સંતાન કરવું કે ના કરવું… | મુંબઈ સમાચાર

સંતાન કરવું કે ના કરવું…

  • કૌશિક મહેતા

ડિયર હની,

નવાં પરણેલાં દંપતીઓને એક પ્રશ્ન સતત સતાવતો રહે છે. ઘરમાં બધા પૂછતા રહે છે કે, સંતાન ક્યારે કરશો? દંપતી કૈક જુદું વિચારતું હોય છે. આજની પેઢી તો જલદી સંતાન જ ઇચ્છતી નથી. શહેરોમાં રહેતા યુગલો સંતાનને એક બોજ માનવા લાગ્યા છે અથવા તો વન ચાઈલ્ડની ફિલોસોફી મજબૂત બનતી જાય છે.

આવું શા માટે બને છે?

આવો પ્રશ્ન સતત થાય એ સ્વાભાવિક છે. આપણાં પોતાનાં જ લગ્નજીવનની વાત કરીએ તો આપણું પહેલું સંતાન દીકરી હતી એ આનંદનો અવસર બની ગયો. અમારે કોઈ બહેન નહોતી અને મારે ત્રણેય ભાઈને દીકરી નહોતી એ પણ એમાં એક કારણ હતું , પણ ‘બીજું સંતાન ક્યારે?’ એવો પ્રશ્ન આપણને પણ પૂછાતો હતો. બહેન છે તો એક ભાઈ તો જોઈએ ને…વારસદારતો જોઈએ ને… હવે દીકરો જ…

આવી વાતો કાને અથડાતી રહી પણ આપણે બન્નેએ નક્કી કર્યું હતું કે, બંને સંતાન વચ્ચે ચાર- પાંચ વર્ષનો ગાળો હોવો જ જોઈએ. એનું કારણ સાવ સ્પષ્ટ છે કે પહેલું બાળક થોડું સમજણું થઇ જાય તો બીજા સંતાનના ઉછેરમાં સરળતા રહે.
આપણે એ રીતે પ્લાન કર્યું અને બીજું સંતાન આવ્યું દીકરો.

એનોય આનંદ સવિશેષ હતો. બે સંતાન થયા અને ભાઈ – બહેનની જોડી બની ગઈ.

આમ છતાં મને એ સમજાતું નથી કે, દીકરાનો મોહ કેમ જતો નથી? આજે દીકરાઓ પાછલી ઉંમરમાં મા-બાપને સાચવતા નથી એવા કિસ્સા વધ્યા છે અને દીકરી દત્તક લેવાનું પ્રમાણ વધ્યું છે. સમાજની આ વાસ્તિવકતા છે છતાં આપણી માનસિકતા બદલતી નથી. ભારત જ નહિ પાકિસ્તાન, બંગલાદેશ, ચીન અને ઇન્ડોનેશિયામાં પણ આવી જ માનસિકતા છે.

સવાલ તો એ જ છે કે, સંતાન કરવું કે નહિ? ચીનમાં બહુ કડક કાયદાઓને કારણે એવું થયું છે કે, બાળકોની સંખ્યા ઘટતી જાય છે. જાપાનમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. ચીને હવે એક બાળકની નીતિ પાછી ખેંચી છે અને બે બાળકો માટે છૂટ આપી, પણ એનું પરિણામ પૂરતું ના આવતા હવે ત્રણ બાળક માટે છૂટ આપી છે. ભારતમાં, ખાસ કરીને મેટ્રોમાં રહેનારાં યુગલ તો જલદી સંતાન ઇચ્છતા જ નથી.

કેટલાક વન ચાઈલ્ડમાં માને છે. બંને નોકરી કરતા હોવાના કારણે અને વિભક્ત કુટુંબ થવાન કારણે બાળકના ઉછેરની જવાબદારી કોણ ઉઠાવે? એ પ્રશ્ન પેદા થયો છે. આયા પર બધું છોડી શકાતું નથી.

આ બધા વચ્ચે મોરબીમાં એક પટેલ સંમેલનમાં એમના નેતાએ તો એવું કહ્યું કે, આપણી વસતિ ઘટવા લાગી છે. એક બાળક નહિ વધુ બાળકો પેદા કરો. ચાર પાંચ સંતાન પેદા કરો… આવાં નિવેદનો અગાઉ કેટલાક નેતાઓએ અને સાધુઓએ પણ કર્યા છે. એમાંથી વિવાદ ઘણા બધા થયા છે. અને બાળકમાં દીકરો હોય એવો આગ્રહ હજુ ઓછો થયો નથી. તને ખબર છે કે, આપણાં જ એક સગાએ દીકરાની ઉમીદમાં આઠ બાળકો કર્યા. બધી દીકરીઓ છતાં એ અટક્યા નહિ અને નવમું સંતાન દીકરો થયો. અને એને ‘ભીખુ’ બનાવ્યો. આ ય અજબ પરંપરા છે. અમુક વર્ષે એને ભીખુ બનાવવો એટલે એની જરૂરીયાત અન્ય સંતોષે.!

સંતાન માટે કેવી મજાની રચના થઇ છે…

દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર અને દીકરા માટે લખાયું, દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે…

સંતાન કોણ ના ચાહે? બધાને ચાહ હોય છે અને છાને ખૂણે એવી ઈચ્છા હોય છે કે એનો વંશ આગળ વધે. એમાં નામ, કુળની ભાવના છે. સુરક્ષાની ભાવના પણ છે કે, વૃદ્ધ થઈશું તો સંતાન ખ્યાલ રાખશે. જાવેદ અખ્તરે ‘મેલા ’ નામની રચના લખી છે એમાં આ જ ભાવના છે ….

પહેલાં જ્યારે એક નાનું બાળક મેળામાં જાય છે ત્યારે એ પિતાની આંગળી પકડીને ચાલે છે અને પિતા એને દરેક વસ્તુ વિશે સમજાવે છે….એ બાળક મોટો થાય છે અને પિતા વૃદ્ધ થઈ જાય છે. ફરી જ્યારે એ બન્ને મેળામાં જાય છે ત્યારે હવે પિતાનો હાથ પકડીને પુત્ર ચાલે છે અને પિતાને દરેક વસ્તુ વિશે સમજાવે છે… કવિતા દર્શાવે છે કે સમયનું ચક્ર કેવી રીતે ચાલે છે અને પિતા-પુત્રનો સંબંધ કેવી રીતે બદલાય છે.

સંતાન પાછળ ધાર્મિક ભાવનાય છે. જોકે, આધુનિક સમયમાં આ માન્યતાઓમાં પરિવર્તન આવી રહ્યું છે. ઘણા લોકો હવે વંશવૃદ્ધિને બદલે પોતાના જીવનનાં અન્ય પાસાં, જેમ કે કારકિર્દી અને સ્વતંત્રતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આવો ભાવ કેમ વિકસી રહ્યો છે એ અંગે અભ્યાસ થવો જોઈએ. આમ છતાં, વંશ આગળ વધારવાની ઈચ્છા માનવ મનની એક ગહન અને સ્વાભાવિક પ્રેરણા બની રહે છે.

તારો બન્ની

આપણ વાંચો:  મેલ મેટર્સ: અલ્યા, આ ‘મેન અપ’ કલ્ચર શું છે… એની જરૂર ખરી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button