સ્વજનોની હૂંફ છે અસરકારક દવા

નીલા સંઘવી
જયશ્રીબહેનના પતિનું અવસાન થયા બાદ પુત્રના પરિવાર સાથે એ રહેતાં હતાં અથવા તો એમ કહી શકાય કે પતિના અવસાન પહેલાં નાના પુત્રનો પરિવાર જયશ્રીબહેન અને જયેશભાઈની સાથે જ રહેતો હતો, તેથી જયેશભાઈના નિધન બાદ પણ એ જ રીતે સપરિવાર આ લોકો રહેતા હતા. જયશ્રીબહેન પહેલાંની માફક જ પોતાના ઘરમાં, પોતાના રૂમમાં રહેતાં હતાં. એમની રહેણીકરણીમાં કોઈ ફરક પડ્યો ન હતો. પતિના જવાનું દુ:ખ તેમને ક્યારેક વિચલિત કરી જતું એ સિવાય જયશ્રીબહેનને કોઈ જ તકલીફ ન હતી.
જયશ્રીબહેનના જીવતર માટે, તેમની બીમારી માટે, તેમની દેશ-પરદેશની ટૂર માટેની આર્થિક સગવડ જયેશભાઈએ વ્યવસ્થિત રીતે કરી હતી. એ કોઈ પણ રીતે દીકરાના ઓશિયાળા ન હતાં. ઘર પણ જયશ્રીબહેનનાં નામ પર જ હતું.
પતિના અવસાનના આઘાતમાંથી એ ધીરે ધીરે બહાર આવી રહ્યાં હતાં.. જયશ્રીબહેન પોતાના રૂટિનમાં સેટ થઈ રહ્યાં હતાં. રોજ સવારે યોગા પછી જયશ્રીબહેન ગાર્ડનમાં જતાં. હમઉમ્ર મિત્રો-સહેલીઓને મળીને વાતો કરતાં અને અને આનંદ પામતાં પછી મંદિરે જઈ દર્શન કરીને ઘેર આવતાં. ઘેર આવીને ચા-નાસ્તો કરીને ઘર મંદિરના ઠાકોરજીને રીજવતા.
બાળકો સાથે થોડીવાર કિલ્લોલ કરતા, પછી બપોરનું જમણ, પછી આરામ, સાજે બગીચામાં જતાં અડધો-પોણો કલાક વોક લેતા. ફરી પાછાં મિત્રો-સહેલીઓ સાથે ગપ્પાં-ગોષ્ઠિ પછી ઘેર પરત. રાતનું જમણ પતાવી. બાળકો સાથે મસ્તીમજાક કરીને ટીવી જોતા અને છેલ્લે ઠાકોરજીની માળા ફેરવીને સૂઈ જતાં.
આમ જયશ્રીબહેનનું આખા દિવસનું ટાઈમટેબલ ફિક્સ રહેતું. સરસ જીવન જીવી રહ્યાં હતાં, પણ પછી સુખનું તો આયુષ્ય ટૂંકું. માંડ બધું સરસ સમુંસુતરું ચાલતું હતું ત્યાં સવારે મંદિરેથી દર્શન કરીને પાછા ફરતી વખતે સામેથી પૂરઝડપે આવતી બાઈકથી બચવા જયશ્રીબહેન જલદીથી પાછળ ખસ્યાં, પાછળ મોટો ખાડો હતો. એ ખાડામાં પડ્યા અને થાપાનું હાડકું ભાંગી ગયું.
સર્જરી કરાવવી પડી. એકાદ અઠવાડિયું હોસ્પિટલમાં રહેવાનું હતું. દીકરાએ બધી સગવડ કરી આપી હતી, પણ દીકરા કે વહુને આવવાનો સમય મળતો ન હતો કે ન એવી કોઈ ઈચ્છા.
સવારે ઓફિસ જતી વખતે ઊભાં ઊભાં પાંચ મિનિટ માની ખબર કાઢી જતાં બસ, પછી બન્ને ચાલતા થાય. હા, જયશ્રીબહેનની સારવારમાં કે સેવા-સુશ્રુષામાં કશી કમી રહેતી ન હતી, પણ ઘરનાં લોકો પોતાના સ્વજન થોડીવાર પાસે બેસીને વાતો કરે… આ તો એક સ્વપ્ન હતું. જયશ્રીબહેનનું જે કદી સાચું પડવાનું ન હતું.
એમનાં રૂમની સામે જ જનરલ વોર્ડ હતો. એ વોર્ડ જયશ્રીબહેનને પોતાના રૂમમાંથી દેખાતો હતો. એ જનરલરૂમના ખાટલા જયશ્રીબહેન પોતાના રૂમમાંથી જોઈ શકતાં. એ ખાટલાના દર્દીઓના સંબંધીઓ ભાઈ હશે કે દીકરો, પણ આખો દિવસ-રાત વારાફરતી સાથે રહેતા-વાતો કરતાં સેવા કરતાં… જયશ્રીબહેનને આ બધું જોવું બહુ ગમે, પણ સાથે સાથે મનમાં ઓછું આવે કે કાશ! મારી પણ કોઈ આવી રીતે સંભાળ લેતું હોત તો કેટલું સારું થાત!
માંદગીમાં માણસને સતત કોઈના સંગાથની ઈચ્છા રહે છે, કોઈની હૂંફની જરૂર રહે છે. મેડિકલ સાયન્સ અનુસાર સર્જરી પછી રિકવરીનો આધાર ડોકટર્સની બાહોશી પર તો હોય જ પણ તેના કરતાંયે વધારે ઓપરેશન થિયેટરની બહાર કોણ ચિંતા કરતું ઊભું છે એના પર વધારે હોય છે.
વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ વ્યક્તિની શારીરિક તકલીફ દૂર કરે છે પણ મનની, દિલની તકલીફ દૂર કરવા માટે તો પોતાનાં સ્વજનો કે પોતાનાં સંતાનો જ જોઈએ. માંદગી વખતે માતા- પિતા બન્ને સાથે હોય ત્યાં સુધી તો ઠીક, પણ બેમાંથી એક વિદાય લઈ જાય પછી આવી મુસીબત શરૂ થઈ જાય છે. માંદગીમાં પગારદાર નર્સ ઈત્યાદિ હોય છે, પણ આપ્તજનનો અભાવ ખટકે ..
જયશ્રીબહેનને પથારીમાં પડ્યા પડ્યા શ્રવણની વાર્તા યાદ આવે છે. ક્યાં છે આજે શ્રવણ જેવાં સંતાનો? પણ પછી પોતે જ વિચારે છે શ્રવણને ક્યાં મારાં દીકરા જેટલું કામનું સ્ટ્રેસ હતું? મારાં દીકરાને તો બિચારાને કેટલું સ્ટ્રેસ અને કેટલું કામ રહે છે. આખરે કોઈક રીતે તો મન મનાવવું જ રહ્યું ને?
આપણ વાંચો: મેલ મેટર્સઃ AI તથા ઓટોમેશનના સમયમાં પુરુષાર્થનું નવું સ્વરૂપ કેવું હશે?


