ મૂડ બરાબર થઇ જશે. દરેકમાં સર્જનાત્મકતા હોય છે પણ એને પ્લેટફોર્મ આપે છે પર્યટન. આમાં સૌથી મહત્ત્વની વાત એ કે, નવા દૃષ્ટિકોણ બને છે. કૂવાના દેડકા બનવામાં કોઈ માલ નથી.

બહારનું વિશ્વ જુવો યાર, એની મજા જ કૈક ઔર છે.
એટલે જ મને નિરંજન ભગતનું એ ગીત બહુ ગમે છે,
હું તો બસ ફરવા આવ્યો છું,
હું ક્યાં એક્કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?
જોઉં, જાણું, ખેલું, ખાવું, પીઉં, વિસું, લેવું સૂંઘી,
હું તો બસ ફરવા આવ્યો છું….

આનો અર્થ તો જરા ઊંડો છે, પણ ફરવું એ આપણો સ્વભાવ બની જવો જોઈએ. આજની નવી પેઢી કે જે મોબાઇઅલ ફોન સાથે ઉછરી રહી છે, ઉછરી છે એમના માટે ફરવું બહુ જરૂરી છે. મોબાઈલની દુનિયા કરતાં કુદરતે સર્જેલી દુનિયા વિશાળ છે, સુંદર છે, મનમોહક છે. અને એકવાર એ જોવા લાગો તો મોબાઈલની દુનિયા ફિક્કી લાગશે.

આજની પેઢી એકાકી બની છે, કુદરત સાથે નાતો બંધાય પછી એ એકાકીપણું પણ જશે. એટલું જ નહિ, પરિવારોના યુવા સભ્યો છે એમના વચ્ચે બોન્ડીંગ વધે છે, કોમ્યુનિકેશન સ્કીલ વધે છે. એકબીજા સાથે અનુકુળતા કેમ સાધાવી એ પણ આવડી જાય છે.

આપણે પ્રવાસમાં કેટલીયવાર એવું બન્યું છે કે, ક્યાંક હોટેલમાં રૂમ બરાબર ના હોય, વાહન મોડાં-વહેલાં થાય કે પછી જમવામાં કોઈ સમસ્યા આવે તો બધાના મોં તો બગડે, પણ પછી એના સમાધાનો બધા સાથે મળી શોધી લે છે અથવા તો ચલાવી લેવાય છે.

કેરળમાં એક જગ્યાએ રોકાવાનું હતું અને ત્યાં ડિનરમાં માત્ર બે કે ત્રણ જ વસ્તુ હતી. તો બધા ગુસ્સે થયા. મેં ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરી અને છોકરાઓએ પણ હોટેલ મેનેજમેન્ટ સાથે વાત કરી. પરિણામાં એ આવ્યું કે, બીજી બે વાનગી પણ બની!

પ્રવાસ કેટકેટલી યાદ પણ આપી જાય છે. કેટલીક યાદગાર પળો હોય, કેટલીક ભૂલી જવા જેવી પણ હોય છે. કેટલીક વાત યાદ કરીએ તો આજે ય હસવું આવી જાય છે.

એક પ્રસંગ બરાબર યાદ છે. બધા ભાઈ સાથે પંચમઢી ગયેલા અને ત્યાં છેલ્લુ સ્ટેશન એક રિસોર્ટમાં હતું. એક રાત ત્યાં રોકાવાનું હતું અને બીજા દિવસે પાછા ફરવાનું હતું. મારી અને કઝીનની રિસોર્ટવાળા સાથે વાત થઇ. સવારે વહેલા નીકળવાનું હતું, કૈંક નાસ્તો બનાવી આપવા કહ્યું. એમાં વાત થેપલાની નીકળી અને એણે ‘બનાવી આપીશું’ એમ કહ્યું તો અમે રાજીના રેડ થઇ ગયા. ગુજરાતીઓને પ્રવાસમાં થેપલા મળી જાય તો ગોળના ગાડાં.

કેરળના પ્રવાસે જ એક જગ્યાએ દુકાન પર બોર્ડ જોયેલું કે ‘થેપલા મળશે…’ હું ઉત્સાહમાં ત્યાં ગયો પણ ભાવ પૂછ્યો પછી એ ઉત્સાહનું સુરસુરિયું થઇ ગયું હતું. એણે એક થેપલાનો ભાવ કહ્યો ફક્ત રૂપિયા 35. એ માનસમાં હતું. પંચમઢીમાં 15નો ભાવ કહ્યો એટલે આપણે હોંશે હોંશે હા પાડી દીધી. સવારે નીકળ્યા ત્યારે એમણે એક ડબામાં થેપલા આપણે હવાલે કર્યા. રસ્તામાં નાસ્તો કરવા માટે ડબો ખોલ્યો તો થેપલાનો કલર પીળોપચરક. અમને શંકા ગઈ કે ગરબડ લાગે છે.

થેપલાનાં નામે કૈક ભળતુંસળતું આવી ગયું છે. એક બટકું ખાધું ત્યારે ખબર પડી કે, આ તો ચણાના લોટમાંથી બનાવેલા છે. પેલા રિસોર્ટવાળાએ થેપલાનું પોત જ બદલી નાખેલું. પછી તો આ થેપલા ખાવા કેમ એ પ્રશ્ન આવ્યો, એનો ય તોડ કાઢ્યો કે હવે જે સ્ટેશને ગાડી ઊભી રહે ત્યાંથી અમુલનાં દહીંના ડબા લઇ લેવા.

લીધા અને પછી દહીંના સહારે એ થેપલા માંડમાંડ ગળે ઉતાર્યા, પણ કોઈનાથી એક્દ થેપલાથી વધુ ખવાયું નહિ. આખરમાં એ થેપલાનું વિસર્જન ભારે હૃદયે કરવું પડ્યું હતું. પ્રવાસમાં આવું બનતું રહે છે અને એની એ જ મજા છે. એટલે વર્ષે એકાદવાર તો ફરવા જવાનું આયોજન જરૂર કરવું જોઈએ.
તારો બન્ની

આપણ વાંચો:  મેલ મેટર્સઃ ‘પરફેક્ટ પુરુષ જ સફળ થાય છે’ એવું માનવાની ભૂલ કરશો નહીં!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button